રાજકોટ અગ્નિકાંડ: કેનેડાથી આવેલા યુવકનું લગ્નના ચાર જ દિવસ બાદ પત્ની સાથે નિધન, પરિવારમાં આક્રંદ
Rajkot Game Zone Fire: રાજકોટમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં કેનેડાથી ગુજરાત આવેલા અક્ષય ઢોલરીયાનું 24 વર્ષની વયે નિધન થયું છે. અક્ષય લગ્ન માટે આવ્યો હતો અને ખ્યાતિ સાવલિયા સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. બંને હવે ધામધૂમથી પણ લગ્ન કરવાના હતા. પરંતુ કુદરતને આ મંજૂર નહોતું. ગેમ ઝોનમાં લાગેલી આગમાં બંનેની જિંદગી હોમાઈ ગઈ હતી. પરિજનોના DNA સેમ્પલ દ્વારા મૃતદેહોની શોધખોળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
મૃત્યુઆંક 32 થયો
મળતી માહિતી અનુસાર, અક્ષય મૂળ રાજકોટનો હતો. પરંતુ કેનેડામાં અભ્યાસની સાથે નોકરી કરતો હતો. જ્યારે ખ્યાતિબેન મેઘાણીનગરમાં રહેતી હતી. તેમના પિતા કિશોરભાઈ અને માતા હીનાબેન USAમાં રહે છે. નોંધનીય છે કે,ગેમ ઝોનમાં શનિવારે (25મી મે) સાંજે આગ લાગવાની ઘટના બની હતી. જેમાં મૃત્યુઆંક 32 થયો છે.
રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી
ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ મામલે હવે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ટીઆરપી ગેમ ઝોનના માલિક યુવરાજ સિંહ, પ્રકાશ સોલંકી સહિત કુલ 6 લોકો સામે એફઆઈઆર નોંધાવામાં આવી છે. અગ્નિકાંડ મામલે આઈપીસીની કલમ 304, 308, 337, 338 અને 114 હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે. આ મામલે પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 10 જેટલાં આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. હવે તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ થતાં તે પણ આ મામલે કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.
આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ: મૃતકોના પરિજનોને PMOની રૂ. બે લાખ અને મોરારીબાપુની રૂ. પાંચ લાખના વળતરની જાહેરાત