સોશિયલ મીડિયા પર પળેપળની અપડેટ ન મૂકો, રાજકોટના બે પરિવારને થયો કડવો અનુભવ
Rajkot Thief Case : સોશિયલ મીડિયા પર આજની યુવા પેઢી સતત અપડેટ રહેતી હોય છે. પરંતુ તહેવારો કે વેકેશનમાં ફરવા જવાની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરતા પહેલા સાવધાન રહેવાની જરૂર છે. ત્યારે જો તમે ક્યાંય ફરવા જાઓ છો અને તે પળોને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરો છો અથવા સ્ટેટસમાં અપલોડ કરો છો તો આ સમાચાર તમારા માટે છે. કારણ કે સોશિયલ મીડિયા પર તમારા ફોટો અને સ્ટેટસ પર ચોર નજર રાખીને બેઠા છે. હા, કારણ કે ગુજરાતના રાજકોટ શહેરમાં આવી જ એક ઘટના બની છે. જ્યાં પરિવારને ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરવા અને ફરવાના સ્ટેટસ મૂકવા ભારે પડી ગયા છે.
સોશિયલ મીડિયા પર સ્ટેટસ જોઈને રાજકોટમાં એક ચોરે માત્ર ત્રણ દિવસમાં અલગ અલગ બે ઘરફોડ ચોરીને અંજામ આપ્યો છે. એક બનાવમાં ચોરે પોતાના મિત્રના ઘરમાં જ ધાડ પાડી હતી, જેનો આખો પરિવાર રાજસ્થાન ફરવા ગયો હતો અને તેઓએ સોશિયલ મીડિયામાં ફોટો અપલોડ કરતાં જ આરોપીએ ચોરીને અંજામ આપ્યો હતો. જ્યારે બીજા બનાવમાં ચોરે ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસમાં પોતાના પાડોશીના ઘરે ચોરીને અંજામ આપ્યો હતો, જેઓ પરિવાર સાથે દિવાળીના તહેવારમાં પોતાના વતન રોકાવા માટે ગયા હતા. જેની જાણ થતાં જ ચોરે ચોરી કરી હતી. બનાવ બાદ રાજકોટ LCB ઝોન 2ની ટીમે ચોરની ધરપકડ કરી લીધી છે. રાજકોટ પોલીસે આરોપી ઈર્ફાન અલીમિયા કાદરીને રોકડ અને સોના-ચાંદીના દાગીના સહિત 3 લાખ 74 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. આ આરોપી લોકોના સ્ટેટ્સ જોઈને ઘર માલિક ઘરે નથી તેની માહિતી મેળવતો હતો. ત્યારબાદ તે ઘરમાં ત્રાટકતો હતો. તેથી પોલીસે અપીલ કરી છે કે, ફરવા જાઓ ત્યારે સોશિયલ મીડિયામાં ફોટા કે વીડિયો ન મૂકવા જોઈએ.
આ પણ વાંચો : કાલાવડના હરિપર મેવાસા ગામે ફાયરિંગઃ ખેડૂત પરિવારના સભ્યો સહિત 7 ઘાયલ
વેકેશનમાં રાજસ્થાન ફરવા ગયેલા મિત્રનું સ્ટેટસ જોઈને કરી હતી ચોરી
એક બનાવમાં રાજકોટના નાનામવા રોડ પર દેવનગર શેરી નં.6 માં રહેતાં રાહુલભાઈ રમેશભાઈ દાફડા પોતાના પરિવાર સાથે 4 નવેમ્બરના બપોરના બે વાગ્યે રાજસ્થાન ફરવા માટે ગયા હતા. આ દરમિયાન તેમણે રાજસ્થાન ફરતા હોવાનું સ્ટેટસ ઈન્સ્ટાગ્રામ પર મૂક્યું હતું. જે જોઈને ચોરે રાહુલભાઈના ઘરની તિજોરી સાફ કરી નાખી હતી. રાહુલભાઈ પોતાના ઘરે તાળુ મારીને રાજસ્થાન ગયા હતા. તેઓ પરિવાર સાથે જેસલમેરમાં હતા ત્યારે પાડોશમાં રહેતાં સંબંધી મામા અનીલભાઇ વાઘેલાએ ફોન કરીને માહિતી આપી કે તારા ઘરમાં તાળા તુટેલ છે અને ચોરી થઈ છે. જેથી તેઓ પરીવાર સાથે પરત રાજકોટ આવી પહોંચ્યા અને ઘરે પહોંચી જોતા ઘરનો દરવાજો ખુલ્લો હતો. ઘરમાં પ્રવેશતા હોલમાં પડેલ તેમની માતાની પતરાની તીજોરી, તેમજ રૂમમાં રહેલ પત્નીની પતરાની તીજોરી તુટેલ હાલતમાં હતી. જેમાંથી તસ્કર રોકડ અને સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ.1.13 મુદામાલની ચોરી કરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી.
