'અમે ડરી ગયા છીએ, ઘરે કેવી રીતે જઈશું?' પહલગામ હુમલા બાદ શ્રીનગરમાં ફસાયા રાજકોટના મુસાફરો
Rajkot tourists stranded in Srinagar : જમ્મુ કાશ્મીરના પહલગામમાં ગઈકાલે મંગળવારે (22 એપ્રિલ, 2025) થયેલા આતંકવાદી હુમલામાં 28 લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં ત્રણ ગુજરાતીઓમાં સુરતના યુવકનું અને ભાવનગરના પિતા-પુત્રનું ગોળીબારીમાં મૃત્યુ થયું હતું. આતંકવાદી હુમલાને પગલે દેશભરમાં હાઇઍલર્ટ આપી દેવામાં આવ્યું છે, ત્યારે રાજકોટથી કાશ્મીર ફરવા ગયેલા બે દંપતિ શ્રીનગરમાં અટવાયા હોવાનું સામે આવ્યું છે. જેમાં શ્રીનગરમાં પરિવાર સાથે ફસાયેલી રુચિએ વીડિયો જાહેર કરીને જણાવ્યું હતું કે, 'અમે ડરી ગયા છીએ, ઘરે કેવી રીતે જઈશું?'
રાજકોટના મુસાફરો શ્રીનગરમાં ફસાયા
જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામમાં આતંકી હુમલા બાદ દેશભરમાં ઍલર્ટ જારી કરી દેવાયું છે. જ્યારે ગુજરાતમાંથી કાશ્મીર પ્રવાસે ગયેલા કેટલાક પ્રવાસીઓ પણ અટવાયા હોવાનું સામે આવ્યું છે, ત્યારે રાજકોટના દંપતીએ વીડિયો બનાવીને પોતાની આપવીતી જણાવી હતી. વીડિયોમાં મહિલા જણાવે છે કે, 'અમે પરિવાર સાથે કાશ્મીરમાં ફરવા આવ્યા છે. હાલ અમે શ્રીનગરમાં છીએ. આતંકી હુમલા બાદ તમામ રસ્તાઓ બંધ હોવાથી અમે અહીંથી નીકળી શકતા નથી. જોકે, અમે અહીં સલામત છીએ. જ્યારે અમને ફ્લાઇટ પણ મળતી નથી, તેમાં વેઇટિંગ આવે છે અને ફ્લાઇટનું ભાડું પણ બહુ છે. અમે અહીં ડરીને રહીએ છીએ અને બહુ હેરાન છીએ. અમારા પરિવારના લોકો પણ ચિંતામાં છે. અમને વતન લાવો...'
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં હાલ 56 જેટલા આતંકવાદીઓ સક્રિય, સૌથી વધુ લશ્કર-એ-તોયબાના: રિપોર્ટ
આતંકી હુમલા બાદ જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયેલા અનેક લોકોમાં ડરનો માહોલ છવાયેલો છે. આ દરમિયાન પોતાના વતન પર ફરવા માટે ટ્રેન અને ફ્લાઇટમાં વેઇટિંગ આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, 16 પ્રવાસીઓને ગુજરાત સરકાર વતન પરત લાવશે.
આ પણ વાંચો: પહલગામ આતંકી હુમલો: જમ્મુ-કાશ્મીર સરકારે મૃતકોના પરિજનોને રૂ. 10-10 લાખની સહાય જાહેર કરી
આતંકી હુમલામાં 28 લોકોના મોત
જમ્મુ-કાશ્મીરમાં પ્રખ્યાત પર્યટન સ્થળ પહલગામની મુલાકાતે આવેલા પ્રવાસીઓ પર આતંકવાદીઓએ ગઈકાલે મંગળવારે (22 એપ્રિલ, 2025) મોટો હુમલો કર્યો હતો. પાંચ આતંકવાદીઓ ત્યાંના રિસોર્ટમાં ઘૂસી ગયા અને એક પછી એક પ્રવાસીઓ પર ગોળીબાર શરુ કરી દીધો હતો. આતંકવાદીઓએ પ્રવાસીઓના નામ અને ધર્મ પૂછ્યા પછી તેમને ગોળી ધરબી દીધી. આતંકવાદીઓએ લગભગ 20થી 25 મિનિટ સુધી આ ખૂની ખેલ ખેલ્યો અને પછી જંગલ તરફ નાસી છૂટ્યા. આ હુમલામાં 28 લોકોના મોત થયા. પહલગામમાં થયેલા આ ભયાનક નરસંહાર બાદ લોકોમાં ભયનો માહોલ છે.