રાજકોટના પાટીદાર આગેવાન અને ઉદ્યોગપતિ મહેન્દ્ર ફળદુએ કરી આત્મહત્યા
રાજકોટ, તા. 02 માર્ચ, 2022, બુધવાર
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં નામના ધરાવતા કડવા પાટીદાર આગેવાન અને સૌરાષ્ટ્રની જાણીતી યુ.વી. ક્લબ સંસ્થાના ચેરમેન મહેન્દ્ર ફળદુએ આત્મહત્યા કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. એડવોકેટ અને પાટીદાર અગ્રણી મહેન્દ્ર ફળદુએ અંતિમ ચિઠ્ઠીમાં ખૂબ જ ગંભીર આક્ષેપો કરીને આત્મહત્યા કરી લીધી છે.
આત્મહત્યા પહેલા તેમણે એક પ્રેસનોટ લખી હતી જેમાં આત્મહત્યા પાછળ જવાબદાર તરીકે રાજકોટ શહેરના બિલ્ડર એમ એમ પટેલ, અમિતભાઈ ચૌહાણ, અતુલભાઇ મહેતા તેમજ અમદાવાદના ઓઝોન ગ્રુપના જયેશ કુમાર કાંતિલાલ પટેલ, દિપક મણિલાલ પટેલ, પ્રકાશ ચંદુલાલ પટેલ અને પ્રાણય કુમાર કાંતિલાલ પટેલ નામના વ્યક્તિઓનો ઉલ્લેખ કર્યો છે.
ચિઠ્ઠીમાં તેમણે જમીનમાં પૈસા અટવાયા હોવાનો ઉલ્લેખ કર્યો છે અને તેમની આત્મહત્યાના સમાચારને લઈ સૌરાષ્ટ્રમાં હાહાકાર વ્યાપ્યો છે. તેમના આપઘાતના સમાચાર મળતા જ મોટી સંખ્યામાં પાટીદાર આગેવાનો સિવિલ હોસ્પિટલમાં દોડી ગયા હતા.
આજે સવારે 10:00 વાગ્યાની આસપાસ તેઓ સવારે ઘરેથી નીકળ્યા અને ઓફિસ પહોંચ્યા હતા. જોકે ઓફિસમાં કોઈ સ્ટાફ આવે તે પહેલા જ તેમણે મોતને વ્હાલુ કર્યું હતું. તેમણે પહેલા ઝેરી દવા ગટગટાવી હતી અને ત્યાર બાદ ગળે ફાંસો લગાવ્યો હતો. તેઓ ક્લબ યુવી, ઉમિયા માતાજી મંદિર - સિદસર, સરદારધામ, VYO હવેલી, જેવી સંસ્થામાં જવાબદારી સંભાળતા હતા.
મારી આત્મહત્યા માટે ઓઝોન ગ્રુપ જવાબદાર
આશ્ચર્યની વાત તો એ છે કે, મહેન્દ્ર પટેલે આત્મહત્યા કરતા પહેલા પહેલા અખબારો ઉપર એક પ્રેસનોટ મોકલી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, "હું મહેન્દ્ર ફળદુ આ સાથેની પ્રેસ નોટ મુજબ આત્મહત્યા કરી રહ્યો છું. આ આત્મહત્યા માટે ઓઝોન ગ્રુપ જ જવાબદાર છે. મારી 33 કરોડની મિલકતના દસ્તાવેજ કરી આપતા નથી. મારા ગ્રુપના 70 કરોડના દસ્તાવેજ છે. અમિત ચૌહાણ, એમ.એમ.પટેલ, અતુલ મહેતા અને અમદાવાદના લોકો જ જવાબદાર છે. મને ખૂબજ હેરાન કરેલ છે. મારા ઉપર ફરિયાદો કરે છે, ધમકીઓ આપે છે, મને મારવા માટે, દવા પીવા માટે આ લોકો જ જવાબદાર છે. મારા અને મારા પરિવારનો વિશ્વાસ હવે આપ પ્રેસ ઉપર છે. અમોને ન્યાય અપાવજો."