Get The App

રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપર પાઇપથી હુમલો કરી ધમકી

Updated: Jan 27th, 2025


Google News
Google News
રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપર પાઇપથી હુમલો કરી ધમકી 1 - image


સણોસરા ગામમાં રહેતા શખ્સ સામે ફરિયાદ

તને ગામની બહુ હવા છે આજે તો તને જાનથી મારી જ નાખવો છે ઃ જૂની અદાવત કારણભૂત

રાજકોટ :  રાજકોટ નજીકનાં સણોસરા ગામે રહેતા રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ ચેતનભાઈ ચંદ્રેશભાઈ કથીરીયા (ઉ.વ.૩૫) ઉપર ગામમાં જ રહેતા આરોપી ઇલ્યાસ રહીમભાઇ શેરસીયાએ પાઇપ વડે હુમલો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કુવાડવા રોડ પોલીસમાં નોંધાઇ છે.

ફરિયાદમાં ચેતનભાઈએ જણાવ્યું છે કે, ગઇકાલે તા. ૨૬મી જાન્યુઆરીએ ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં ધ્વજવંદનનાં કાર્યક્રમમાં ભાગ લઇ ગામનાં ડાયાભાઇ ધનજીભાઈ  ફાંગલીયાનાં બાઇક પાછળ બેસી ઘર તરફ જતાં હતા ત્યારે ગામનાં ગેઇટ પાસે બાઇક પર ઉભેલો આરોપી પાઇપ લઇને તેની પાસે દોડી આવ્યો હતો અને પાઇપનો ઘા ઝીંકવા જતાં તેણે હાથ આડો ધરી દીધો હતો.

જેથી પાઇપ જમણા હાથના કાંડામાં વાગ્યો હતો. તે સાથે જ આરોપીએ તેને કહ્યું કે, તારે ગામની બહુ હવા છે. આ પછી તેને બેફામ ગાળો ભાંડી પાઇપનો બીજો ઘા તેનાં પગમાં ઝીંકી દીધો હતો. એટલું જ નહીં આજે તો તને જાનથી મારી જ નાખવો છે તેવી ધમકી આપી હતી.

બરાબર એવામાં ત્યાં તેના કૌટુંબીક ભાઈ દર્શિત કથીરીયા અને અન્ય ગ્રામજનો આવી પહોચ્યા હતા અને તેને વધુ મારથી બચાવ્યો હતો. તે સાથે જ આરોપી પણ પોતાનું બાઇક લઇને ત્યાંથી જતો રહ્યો હતો. ત્યાર પછી તેણે ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી.તબીબે જમણા હાથના અંગુઠામાં ફ્રેક્ચર થયાનું જણાવ્યું હતું. ફરિયાદમાં વધુમાં ચેતનભાઈએ જણાવ્યું હતું કે તેને સણોસરા ગામમાં જ ફરસાણની દુકાન છે. કુવાડવા રોડ પોલીસે તેની ફરિયાદના આધારે આરોપી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

Tags :