મહા કુંભમેળામાં સ્નાન પછી શરદી શ્વાસ ચડતા રાજકોટના પ્રૌઢનું મોત
તા.૫ની રિટર્ન ટિક્ટ હતી પરંતુ, મૃતદેહ આવતા
કલ્પાંત
મૃતકના પરિવારજનએ કહ્યું ત્યાં પુરતી વ્યવસ્થા ન્હોતીઃ
મૃતદેહ રૃ।.૬૦ હજાર ખર્ચીને ૩૦ કલાકનું અંતર કાપી રાજકોટ લવાયો
રાજકોટ : મહાકુંભમેળામાં ધક્કામુક્કીમાં અનેકના મૃત્યુ થયા ઉપરાંત અનેક લોકોની તબિયત પણ લથડી હતી. રાજકોટમાં પી.જી.વી.સી.એલ.ના કોન્ટ્રાક્ટર એવા કિરીટસિંહ રણજીતસિંહ રાઠોડ (ઉ.વ.૫૩ રહે.બજરંગવાડી પાસે,પ્રતિક ટેનામેન્ટ)નું કુંભમેળામાં સ્નાન કર્યા બાદ ઠંડીથી શરદી-ઉધરસ અને બાદમાં શ્વાસ ચડતા ત્યાં ઉભી કરાયેલી હંગામી હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું હતું.
આ અંગે મૃતકના સંબંધી મુકેશભાઈનો સંપર્ક સાધતા જણાવ્યું કે
કિરિટસિંહ એક નિવૃત જીઈબી કર્મચારી સાથે પત્ની સાથે તા.૨૪ના પ્રયાગરાજ કુંભમેળા
જવા નીકળ્યા હતા. સેવાભાવી કિરીટસિંહ ત્યાં ભંડારામાં સેવા પણ આપતા હતા. ત્યાં
તા.૩૦ના સ્નાનઘાટ ખાતે સ્નાન કર્યા બાદ તેને શરદી-ઉધરસ થયા અને બાદમાં શ્વોસોશ્વાસ
ચડતા સારવારમાં લઈ જતા ત્યાં મૃત્યુ નીપજ્યું હતું. ત્યાં કોઈ જવાબ દે તેવું કોઈ
હતું નહીં. અમે ખાસ રૃ।.૬૦ હજાર ચૂકવીને એમ્બ્યુલન્સ બાંધી હતી અને ૩૦ કલાકનું
અંતર કાપીને મૃતદેહ ગઈકાલે સાંજે રાજકોટ લવાયો હતો.
મૃતક કિરીટસિંહે તા.૫ના રિટર્ન ટિકિટ કઢાવી હતી પરંતુ, તેમનો મૃતદેહ
આવતા શોકનું મોજુ ફરી વળ્યું હતું. સંતાનમાં એક પુત્રી છે જે વડોદરા અભ્યાસ સાથે
નોકરી કરે છે.