હત્યાકાંડ તો ન કહી શકાય, પણ દુર્ઘટના કહી શકાય : રાજકોટ ગેમ ઝોન આગ મુદ્દે કુંવરજી બાવળિયા
Rajkot Game Zone Fire: રાજકોટ અગ્નિકાંડને લઈને શાસક પક્ષ અને વિપક્ષના નેતાઓ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે મંત્રી કુંવરજી બાવળિયાનું પણ નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું હતું કે 'હત્યાકાંડ તો ન કહી શકાય, પણ દુર્ઘટના કહી શકાય. ઉલ્લેખનીય છે કે શહેરના TRP ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં મૃત્યુઆંક 32 થયો છે.
ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ થશે
રાજકોટમાં શનિવારે સાંજે શહેરના નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં લાગેલી આગમાં મૃત્યુઆંક વધીને 32 થયો છે. ત્યારે ગુજરાત સરકારના મંત્રી કુંવરજી બાવળિયાએ પણ ઘટનાને લઈને નિવેદન આપ્યું હતું. કુંવરજી બાળવિયાએ નિવેદન આપતા કહ્યું હતું કે 'આ હત્યાકાંડ તો ન કહી શકાય , પણ દુર્ઘટના કહી શકાય. ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ થશે. તેમજ હવે ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે રાજ્ય સરકાર તરફથી કાળજી લેવામાં આવશે. જો આ ઘટનામાં કોઈ અધિકારી દોષિત હશે તો તેને પણ છોડવામાં આવશે નહીં.'
આ મામલે પોલીસ એફઆઈઆર દાખલ કરી
રાજકોટમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ મામલે હવે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. માહિતી અનુસાર પોલીસ મથકે એફઆઈઆરમાં ટીઆરપી ગેમ ઝોનના માલિક યુવરાજ સિંહ, પ્રકાશ સોલંકી સહિત કુલ 6 લોકો સામે એફઆઈઆર નોંધાવામાં આવી છે. અગ્નિકાંડ મામલે આઈપીસીની કલમ 304, 308, 337, 338 અને 114 હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે. આ મામલે પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 10 જેટલાં આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. હવે તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ થતાં તે પણ આ મામલે કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.
હાઈકોર્ટે સુઓમોટો હાથ ધરીને ગેમ ઝોન મુદ્દે જવાબ માગ્યો
રાજકોટ શહેરના નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. જેમાં 32 લોકો હોમાયા છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે આજે સુઓમોટો દાખલ કરી હતી. ગુજરાત હાઈકોર્ટમાં આજે જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની વિશેષ બેન્ચે સુનાવણી હાથ ધરી છે. અને આ અગ્નિકાંડને ગુજરાત હાઈકોર્ટે માનવસર્જિત ડિઝાસ્ટર ગણાવી છે. આ ઉપરાંત હાઈકોર્ટે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત અન્ય મહાનગરપાલિકાઓ તેમજ રાજ્ય સરકાર પાસે ગેમ ઝોનના નિયમો અને ફાયર નિયમો અંગે એક જ દિવસમાં ખુલાસો કરવાનો નિર્દેશ આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ શહેરમાં સિંધુ ભવન, એસ.પી. રીંગ રોડ તેમજ એસ.જી હાઈવે પરના ગેમ ઝોનને પણ ભયજનક ગણાવ્યા હતા.