Get The App

રાજકોટ લોકમેળો એક દી'લંબાવાયો, 4 દિવસમાં 7 લાખ લોકો ઉમટી પડયા

Updated: Sep 8th, 2023


Google NewsGoogle News
રાજકોટ લોકમેળો એક દી'લંબાવાયો, 4  દિવસમાં 7 લાખ લોકો ઉમટી પડયા 1 - image


મેળે મેળે મોરલડી હેલે ચડી..ચઢે ચકડોળે ચિતડાં તો ટોકો નહીં ખાનગી મેળામાં બેફામ ભાવ પડાવાતાં હોઈ લોકોને રાહતઃ ગોંડલ, હળવદ,જામનગર,મોરબી સહિત સૌરાષ્ટ્રભરમાં માનવ મહેરામણ 

 રાજકોટ, : રોજબરોજની ઘટમાળમાંથી રાહત આપતા લોકમેળા કે જેમાં મુક્ત-ફ્રી પ્રવેશ હોય છે તેની લોકપ્રિયતા વધતી રહી છે અને સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો જ્યાં યોજાય છે તે રાજકોટના રેસકોર્સ મેદાનમાં માનવ કિડીયારૂની જેમ ઉમટી પડતા આજે મોડી સાંજે વહીવટીતંત્રએ આવતીકાલે પૂર્ણ થનાર મેળાને એક દિવસ લંબાવીને રવિવારે ચાલુ રાખવા નિર્ણય લીધો છે. સૂત્રો અનુસાર ગઈકાલે આશરે સવા બે લાખ સહિત ચાર દિવસમાં મેળામાં આશરે 7 લાખથી વધુ લોકો ઉમટી પડયા હતા. આ સાથે સૌરાષ્ટ્રભરમાં જુનાગઢ જિલ્લા કે જ્યાં ભવનાથ અને પરિક્રમા વખતે મેળા થાય છે પણ સાતમ આઠમના મેળા નથી યોજાતા તે સિવાય તમામ જિલ્લા,તાલુકા મથકોએ લોકમેળામાં ગઈકાલે અને આજે એકબીજાને ઘસીને ચાલવું જ પડે  અને ન ચાલો તો ધક્કા આપોઆપ આગળ ધકેલી તેવી ચિક્કાર ભીડ જોવા મળી હતી.

રાજકોટમાં મહાપાલિકા તથા થોકબંધ સંસ્થાઓ 20 લાખની વસ્તી માટે એક  મેળાનું આયોજન નહીં કરી શકતા એકમાત્ર રેસકોર્સ સ્થળે જ લોકમેળો યોજાતો હોય અને ખાનગી મેળામાં રૂ।. 50થી 100ની એન્ટ્રી ફી સાથે રાઈડ્સના રૂ।. 70-80જેવા બેફામ ભાવ વસુલાતા હોય લોકોને લોકમેળો લંબાતા થોડી રાહત થઈ છે. રેસકોર્સના 80,000 ચો.મી.ના મેદાનમાં યોજાયેલ લોકમેળામાં ફજર ફાળકા જેવી મોટી રાઈડ્સના રૂ।. 40 અને નાની રાઈડ્સના રૂ।. 30 ફીક્સ રેટ રખાયા છે અને આજુબાજુમાં 17 સ્થળોેએ ફ્રી પાર્કિંગ રખાયું છે જે કારણે આ એક જ મેળો લોકોની પસંદગી રહી છે. 

શહેરની આગવી પરંપરા મૂજબ સાતમ,આઠમ અને આજે નોમના દિવસમાં બપોરે માર્ગો સૂમસામ રહ્યા હતા, બહારગામથી આવતા વાહનોની સંખ્યા વધુ રહી હતી, લોકમેળામાં બપોર સુધી મોજીલી ગ્રામ્ય પ્રજાની અને સૂર્યાસ્ત પછી શહેરની રંગીલી પ્રજાની હાજરી વિશેષ જોવા મળી હતી. મેળામાં જવા માટે ટુ વ્હીલરમાં ટ્રીપલ સવારી અને ત્રણ મુસાફરો માટેની રિક્ષામાં અર્ધો ડઝનથી વધુ મુસાફરો બેરોકટોક જોવા મળ્યા હતા.

ગોંડલના સંગ્રાહમસિંહજી હાઈસ્કૂલ મેદાનમાં પગ મુકવાની જગ્યા ન મળે એટલી ભીડ જામી હતી અને સ્ટોલ ધારકોને તડાકો પડયો હતો. લોકો સહપરિવાર ઉમટી પડયા હતા. તો હળવદમાં મેળામાં દેશી રાસ, રાહડા બેહણી, વગેરેને લોકોએ રસપૂર્વક માણ્યા હતા. શહેર અને આજુબાજુમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. સૌરાષ્ટ્રમાં આ ઉપરાંત જામનગર, અમરેલી, સાવરકુંડલા, મોરબી, સહિત ઠેરઠેર યોજાયેલા નાના-મોટા લોકમેળાઓ કે જેમાં મુક્ત પ્રવેશ હતો ત્યાં હકડેઠઠ મેદની જોવા મળી હતી. 


Google NewsGoogle News