સુરત ઝૂને સાબરની 2 જોડી આપવાના બદલામાં માર્શ મગર મેળવતું રાજકોટ ઝૂ
રાજકોટ ઝૂ પાસેના બન્ને તળાવો છલકાતા વનરાઈ ખિલી ઉઠી : 42 લાખ વર્ષથી પૃથ્વી પર રહેતા મગરમચ્છ મહત્તમ 18 મીટર લાંબા, 450 કિલો વજનના હોય છે અને મોટા પ્રાણીઓને હડપ કરી જાય છે
રાજકોટ, : રાજકોટ મહાપાલિકા સંચાલિત ઝૂમાં સાબરની સંખ્યા વધીને 26 થઈ જતા અને સુરતમાં તેની માત્ર એક જ જોડી હોય અને બીજી તરફ રાજકોટમાં માર્શ મગરમચ્છની માત્ર એક જ જોડી હોય સુરત ઝૂને સાબરની બે જોડી (2 નર-2 માદા) આપીને બદલામાં મહાપાલિકાએ બે જોડી માર્શ મગરમચ્છ મેળવ્યા છે.
ઝૂ સૂત્રો અનુસાર માર્શ મગરમચ્છ મોટા જીવોનો પણ શિકાર કરતા હોય છે ત્યારે ચાંચ જેવું મુખ ધરાવતી ઘડિયાળ મગરમચ્છ માત્ર માછલી વગેરે આરોગતી હોય છે તેથી બન્નેના જળકુંડ અલગ અલગ રખાય છે . ઝૂમાં હવે માર્શ મગરમચ્છની સંખ્યા અર્ધો ડઝન થતા લોકોને તે આસાનીથી જોઈ શકાશે. મગરમચ્છો પૃથ્વી પર 42 લાખ વર્ષ પહેલાથી વસે છે. તેની સંખ્યા ઘટતી જતી હોય ભારત સરકાર દ્વારા તેને સુરક્ષિત પ્રાણીની યાદીમાં મુકાયેલ છે. ગીર જંગલના તળાવોમાં પણ આ મગરમચ્છોના ક્યારેક દર્શન થાય છે. તેની મહત્તમ લંબાઈ 18 મીટર સુધીની હોય શકે છે અને મહત્તમ 450 કિલોનું વજન હોય છે.
દરમિયાન રાજકોટ ઝૂની બન્ને બાજુ આવેલા રાંદરડા અને લાલપરી તળાવ હાલ છલકાઈ જતા ચોતરફ વનરાઈ ખિલી ઉઠી છે જેના પગલે લોકોનો ધસારો ચોમાસામાં પણ વધ્યો છે. ગત રવિવારે એક દિવસમાં જ 5277 મુલાકાતીઓ નોંધાયા હતા. વર્ષે 7.25 લાખથી વધુ લોકો ઝૂની મુલાકાત લે છે. લોકોને ઝૂમાં જવામાં એકમાત્ર મૂશ્કેલી પાર્કિંગની અને એપ્રોચ રોડ ઉપરના દબાણોની છે અને મહાપાલિકા હજુ તે દૂર કરી શકી નથી.