રાજકોટની ડાંગર હોમિયોપેથી કોલેજને હવે સીલ મારવાનો ગોઠવાતો તખતો
કાઉન્સીલનાં ઈન્સ્પેકશનમાં અનેક ગેરરીતિઓ બહાર આવી : કોલેજમાં ડમી અધ્યાપકો, હોસ્પિટલમાં દર્દી પણ ડમી: કર્મચારીઓના પગારનું સાચુ બેંક સ્ટેટમેન્ટ પણ ન મળ્યું: દિલ્હી સ્થિત નેશનલ કમિશનને રિપોર્ટ સુપ્રત
રાજકોટ, : અહીના જામનગર રોડ ઉપર આવેલી બી.એ. ડાંગર હોમિયોપેથી કોલેજમાં એકનાં બદલે બીજા લાયકાત વગરના ડમી અધ્યાપકો ભણાવતા હોવાની વિગતો બ ે દિવસના ઈન્સ્પેકશન દરમિયાન બહાર આવ્યા બાદ આ અંગેનો રિપોર્ટ હોમિયોપેથી કાઉન્સીલ ઓફ ઈન્ડિયાને મોકલવામાં આવશે. આ કોલેજમાં ચાલતી હોસ્પિટલમાં દર્દીઓના નામ પણ ડમી હોવાનું બહાર આવ્યું હતું. આ પ૩કારની વહીવટી ગેરરીતિ બદલ ટુંક સમયમાં કોલેજની સીલ મારવામાં આવનાર હોવાનો નિર્દેશ તપાસનીશ અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યો હતો.
રાજકોટમાં હોમિયોપેથીનાં સ્નાતક કક્ષાનાં શિક્ષણ સાથે સંકળાયેલી બી.એ. ડાંગર હોમિયોપેથી કોલેજમાં બે દિવસના ઈન્સ્પેકશન દરમિયાન જોવા મળેલી વહીવટી અનિયમિતતાનાં સંદર્ભમાં મેડીકલ એસસમેન્ટ એન્ડ રેટીંગ બોર્ડ ફોર હોમિયોપેથીના ચેરમેન જનાર્દન નાયરે જણાવ્યું હતું કે, કોલેજના બે દિવસનાં ઈન્સ્પેકશન દરમિયાન માત્ર ૧૦ શિક્ષકો અને બે હોસ્પિટલનો સ્ટાફ જોવા મળ્યો છે. બાકી જે ડમી લોકોને ઉભા કરવામાં આવ્યા હતાં તેમાંથી કોઈ પાસે તેમના ઓળખપત્રો ન્હોતા. કોલેજને સ્ટાફનું એક વર્ષનું બેંક સેલરી સ્ટેટમેન્ટ માગવામાં આવ્યું હતું. જે તેઓ આપી નથી શક્યા. સ્ટાફની સેલરી, હાજરી સહિતની વિગતોનું રેકર્ડ જાણે ઉભુ કરવામાં આવ્યું હોય તે પ્રકારની વિગતો મળી છે. આ તમામ ચોંકાવનારી વિગતો સાથેનો રીપોર્ટ નેશનલ કમીશન ફોર હોમિયોપેથી દિલ્હીને મોકલવામાં આવશે. ત્યારબાદ કોલેજની વિરૂધ્ધ કડક કાર્યવાહી થશે.
સૌરાષ્ટ્ર યુનિ. સામે સંલગ્ન હોમિયોપેથી કોલેજમાં જોવા મળતી વહીવટી અનિયમિતતાની ફરિયાદો સંદર્ભે તેઓએ ઉમેર્યું હતું કે, બી.એ. ડાંગર કોલેજની તપાસ પુરી થઈ છે. ત્યારબાદ અન્ય કોલેજોમાં પણ તપાસ થશે. પગલાં લેવાશે.
હોમિયોપેથી કોલેજનાં પ્રશિક્ષણ દ્વારા તૈયાર થતાં તબીબોની જવાબદારી લોકોના આરોગ્યની સારસંભાળ રાખવાની છે. આ કોલેજોમાં ગેરરીતિ ચાલતી હોય તો તેના ગંભીર પરિણામે સમાજે ભોગવવા પડે. આ માટે યુનિવર્સિટીએ તેમજ રાજય સરકારે પણ અસરકારક નીતિ બનાવવાની જરૂર છે. તેની પણ જવાબદારી છે. તેમ કહી તેઓએ ડાંગર કોલેજની ક્ષતિઓને ગંભીર ગણાવી હતી. બીજી બાજુ કોલેજ સંચાલકોએ ભુતપૂર્વ કોલેજ પ્રિન્સીપાલ દ્વારા ઉપજાવી કાઢેલી વિગતોના આધારે આક્ષેપ કર્યા હોવાનું જણાવી તપાસ રીપોર્ટની ક્ષતિઓને નકારી કાઢી હતી.