આરોગ્યને જોખમી સ્મોક બિસ્કીટનું વેચાણ બંધ કરાવતી રાજકોટ મનપા
સ્વાદપ્રેમીઓને ખાવાપીવામાં ટ્વિસ્ટ મોંઘો પડી શકે છે : મુખ,ગળા,સ્વરપેટી, હોજરીને મોટું નુક્સાન થઈ શકે : જલદ્ લિક્વિડ નાઈટ્રોજનનો ઉપયોગ તેથી મોંમાં ધૂમાડા નીકળે છે
રાજકોટ, : હૂક્કા,બીડી,સિગારેટના ધુમાડાને કેન્સર જેવા રોગ સર્જનાર ખતરનાક ગણાવાય છે પરંતુ, હવે જલદ્ નાઈટ્રોજન વાયુ સીધો ખાદ્યચીજના સંપર્કમાં આવે તે રીતે સ્મોક બિસ્કીટનું વેચાણ ખાવા-પીવાના શોખીનો માટે બેફામ થવા લાગ્યું છે. રાજકોટના વધુ એક મેળામા આવું વેચાણ નજરે પડતા મનપાએ તાત્કાલિક અસરથી બંધ કરાવ્યું હતું.
મનપા સૂત્રો અનુસાર ગ્રીનલેન્ડ ચોકડી પાસે યોજાયેલ ખાનગી મેળામાં ફૂડ સ્ટોલનું ચેકીંગ કરતા તેમાં વેચાતા સ્મોક બિસ્કીટમાં લિક્વિડ નાઈટ્રોજનના સીધા સંપર્કમાં આવતી ખાદ્યચીજ હોય વેચાણ બંધ કરાવાયુ છે. આ પહેલા લોકમેળા સહિતના સ્થળે પણ આવું વેચાણ પકડાયું હતું. ફૂડ વિભાગના સૂત્રો અનુસાર નાઈટ્રોજન વાયુ જરાક પણ ગળે ઉતરી જાય તો હોજરીમાં તેનું એક્સપાન્સન થાય છે જે ગંભીર જોખમ સર્જી શકે છે, ઉપરાંત મુખની કોમળ ત્વચાને અને સ્વરપેટીને નુક્શાન પહોંચાડી શકે છે જે અન્વયે આવું વેચાણ જનહિતમાં બંધ કરાવાય છે.
આ ઉપરાંત શહેરમાં ચાલુ રહેલા ખાનગી મેળાઓમાં અખાદ્ય મંચુરીયન 5 કિલો, રજવાડી ભેળમાં અખાદ્ય 7 કિલો ચટણી, 3 કિલો દાઝ્યું, વાસી તેલ, ઈન્ડિયન જ્યુસ સેન્ટરમાં અખાદ્ય છતાં વેચવા રાખેલ ૫ લિટર પાઈનેપલ શરબત, ન્યુ બોમ્બે સ્ટાઈલ ભૈેળમાં વાસી 4 કિલો બટેટા સહિતની ચીજોનો નાશ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે લોકમેળા,ખાનગી મેળામાં અત્યાર સુધીમાં કૂલ 800 કિલો જેટલી મોટી માત્રામાં અખાદ્ય ચીજો મળી છે.