Get The App

રાજકોટ રેલવે પોલીસના જમાદાર રૃા. ૧૦ હજારની લાંચ લેતા ઝડપાયા

Updated: Jan 20th, 2025

GS TEAM


Google News
Google News
રાજકોટ રેલવે પોલીસના જમાદાર રૃા. ૧૦ હજારની લાંચ લેતા ઝડપાયા 1 - image


બે દિવસ પહેલાં જ અમદાવાદથી બદલી થઇ આવ્યા હતા

મોબાઇલ ચોરીના આરોપીને ચાર્જશીટ સાથે કોર્ટમાં રજૂ કર્યા બાદ લાંચ સ્વિકારતા જ એસીબીની ઝપટે ચડયા

રાજકોટ :  રાજકોટ રેલવે પોલીસ એટલે કે જીઆરપીના હેડ કોન્સ્ટેબલ વેલાભાઇ ડાયાભાઈ મુંધવાને એસીબીએ આજે રેલવે સ્ટેશન નજીકથી જ રૃા. ૧૦ હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપી લેતા રેલવે પોલીસ સ્ટાફમાં સન્નાટો મચી ગયો હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે જમાદાર વેલાભાઈ બે દિવસ પહેલા જ અમદાવાદ ેરેલવે પોલીસમાંથી બદલી થઇ રાજકોટ આવ્યા હતાં. અમદાવાદ બદલી થઇ તે પહેલાં પણ રાજકોટ રેલવેમાં ફરજ બજાવતા હતા. જે દરમિયાન તેણે ચોરાઉ મોબાઇલ સાથે એક આરોપીને ઝડપી લીધો હતો.

જે તે વખતે આરોપીના ભાઇને હેરાનગતિ નહીં કરવા માટે અને ચાર્જશીટ સાથે રજૂ કરતી વખતે રૃા. ૧૦ હજારનો વહીવટ કરવો પડશે તેમ કહ્યું હતું. આજે મોબાઇલ ચોરીના આરોપીને ચાર્જશીટ સાથે કોર્ટમાં રજૂ કરવાનો હતો. તે પહેલા આરોપીના ભાઈને આજે રૃા. ૧૦ હજાર લઇ આવવા સૂચના આપી હતી. પરંતુ ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી રાજકોટ એસીબીના ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ. ગોહીલનો સંપર્ક કર્યો હતો. જેના આધારે છટકુ ગોઠવાયું હતું.

આજે સવારે જમાદાર વેલાભાઈએ આરોપીને ચાર્જશીટ સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટમાંથી બહાર નીકળી તત્કાળ રેલવે ટીકીટ કાઉન્ટર પાસે આવ્યા હતા. જ્યાં ફરિયાદી પણ હાજર હતા. જમાદાર વેલાભાઈએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૃા. ૧૦ હજારની લાંચ માંગી તે સ્વીકારતા જ ટ્રેપમાં ગોઠવાયેલ એસીબીના પીઆઈ આર.એન. વિરાણીએ રંગેહાથ ઝડપી લીધો હતો.

આ સમાચાર વાયુવેગે રેલવે પોલીસમાં ફેલાઇ જતાં સ્ટાફમાં સોંપો પડી ગયો હતો. એસીબીએ જમાદાર વેલાભાઈ સામે ગુનો દાખલ કરી તપાસ આગળ ધપાવી છે.

Tags :