રાજકોટમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવાનો ડૂબ્યાં, એકનું મોત, એક ગંભીર
Rajkot Ganesh Visarjan : આજે ગુજરાતભરના અનેક જિલ્લાઓ અને શહેરોમાં ગણપતિ બપ્પાની વિદાય કરવામાં આવી રહ્યા છે, ત્યારે રાજકોટમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવાનો ડૂબી ગયા હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવાનનું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય એક યુવાન ગંભીર હોવાનું પણ સામે આવ્યું છે.
એક પછી એક ચારેય યુવાનો પાણીમાં ગરકાવ થયા
મળતા અહેવાલો મુજબ ચારેય યુવાનો ભાવનગર રોડ સ્થિત ત્રંબામાં ત્રિવેણી સંગમ ખાતે ત્રિવેણી ઘાટ પાસે ગણેશ વિસર્જન માટે ગયા હતા. આ દરમિયાન ચારેય યુવાનો એક બાદ એક પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આસપાસના લોકોએ ચારેય યુવાનોને બહાર કાઢ્યા હતા. જોકે તેમાંથી એક યુવાનનું મોત નિપજ્યું છે. મૃતક યુવાનનું નામ 18 વર્ષિય લક્કી મકવાણા હોવાનું તેમજ ચારેય યુવાનો રૂખડિયાપરા વિસ્તારના હોવાનું પણ સામે આવ્યું છે.
એક યુવાનની હાલત સ્થિર
અન્ય એક યુવાન રાહુલ રાઠોડની હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે. આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ છે.