રાજકોટ અગ્નિકાંડ: મૃતકોના પરિજનોને PMOની રૂ. બે લાખ અને મોરારીબાપુની રૂ. પાંચ લાખના વળતરની જાહેરાત
Rajkot Game Zone Fire: રાજકોટના ગેમ ઝોનમાં આગ લાગવાના કારણે 32 લોકોના નિધન થયા છે. ત્યારે PMOએ મૃતકોના પરિજનો માટે બે લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની મદદ કરવામાં આવશે. બીજી તરફ કથાકાર મોરારીબાપુએ વ્યાસપીઠેથી પાંચ લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી છે. વીરપુરના જલારામ બાપાના પરિવારના ભરતભાઈ ચાંદરાણી દ્વારા આ રાશિ પહોંચાડવામાં આવશે.
રાજ્ય સરકારે મૃતકોના પરિજનોને રૂ. ચાર લાખની સહાય જાહેર કરી
રાજકોટ અગ્નિકાંડમાં મૃતકોના પરિજનોને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ દુર્ઘટના મામલે સુભાષ ત્રિવેદીની આગેવાનીમાં સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરીને સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી છે.
રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી
ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ મામલે હવે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ટીઆરપી ગેમ ઝોનના માલિક યુવરાજ સિંહ, પ્રકાશ સોલંકી સહિત કુલ 6 લોકો સામે એફઆઈઆર નોંધાવામાં આવી છે. અગ્નિકાંડ મામલે આઈપીસીની કલમ 304, 308, 337, 338 અને 114 હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે. આ મામલે પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 10 જેટલાં આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. હવે તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ થતાં તે પણ આ મામલે કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.
આ પણ વાંચો: 'અધિકારીઓના પાપે જ રાજકોટ અગ્નિકાંડ થયો...', ભાજપના દિગ્ગજ નેતા વજુભાઈનો ગંભીર આરોપ