રાજકોટ પોલીસ પર ગંભીર આરોપ, હિટ એન્ડ રનમાં યુવકને કચડનાર નબીરાઓને બચાવવા ડ્રાઈવર બદલી નાખ્યો
Rajkot Hit and Run Case: રાજકોટ હિટ એન્ડ રન કેસમાં યુવકને કચડનાર નબીરાઓને બચાવવા પોલીસે જ ડ્રાઈવર બદલી નાખ્યો હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. 21મી માર્ચે ન્યારી ડેમ રોડ પર 18 વર્ષીય એક્ટિવાચાલક યુવકને પૂરપાટ આવતી કારે ટક્કર મારી ફંગોળી નાખ્યો હતો. જેની હાલત હજુ સુધી ગંભીર છે.
શું હતી ઘટના?
18 વર્ષનો પરાગ ગોહિલ આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. નબીરાઓએ તેને કાર વડે ફંગોળી નાખ્યો હતો અને પછીથી ત્યાંથી ભાગી ગયા હતા. ત્યારબાદ પોલીસ સાથે સેટિંગ પાડીને તેમણે ડ્રાઈવર ચેન્જ કરી નાખ્યાનો દાવો કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસને લેખિત ફરિયાદમાં જણાવી દેવાયું છે. આ ઘટનાનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે જેના પરથી પીડિત પરિવારે રાજકોટ પોલીસ પર સેટિંગ કરીને આ ઘટનાને અંજામ અપાયાનો દાવો કરવામાં આવ્યો છે.
એફઆઈઆરમાં શું છે દાવો?
એફઆઈઆરમાં પીડિત પરિવારે દાવો કર્યો છે કે નબીરાઓની કારમાં અકસ્માત સમયે ત્રણ લોકો સવાર હતા, જેમાંથી એક વ્યકિત કે જે ડ્રાઈવર સાઈડના દરવાજેથી નીકળીને પાછળના દરવાજે આવી બેસી જાય છે અને ગાડીમાં પાછળ બેઠેલો યુવક આવીને ડ્રાઈવર સીટ પર બેસી જાય છે. પરિવારનો આરોપ છે કે, પોલીસ દ્વારા ખોટો ડ્રાઈવર રજુ કરી આ કેસ રફેદફે કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.
આરોપી કોણ છે જોઈ લો...
તાલુકા પોલીસે આ મામલે પીડિતોને યોગ્ય જવાબ ન આપતાં આ મામલો ગૃહ વિભાગ સુધી પહોંચી ગયો હતો. અકસ્માત કેસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા વિભાગના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ (HOD) રાજુ દવેના પુત્ર તેમજ ભાભા ગેસ્ટ હાઉસના માલિકના પુત્રને બચાવવા માટે રાજકોટ પોલીસ દ્વારા આ તરકટ રચ્યાનો દાવો કરવામાં આવ્યો છે. પ્રવીણ સિંહ બચુભાઈ જાડેજાને અકસ્માત કેસમાં ખોટી રીતે ડ્રાઈવર બનાવીને નબીરાઓને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.