Get The App

રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહારેલી પૂર્ણ, પદ્મિનીબા થયા બેભાન, કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષને કરાયા મુક્ત

Updated: Apr 6th, 2024


Google NewsGoogle News
રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહારેલી પૂર્ણ, પદ્મિનીબા થયા બેભાન, કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષને કરાયા મુક્ત 1 - image


Kshatriya Mahareli : પરશોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્ય સરકારની ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી, જે નિષ્ફળ ગઈ હતી. કારણ કે બેઠકમાં હાજરી પૂર્વે જ ક્ષત્રિય નેતાઓ, મહિલાઓએ કહી દીધું હતું કે રૂપાલાને ટિકીટ રદ કરવા સિવાય કોઈ સમાધાન, માફી નહીં. આ સ્થિતિમાં આજે સૌરાષ્ટ્રમાં ઠેરઠેર વિરોધ પ્રદર્શનો જારી રહ્યા હતા. ત્યારે આજે રાજકોટમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયોએ એકઠા થઈને મહારેલી યોજી છે.

પદ્મિબા થયા બેભાન

રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહારેલી દરમિયાન કરણી સેનાના આગેવાન પદ્મિનીબા વાળા બેભાન થયા છે. પદ્મિનીબા વાળાએ અન્નનો ત્યાગ કર્યો હતો. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહારેલી પૂર્ણ

પરશોત્તમ રૂપાલાના વિરોધમાં રાજકોટમાં યોજાયેલી ક્ષત્રિય સમાજની મહારેલી પૂર્ણ થઈ છે. મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકઠા થયા હતા. પુરુષો કેસરી સાફા અને મહિલાઓ કેસરી સાડી પહેરીને રેલીમાં જોડાયા હતા. રેલી બહુમાળી ચોકથી લઈને કલેક્ટર ઓફિસ સુધી યોજાઈ હતી. આ રેલીમાં કોંગ્રેસ નેતા ગાયત્રી બા સહિતના આગેવાનો જોડાયા હતા. રેલીમાં રૂપાલાની ટિકિટ રદ કરોના નારા લગાવ્યા હતા. મહત્વનું છે કે, રાજકોટમાં ક્ષત્રિય સમાજની આ મહારેલીને કલેક્ટરે મંજૂરી આપી હતી. રેલીને લઈને બહુમાળી ચોક સહિત રાજકોટમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

બોપલમાં ક્ષત્રિય મહિલાઓની અટકાયત

તો પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજની કેટલીક મહિલાઓએ ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય કમલમ ખાતે જોહર કરવાની ચીમકી આપી હતી. જેને લઈને આ ક્ષત્રિય મહિલાઓ ગાંધીનગર જઈ રહી હતી, આ દરમિયાન બોપલમાં પોલીસે પાંચેય ક્ષત્રિય મહિલાઓની અટકાયત કરી છે. આ તમામને પોતાના નિવાસ સ્થાને પહોંચાડાશે. સર્વિસ રોડ પર સામાન્ય લોકોની અવરજવર બંધ કરી દેવાઈ છે. જણાવી દઈએ કે, આ ક્ષત્રિય મહિલાઓ જોહર કરવા માટે જામનગરથી અમદાવાદ આવી પહોંચી હતી. 

કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાત કરણી સેનાના અધ્યક્ષની અટકાયત બાદ કરાયા મુક્ત

બીજી તરફ, ક્ષત્રિય સમાજની મહિલાઓએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે આ મહિલાઓને મળવા માટે પહોંચેલા કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા અને ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ વીરભદ્રસિંહની બોપલ પોલીસે અટકાયત કરી હતી. જોકે અટકાયતના થોડા જ કલાકોમાં શાહીબાગ હેડક્વાર્ટરથી મહિપાલસિંહ મકરાણાને મુક્ત કરાયા છે. હવે પોલીસ તેમને રાજસ્થાન બોર્ડર સુધી મુકવા જશે.



Google NewsGoogle News