રાજકોટની રાજનીતિમાં હવે મહાભારતની એન્ટ્રી, પ્રતાપ દુધાતે કહ્યું- 'રૂપાલાનું કાર્ય દુશાસન જેવું'
Lok Sabha Elections 2024 : ગુજરાતની તમામ બેઠકો પર આજે(19મી એપ્રિલ) ઉમેદવારી નોંધવવાનો છેલ્લો દિવસ છે, ત્યારે રાજકોટ લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ આજે ઉમેદવારી પત્ર ભર્યું છે. ઉમેદવારી પત્ર ભરતા પહેલા બહુમાળી ભવન ચોક પાસે રેસકોર્સના મેદાનમાં જાહેર સભા યોજવામાં આવી હતી. પરેશ ધાનાણી સભાસ્થળે પહોંચતા ક્ષત્રિયાણીઓએ તિલક અને પાઘડી પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ જાહેર સભામાં શક્તિસિંહ ગોહિલ, પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત અને નયનાબા જાડેજા સહિત કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. તો રાજકોટની રાજનીતિમાં હવે મહાભારતની એન્ટ્રી થઈ છે.
રૂપાલાનું કાર્ય દુશાસન જેવું : પ્રતાપ દુધાત
આ દરમિયાન પ્રતાપ દુધાતે પરશોત્તમ રૂપાલાની સરખામણી દુશાસન સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે, વાણીવિલાસ કરનારા પર રૂપાલાનું કાર્ય દુશાસન જેવું છે. રૂપાલાએ ગુજરાતની અસ્મિતાનું અપમાન કર્યું. અપમાન છતા રૂપાલાએ ટિકિટ પરત ન ખેંચી. ભાજપના અહંકારને જનતા જવાબ આપશે.
દીકરીઓના દામનને દાગ લગાડીને ભાજપે મહારાભારત બનાવ્યું : પરેશ ધાનાણી
તો પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, 'લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ગાંધી અને સરદારના ગુજરાતમાં ભાજપે વર્ગવિગ્રહનુ કાવતરું ઘડ્યું છે. કોઈએ કહ્યું કે, દીકરીઓના દામનને દાગ લગાડી ભાજપે મહાભારત બનાવ્યું છે. એક અભિમન્યુ સાતમા કોઠે અટકી ગયો હતો. મેં તો દૂધ પીતા છોકરાને અમરેલી વિધાનસભાથી મોકલ્યો હતો. રાજકોટ પણ મને આગળ મોકલશે. સ્વાભિમાન યુદ્ધનો આજે શંખનાદ કર્યો છે. સત્તાના અહંકાર સામે સામાન્ય માણસના સ્વાભિમાનની લડાઈ છે. રાજકોટનાં હૃદયને જીતવા આવ્યો છું.'
સત્તાધીશ એ સિદ્ધાંતલક્ષી હોવો જોઈએ એવું વિદુરે કહ્યું હતું : શક્તિસિંહ ગોહિલ
શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, 'પરેશ ધાનાણીએ અણવર બનવાનું કહ્યું હતું. સામાજિક જવાબદારી હોવાથી ચૂંટણી લડવી નથી તેવું કહ્યું હતું. જેથી રાજકોટથી અમારે ધાનાણી જોઈએ તેવો અવાજ ઉઠ્યો. પરંતું બહેનો-દીકરીઓએ અવાજ ઉઠાવ્યો. જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચેના વ્યવહારો પૂર્વજોએ શીખવાડ્યું છે. લગ્ન વખતે પાટીદાર જવતલિયો ભાઈ થાય. જેથી પરેશ ધાનાણીએ કહ્યું, હું રાજકોટથી ચૂંટણી લડવા તૈયાર છું. દલિતનો દીકરો તિલક કરે પછી મહારાજા સિંહાસન પર બેસે. બીજી તરફ ભાજપે આ તાણાવાણા તોડવાનો પ્રયત્ન કર્યો છે. સત્તા એ આખરી લક્ષ્ય ન હોવું જોઈએ. વિદુરે કહ્યું હતું કે, સત્તાધીશ એ સિદ્ધાંતલક્ષી હોવો જોઈએ.'
તમામ ક્ષત્રિય સમાજ પરેશ ધાનાણી સાથે જોડાયેલો છે : હેતલબા વાઘેલા
આ વખતે રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ છે. રાજકોટ બેઠક પર એક પણ ક્ષત્રિયાણીએ ઉમેદવારી નોંધાવી નથી. ક્ષત્રિયાણીઓએ 350થી વધુ ફોર્મ ભરવાની જાહેરાત કરી હતી. જોકે, ક્ષત્રિયોએ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને ટેકો કર્યાનો નયના બાએ દાવો કર્યો છે. ક્ષત્રિય મહિલા અગ્રણી હેતલબા વાઘેલાએ પણ કહ્યું હતું કે, તમામ ક્ષત્રિય સમાજ પરેશ ધાનાણી સાથે જોડાયેલો છે. ક્ષત્રિય સમાજની મહિલાઓ નહીં ભરે ફોર્મ.
પરેશ ધાનાણીની સભામાં વીજળી ગૂલ થઈ હતી
રાજકોટ બેઠકથી કોંગ્રેસ ઉમેદાવાર પરેશ ધાનાણી જાહેર સભાને સંબોધતી વખતે અચાનક વીજળી ગૂલ થઈ હતી. ચાલુ સભામાં વીજળી ગૂલ થતાં પરેશ ધાનાણીએ સરકાર પર પ્રહારો કરતા કહ્યું હતું કે, 'સૌરાષ્ટ્રના પાટનગરમાં ધોળા દિવસે વીજળી ગુલ થઈ, આ વિકાસને હરાવવાનો છે.'
2002માં ધાનાણીએ રૂપાલાને હરાવ્યા હતા
અગાઉ પરેશ ધાનાણીએ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ત્રણ દિગ્ગજ નેતાને હરાવ્યા હતા. અમરેલી વિધાનસભા બેઠક પર પરશોત્તમ રૂપાલા(2002), દિલીપ સંઘાણી(2012) અને બાવકુ ઉંધાડ(2017)ને પણ ધાનાણીએ હરાવ્યા હતા. ત્યારે હવે વર્ષ 2002નું ફરીથી રાજકોટ બેઠક પર પુનરાવર્તન થવા જઈ રહ્યું છે.