રતનપરમાંથી 11 ચોરેલી બેટરી સાથે રાજકોટનો શખ્સ ઝડપાયો
- આરોપીએ જોરાવરનગરમાંથી 11 બેટરીની ચોરી કરી હતી
- આરોપી સામે મોરબી, જામનગર, જુનાગઢ સહિત દસ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરના જોરાવરનાગર વિસ્તારમાંથી નવ વાહનોમાંથી ૧૧ બેટરી ચોરનાર આરોપી રતનપર વિસ્તારમાંથી ઝડપાયો છે. આરોપી સામે પાંચથી વધુ જિલ્લાના અલગ અલગ દસ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે. પોલીસે આરોપી પાસેથી ૩.૧૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર શહેરના જોરાવરનગર વિસ્તારમાં આવેલા વાંકલા નાળા પાસે રાત્રીના સમયે અલગ-અલગ ૯ વાહનોમાંથી બેટરીની ચોરીનો બનાવ બન્યો હતો. જે અંગે જોરાવરનગર પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદને પગલે જોરાવરનગર પોલીસે તપાસ હાથ ધરતા રતનપર ત્રીમંદિર સામેથી એક શખ્સ મહેબુબભાઈ અલાઉદ્દીનભાઈ બાકરોલીયા (રહે.રાજકોટ)ને તમામ ૯ વાહનોમાંથી ચોરી થયેલી ૧૧ બેટરી (કિં. રૂા.૧૮,૫૦૦) તથા પીકઅપ વાન (કિં.રૂા.૩ લાખ) સહિત કુલ રૂા.૩,૧૮,૫૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં શખ્સ વિરૂધ્ધ મોરબીના ટંકારા, જામનગરના કાલાવાડ, વઢવાણ, જોરાવરનગર, જામનગર, જુનાગઢ અને સાયલા પોલીસ મથકમાં ૧૦ જેટલા ચોરી સહિતના ગુનાઓ નોંધાયા હોવાનું સામે આવ્યું હતું.