Get The App

નવરાત્રિમાં માતા શૈલપુત્રીના ગરબાને બદલે સિંગર શકીરાના ગીતો! રાજ્યના અનેક સ્થળે સંસ્કૃતિની ઘોર ખોદાઈ

Updated: Oct 6th, 2024


Google NewsGoogle News
નવરાત્રિમાં માતા શૈલપુત્રીના ગરબાને બદલે સિંગર શકીરાના ગીતો! રાજ્યના અનેક સ્થળે સંસ્કૃતિની ઘોર ખોદાઈ 1 - image


Rajkot Navaratri Controversy: નવરાત્રિએ મા અંબાની આરાધના અને ભક્તિનો તહેવાર છે. નવરાત્રિમાં લોકો ગરબે ઘૂમી માતાજીની આરાધના કરતાં હોય છે. પરંતુ,રાજકોટમાં નવરાત્રિની ઉજવણીમાં સંસ્કૃતિની ઘોર ખોદાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. રાજકોટના નીલ સિટી ક્લબમાં યોજાયેલા નવરાત્રિના આયોજનમાં રાજ્યના પારંપરિક ગરબાનું અપમાન થતું જોવા મળ્યું. અને નવરાત્રિ નહીં પણ 31 ડિસેમ્બરની ઉજવણી થતી હોય તેવું લાગ્યું. 

માં શૈલ પુત્રીના ગરબા નહીં, પણ શકીરાના ગીતો

નવરાત્રિમાં જ્યાં માતાજીના ગરબાથી આરાધના કરવામાં આવતી હોય છે, ત્યાં રાજકોટના નીલ સિટી ક્લબમાં હોલિવૂડ સિંગર શકીરા અને બોલિવૂડની ફિલ્મ એનિમલના જમાલ કૂડુ જેવા ગીતો પર લોકો નાચી રહ્યાં હોય તેવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ પ્રશ્ન થઈ રહ્યો છે કે, આ નવરાત્રિનો રાસોત્સવ છે કે કોઈ ડિસ્કો ક્લબ? રાસોત્સવના નામે આવા કથિત અશ્લીલ વીડિયો બતાવીને ખેલૈયાઓને કેમ નચાવવામાં આવી રહ્યાં છે?

આ પણ વાંચોઃ આણંદમાં રાત્રે 12 વાગ્યા બાદ લાઉડ સ્પીકર પર ગરબા યોજાયા

અંગ્રેજી ગીતો વગાડતા થયો વિવાદ

રાજકોટનું વિવાદિત નીલ સિટી ક્લબ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂની માલિકીનું છે, જ્યાં આયોજક દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં અંગ્રેજી ગીતો અને દારૂને લગતાં બોલિવૂડ ગીતો વગાડવામાં આવતા વિવાદ સર્જાયો છે. લોકો પણ અહીં ખૂબ મજા કરી રહ્યાં હોય તેમ નાચતા જોવા મળ્યા હતાં. વીડિયો સામે આવ્યા બાદ હિન્દુ સમાજના ઘણાં અગ્રણીઓની લાગણી પણ દુભાઈ છે. 

વિદેશી ગીતો પર લોકોએ કર્યો વિરોધ

રાસોત્સવમાં આવા કથિત અશ્લીલ ગીતો પર ડાન્સના વીડિયોનો ઘણી જગ્યાએ વિરોધ કરવામાં આવી રહ્યો છે. લોકો નવરાત્રિના નામે આવા ગીતો પર ડાન્સ કરાવવાનો વિરોધ કરી રહ્યાં છે. જોકે, ક્લબના સંચાલકો દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આશ્ચર્યની વાત તો એ છે કે આયોજકોને ગરબાની પરવાનગી મળી હતી છતા ડીજે ડાન્સ ચાલતો હોવા છતા પોલીસ પણ મૂક પ્રેક્શક બનીને જોતી રહી.