દિવાળીના તહેવારમાં પોતાના વતન ગયેલા પાડોશીના ઘરે કરી હતી ચોરી
બીજા બનાવમાં રાજકોટના કાલાવડ રોડ પર ગુજરાત હાઉસીંગ બોર્ડના સમૃદ્ધિ આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતાં મનસુખભાઇ બચુભાઇ ચુડાસમા પોતાના વતન માંગરોળના મેણજ ગામે દિવાળીની રજાઓમાં રોકાવા ગયા હતા. તેઓ દિવાળી બાદ રાજકોટ ઘરે પરત આવ્યા, ત્યારે તેમણે જે તાળુ માર્યું હતું તેને બદલે બીજુ તાળું મારેલું જોયું. દરવાજાના લોકની બાજુમા દરવાજાના ભાગે નિશાન જોવા મળ્યા હતા, જેથી કોઈએ તાળું તોડેલું હોવાની શંકા ગઈ હતી. બાદમાં પલમ્બરનું કામ કરતાં પડોશીને બોલાવી તાળુ તોડાવી ઘરમાં જોતા કબાટનો લોક કોઈએ તોડેલો અને સામાન વેરવિખેર હતો. ઘરમાં રાખેલા રોકડા રૂ.6 હજાર, સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ.1.20 લાખનો મુદ્દામાલ ગાયબ હતો. જેથી કોઈ અજાણ્યો શખસ ચોરી કરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી. આ બન્ને ફરિયાદ આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, ચોરી કરનાર ચોર ફરિયાદીના બાજુના ક્વાર્ટરમાં જ રહેતો હતો અને પાડોશી બહાર બહાર ગયા હોવાની જાણ થતાં જ ચોરીને અંજામ આપ્યો હતો.
આ પણ વાંચો : જેના લગ્નમાં કન્યાદાન કર્યું તે દંપતીએ રૂ. 8.83 લાખના દાગીના ઓળવી લીધા
પોલીસે આરોપીની કરી ધરપકડ, મુદ્દામાલ પણ કર્યો કબજે
પોલીસના જાણાવ્યા અનુસાર, પોલીસને ખાનગી બાતમીદારોની મદદથી કાલાવાડ રોડ વૃંદાવન મેઇન રોડ પરથી ચોર ઈરફાન અલિમિયાં કાદરી (24 વર્ષ) ની ધરપકડ કરી હતી. ચોર સમૃદ્ધિ આવાસ યોજનામાં વસવાટ કરે છે. આ સાથે ચોરી કરેલા આરોપી પાસેથી 39.420 ગ્રામના સોનાના દાગીના, 1106 ગ્રામ ચાંદીના દાગીના તથા રોકડ, બાઈક મળી કુલ રૂ.3.74 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે પાંચ કિમી સુધીના CCTV ચેક કર્યા હતા. પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી હતી, જેમાં અન્ય બે ગુનાની પણ કબૂલાત કરી હતી. ઈરફાન સામે રાજકોટમાં દારૂના 7 કેસો ત્રણ વર્ષમાં નોંધાયા છે. રાજકોટમાં અલગ અલગ પોલીસ મથકમાં દારૂના ગુનામાં સંડોવાયેલ ઈરફાન કાદરીનો પણ લાંબા સમયથી દારૂનો ધંધો ઠપ્પ થઈ જતાં બેકારીના કારણે ચોરીના રવાડે ચડયાનું રટણ કર્યું હતું.