Get The App

રાજકોટની આંગડિયા પેઢી સાથે રૃા. ૭૨ લાખની છેતરપિંડી કરાઇ

Updated: Jan 27th, 2025


Google NewsGoogle News
રાજકોટની આંગડિયા પેઢી સાથે રૃા. ૭૨ લાખની છેતરપિંડી કરાઇ 1 - image


ત્રણ શખ્સો સામે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ

રૃા. ૭૨ લાખનું દિલ્હીમાં આંગડિયું કરાવ્યા બાદ આંગડિયા પેઢીને પેમેન્ટ જ ન કર્યું

રાજકોટ :  રાજકોટનાં સોની બજારમાં દરબારગઢ ચોકમાં ઓર્નામેન્ટ આર્કેડમાં આવેલી ઇશ્વર સોમા આંગડિયા પેઢી સાથે ત્રણ આરોપીઓએ રૃા. ૭૨ લાખની ઠગાઇ કર્યાની એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.જેનાં આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે. આરોપીઓએ રૃા. ૭૨ લાખનું દિલ્હી આંગડિયા કરાવ્યા બાદ તે રકમ જ આંગડિયા પેઢીને આપી ન હતી.

આંગડિયા પેઢીનાં મેનેજર મોરારભાઇ ગોરધનદાસ પટેલ (ઉ.વ.૬૭, રહે. મૂળ વતન બલોલ ગામ, જી. મહેસાણા)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઇ તા. ૨૧નાં રોજ તે અને તેના શેઠ જૈમીનભાઈ પેઢીએ હાજર હતા. તે વખતે શેઠ જૈમીનભાઈ ઉપર તેનાં જાણીતા અને સોનાના દાગીના બનાવવાનું કામ કરતાં વિજય જાગાણીએ કોલ કરી કહ્યું કે, મારી એક જાણીતી પાર્ટીનો ફોન આવ્યો છે કે, તેને દિલ્હી રૃપિયા ટ્રાન્સફર કરવાના છે તો તેનું કામ તમે કરી આપજો, કમિશન અને ખર્ચો ઓછો લેજો અને તેનું કામ સંતોષકારક રીતે કરી આપશો તેમ કહી તે પાર્ટીનો મોબાઇલ નંબર વોટ્સએપ કર્યો હતો.

ત્યાર પછી તે નંબર ઉપર તેના શેઠ જૈમીનભાઈએ કોલ કરી નામ પૂછતાં પૃથ્વીરાજ કોઠારી જણાવી કહ્યું કે, રૃા. ૭૨ લાખ દિલ્હીનાં ચાંદની ચોક ખાતે મોકલી આપજો. આ પછી પૈસા લેનાર વ્યક્તિનું નામ વિશાલ જણાવી તેનો મોબાઇલ નંબર આપ્યો હતો. તેની સાથે ખરાઇ માટે રૃા. ૧૦ની નોટનો ફોટો પણ મોકલી આપ્યો હતો. થોડીવાર પછી તેની પેઢીમાં તેનો માણસ રમેશ મહેતા રૃા. ૭૨ લાખ જમા કરાવી જશે તેમ કહી તેનો મોબાઇલ નંબર પણ આપ્યો હતો.

આ પછી તેનો શેઠ જૈમીનભાઇએ દિલ્હી ખાતેની ઓફિસનો સંપર્ક કરી વિગતો લખાવી દીધી હતી. થોડીવાર બાદ શેઠ જૈમીનભાઈને દિલ્હી ખાતેની ઓફિસથી કોલ આવ્યો હતો અને કહ્યું કે, વિશાલ નામનો માણસ રૃા. ૭૨ લાખ લઇ ગયો છે. ત્યાર પછી તેનાં શેઠ જૈમીનભાઈએ પૃથ્વી કોઠારીને વોટ્સએપ કોલ કરી કહ્યુ ંકે તમારો રમેશ મહેતા નામનો માણસ હજુ રૃા. ૭૨ લાખ જમા કરાવવા આવ્યો નથી. જેની સામે પૃથ્વી કોઠારીએ કહ્યું કે રમેશભાઈ નીકળી ગયા છે અને થોડીવાર વારમાં આંગડીયા પેઢીએ પહોંચી જશે.

ત્યારબાદ રમેશે તેનાં શેઠ જૈમીનભાઈને કોલ કરી પોતે થોડીવારમાં આંગડીયા પેઢીએ આવી રહ્યાનું કહ્યું હતું પરંતુ આવ્યા ન હતા. બાદમાં પૃથ્વી કોઠારીને કોલ કરતાં તેનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ આવતો હતો. રૃા. ૭૨ લાખ લઇ જનાર વિશાલનો મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ આવવા લાગ્યો હતો. આખરે ઓળખીતા વિજયભાઈને ફોન કરી રણછોડનગરમાં આવેલી તેની ઓફિસે રૃબરૃ મળવા જતાં જાણવા મળ્યું કે પૃથ્વી કોઠારીએ અગાઉ પણ ઘણા માણસો સાથે ઠગાઇ કરી છે. જેથી આખરે તેના ઉપરાંત વિશાલ અને રમેશ વિરૃધ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.


Google NewsGoogle News