રાજકોટ અગ્નિકાંડ : ગેમ ઝોનના મુખ્ય આરોપી પ્રકાશ જૈનનું પણ મોત, માતાના DNA મેચ થયા
Rajkot Game Zone Fire : રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 28 લોકોના મોત થયા બાદ હાલ મૃતકોના DNA મેચ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે અગ્નિકાંડના મુખ્ય આરોપી પ્રકાશ જૈનનું પણ આગમાં મોત થયાના સમાચાર સામે આવ્યા છે. ડીએનએ રિપોર્ટમાં ખુલાસો થયો છે. પ્રકાશ જૈન બનાવના દિવસથી ગાયબ હતા. બે દિવસ તેમની કોઇપણ ભાળ ન મળતા પરિવારજનોએ ગુમ થયાની પોલીસ ફરિયાદ લખાવી હતી.
માતાના ડીએનએ મેચ થયા
અગ્નિકાંડના મુખ્ય આરોપી પ્રકાશ જૈનના માતાના ડીએનએ સેમ્પલ લેવામાં અવ્યા હતા અને ગાંધીનગર FSLમાં મોકલવામાં આવ્યાં હતા, જ્યાં કાટમાળમાંથી મળેલા મૃતદેહ સાથે પ્રકાશ જૈનના પરિવારજનના ડીએનએ મેચ થતા અગ્નિકાંડમાં પ્રકાશ જૈનનું પણ મોત થયાની પુષ્ટિ થઇ છે. ત્યારે અત્યાર સુધીમાં કુલ 19 મૃતદેહોના ડીએનએન મેચ થયા હોવાની વિગતો સામે આવી છે. અત્યાર સુધીમાં 19 લોકોના મૃતદેહ તેમના સ્વજનોને સોંપાયા છે. આ ઉપરાંત રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ગેમ ઝોનમાં વેલ્ડિંગ કરનાર મહેશ રાઠોડ નામના શખસની અટકાયત કરી છે.
આરોપી ધવલ ઠક્કરના 13 દિવસના રિમાન્ડ મંજૂર
મંગળવારે (28મી મે) આરોપી ધવલ ઠક્કરને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી.પી. ઠાકરની કોર્ટમાં હાજર કરાયો હતો, જ્યાં કોર્ટે તેના 13 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મૂળ અમદાવાદનો રહેવાસી ધવલ ઠક્કરે જણાવ્યું કે, હું નિર્દોષ છું. રાજકોટ અગ્નિકાંડમાં પ્રકાશ જૈન મુખ્ય આરોપી છે. ગઈકાલે (27મી મે) કોર્ટમાં ત્રણ આરોપીઓને હાજર કરાયા હતા, જ્યાં તેઓએ કહ્યું હતું કે, પ્રકાશ જૈન જ મુખ્ય આરોપી છે અને બધા આરોપીઓએ તેનું જ નામ આપ્યું છે.
છ સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા
આ પહેલા સરકારે રાજકોટ અગ્નિકાંડની ઘટનામાં આકરી કાર્યવાહી છ સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. જેમાં બે આસિસ્ટન્ટ એન્જિનિયર, બે ડેપ્યુટી એન્જિનિયર અને બે પોલીસ ઈન્સ્પેક્ટરનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, અગ્નિકાંડ બાદ એવા આરોપો લાગી રહ્યા હતા કે મસમોટા ગેમ ઝોનને કોઈપણ પ્રકારની પરવાનગી કે સુરક્ષાના માપદંડો જેમ કે ફાયર સેફ્ટી, એક્ઝિટ-એન્ટ્રી ગેટ ચેક કર્યા વિના જ મંજૂરી આપી દેવામાં આવી હતી. જેના પગલે આ મોટી હોનારત સર્જાઈ અને મોટી સંખ્યામાં જાનહાનિ પણ થઈ.
રાજકોટ અગ્નિકાંડ: 28માંથી 19 મૃતદેહના DNA મેચ થતા પરિવારને સોંપાયા, જુઓ સંપૂર્ણ યાદી