આ પણ વાંચોઃ ગરબા રમી પાછા આવતાં 3 મિત્રોને કાળ ભરખી ગયો, બનાસકાંઠામાં કાર-બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત

બેક સ્ટેજ પ્રોગ્રામ હતો

મળતી માહિતી મુજબ, આ બેક સ્ટેજ પ્રોગ્રામ હતો. 12 વાગ્યે નવરાત્રિના ગરબા પૂરા થયાં બાદ એનિમલ જેવી ફિલ્મના ગીત પર અનિમલની જેમ નાચતા કુદતા જોવા મળ્યા. મહત્વનું છે કે હોલિવૂડ સિંગર શકિરાના ગીત અશ્લિલ પ્રકારના હતા. જ્યારે એનિમલ ફિલ્મનું જે ગીત વગાડાયું તેમા ફિલ્મના કલાકારો દારૂની બોટલ માથા પર મુકી દારુ ભરેલા ગ્લાસ હાથમાં પકડી ઝૂમતા હોય ફિલ્માવાયા છે. અને આવા ગીતો નવરાત્રીમાં વગાડાય તે સસ્કૃતિનું અપમાન નહીં તો બીજુ શું કહેવાય.

નવરાત્રિમાં માતા શૈલપુત્રીના ગરબાને બદલે સિંગર શકીરાના ગીતો! રાજ્યના અનેક સ્થળે સંસ્કૃતિની ઘોર ખોદાઈ 2 - image

ગરબાની મંજૂરી પર ડીજેનું આયોજન

મેયર નયનાબેને કહ્યું કે, મંજૂરી ગરબાની જ આપવામાં આવી હતી. પરંતુ, તેમના મગજમાં શું ફરતું હોય તે મંજૂરી આપનારને ન ખબર હોય. આયોજકોએ લોકોની ભાવનાને સમજીને પગલું લેવું જોઈએ. જોકે, મેં હજુ આ વીડિયો જોયો પણ નથી. આ કૃત્યથી માતાજીનું અપમાન થયું છે. તે આયોજકે પોતે ઘટનાની ગંભીરતા લેવી જોઈએ. જે લોકોએ આ કામ કર્યું તેમને સમજવું જોઈએ કે, હું માતાજીની આરાધનાનું કાર્ય કરૂ છું. ત્યાં 31 ડિસેમ્બર જેવો પ્રોગ્રામ ન થવો જોઈએ. આ સાથે જ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીએ રાજકોટમાં બનેલી આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરી છે. સરકારને આ કૃત્ય સામે એક્શન લેવા સૂચન કરી છે.


કાયદાકીય કાર્યવાહીની માગ

મહંત યોગી દેવરાજે આ વિશે વિરોધ કરતાં કહ્યું કે, આયોજક પોતાને હિન્દુ કહેતો હોય કે નહીં પણ તે વિધર્મી જ હોઈ શકે. નવરાત્રિ માતાજીની આરાધના અને શ્રદ્ધાનો વિષય છે, ત્યાં આ પ્રકારના વિદેશી ગીતો વગાડનાર પર કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. આ આયોજકો બીજીવાર આવું ન કરી શકે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. આ હિન્દુ ધર્મને બદનામ કરવાનો પ્રયાસ છે.

મહત્વનું છે કે ગઈ કાલે જ એક સ્વામિનારાયણ સાધુએ નવરાત્રિને લઈને વિવાદીત નિવેદન આપ્યું હતું. અને તેને ફેશન શો અને લવરાત્રિ ગણાવ્યો હતો. ક્યાંકને ક્યાંક રાજકોટની આ ઘટના સાધુના એ નિવેદનને શબ્દશ: ચરિતાર્થ કરતી હોય તેવા દ્રશ્યો રાજકોટ સહિત અનેક સ્થળે સર્જાયા છે. આવા સમયે સાધુના નિવેદનોન ભારે વિરોધ કરનારા ક્યાં છુપાઈ જાય છે તે એક મોટો સવાલ છે.


Google NewsGoogle News