Get The App

ગેમ ઝોન-ફન પાર્ક માટે નવા નિયમ, હાઈકોર્ટની ટકોર - 'સરકારે પહેલાં આ કામ કરવાની જરૂર હતી..'

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News
Rajkot TRP Game Zone Fire case


Rajkot TRP Game Zone Fire: રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસની ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો પિટિશન પર શુક્રવારે (બીજી ઓગસ્ટ)  સુનાવણી થઈ હતી. જેમાં એડવોકેટ અમિત પંચાલ દ્વારા દાખલ કરાયેલી અરજીની રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં ગેમ ઝોન, રાઇડ્‌સ-ફન પાર્કના કાયદાકીય નિયંત્રણ અને નિયમોના પાલન માટે નવા નિયમો તૈયાર કરવામાં આવ્યા છે. તે 15 દિવસમાં જાહેર કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. 

ગુજરાત હાઈકોર્ટની ટકોર 

રાજ્ય સરકારની આ રજૂઆત ધ્યાનમાં લીધા બાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે  મહત્ત્વપૂર્ણ આદેશ કર્યો હતો. જેમાં નિયમો નોટિફાઇ કરવા માટે બે અઠવાડિયા અને તેની કમિટીની રચના કરવા માટે એક અઠવાડિયાનો સમય આપી કુલ ત્રણ અઠવાડિયામાં આ બાબતનું પાલન કહ્યું હતું. ચીફ જસ્ટિસે મહત્ત્વની ટકોર કરી હતી કે, 'જે ગેમ ઝોનના સંચાલકો પાસે લાઇસન્સ હોય તેમણે તે લોકોને દેખાય તે રીતે જાહેરમાં પ્રદર્શિત કરવાના રહેશે. ખરેખર તો, સરકારે આ નિયમો પહેલા બનાવવાની જરૂર હતી.' 

હાઈકોર્ટમાં રાજ્ય સરકારે આ સોગંદનામું રજૂ કર્યું

હાઈકોર્ટમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરની શાળાઓમાં ફાયર સેફ્ટી અને ફાયર એનઓસીને લઈને આંકડાકીય માહિતી સાથેનું સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. રાજકોટ ટીઆરપી ગેમીંગ ઝોન અગ્નિકાંડ કેસમાં ફેક્ટ ફાઇન્ડીંગ કમિટીનો રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો હતો. 

આ પણ વાંચો: દેશમાં પ્રથમ ક્રોકોડાઈલ પાર્કનો પ્રોજેક્ટ ધૂળધાણી કરી દેવાયો, સંકલનના અભાવે 5 કરોડનો ખર્ચ વેડફાયો


કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે જણાવ્યું હતું કે, 'આ નિયમોનું પાલન કરાવનાર અધિકારીઓને પણ તાલીમ અપાવી અને તે લોકોનું સજાગ થવું જરૂરી છે. તેના માટે ઉચ્ચ અધિકારીઓએ બાબતો ધ્યાનમાં લેવાની રહેશે. કમિટી દ્વારા નિર્ણય લેતી વખતે દરેક અધિકારીઓની જવાબદારી નક્કી થશે. મોલ તેમજ શહેરમાં વિવિધ જગ્યાએ તીવ્ર ગતિથી મશીન દ્વારા ચાલતી રાઇડ્‌સ માટે પણ આ નિયમો લાગુ કરવાના રહેશે અને તે બાબતે તકેદારી રાખવાની રહેશે.'

બીજી તરફ સરકારે જણાવ્યું હતું કે, '50થી 55 વર્ષની ઉંમરના ઓફિસરો કાર્યદક્ષતા નહીં દાખવે તો પહેલા જ રિટાયર્ડ કરી દેવાશે.' હાઇકોર્ટે સવાલ કર્યો હતો કે, 'ચીફ ફાયર ઓફિસર વર્ગ-1 અધિકારી હોય તો, તેની પરીક્ષા જીપીએસસી દ્વારા કેમ લેવાતી નથી.?' 

ગેમ ઝોન, રાઇડ્‌સ અને મેળાના થર્ડ પાર્ટી વીમો ફરજિયાત

સરકારના નવા નિયમોમાં ગેમ ઝોન, રાઇડ્‌સ અને અન્ય મેળામાં થર્ડ પાર્ટી વીમા લેવાનું ફરજિયાત બનાવાયું છે. નિષ્ણાત લોકો આ ગેમ્સ, રાઇડ્‌સ કે મેળાઓનું ઇન્સ્પેક્શન કરશે, જેનો રિપોર્ટ શહેરોમાં પોલીસ કમિશનરના વડપણ હેઠળની કમિટી અને જિલ્લાઓમાં ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટના વડપણ હેઠળની કમીટી સમક્ષ મૂકવામાં આવશે. હાઈકોર્ટે આગામી સુનાવણી 23મી ઓગસ્ટે રાખી છે અને તે દિવસે પીડિતો અને રિપોર્ટ પરત્વે અરજદારપક્ષના પ્રતિસાદ કે જવાબનો મુદ્દો ધ્યાને લેવાશે. 

ગેમ ઝોન-ફન પાર્ક માટે નવા નિયમ, હાઈકોર્ટની ટકોર - 'સરકારે પહેલાં આ કામ કરવાની જરૂર હતી..' 2 - image


Google NewsGoogle News