રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ, નામ બડે અને દર્શન છોટે, ખોટે

Updated: Jul 10th, 2024


Google NewsGoogle News
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ, નામ બડે અને દર્શન છોટે, ખોટે 1 - image


સૌરાષ્ટ્ર માટે રૂ।. 1400 કરોડની ભેટનું ખોખુ અંદર ઘણુ ખાલી : હજુ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ થવાનું ઠેકાણું જ નથી, ટર્મીનલનું કામ અધુરૂં, કેનોપી ધસી પડયું તેમાં એરપોર્ટ  તંત્રના થાબડભાણાં 

રાજકોટ, : દસ મહિના પહેલા સપ્ટેમ્બર- 2023માં જેનું ધામધૂમથી લોકાર્પણ થઈ ગયું છે  અને સૌરાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય વિમાનમાર્ગે જોડાઈ રહ્યાની,વિકાસની ગતિ ઝડપી બનવા સહિતની મોટી વાતો પણ થઈ હતી. પરંતુ,  રૂ।. 1400 કરોડના તોતિંગ આંધણ પછી રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ હજુ માત્ર નામ જ છે, આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ક્યારે મળશે તેનું ઠેકાણું જ નહીં હોવાનું જાણવા મળ્યું છે. 

લોકોની હવાઈ મુસાફરીની માંગમાં જબરદસ્ત વધારો થયો છે, રાજકોટ એરપોર્ટમાં મુસાફરોની સંખ્યા પાંચ વર્ષમાં બમણી થઈ છે અને હાલ દર મહિને 80,000 થી વધુ મુસાફરોની અવરજવર રહે છે. પરંતુ, આવક અને મુસાફરોમાં વધારો છતાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ ક્યારે થશે તેનું કોઈ આયોજન જાહેર થયું નથી. એટલું જ નહીં, મુસાફરોની સંખ્યા બમણી થવા છતાં ફ્લાઈટની સંખ્યામાં તે મૂજબ વધારો કરાયો નથી. 

એરપોર્ટમાં ટર્મીનલનું કામ  માર્ચ-2024 સુધીમાં પૂરૂં થઈ જશે તેમ અગાઉ એરપોર્ટની સેવાઓમાં ક્ષતિઓની વ્યાપક ફરિયાદો પછી સ્થળ પર ગયેલા ભાજપના નેતાઓએ જાહેર કર્યું હતું પરંતુ, આજે જૂલાઈ- 2024માં પણ ટર્મીનલનું કામ પૂરૂં થયું નથી અને ક્યારે પૂરૂ થશે તેની કોઈ સત્તાવાર વિગતો જાહેર કરાઈ નથી. 

તાજેતરમાં જેના માટે ગૌરવ લેવાતું રહ્યું છે તે આ ઈન્ટરનેશનલ એરપોર્ટની કેનોપીનો એક ભાગ માત્ર પાણીના ભારથી ધસી પડયો હતો. આ ગંભીર ઘટના અંગે એરપોર્ટ ડાયરેક્ટર દિગંત બોરાહનો સંપર્ક સાધવા પ્રયાસ કરતા કોઈ પ્રજાજોગ ઉત્તર અપાયો નથી કે કઈ એજન્સીએ કેટલા ખર્ચે આ કામ કર્યું , શા માટે ઢીલ થઈ, કેનોપીમાં કેવી અને કોણે આ બેદરકારી રાખી અને તે અંગે શુ પગલા લીધા તે વિગત પણ જેના પૈસા એરપોર્ટ બન્યું છે અને જેના પૈસામાંથી એરપોર્ટના અફ્સરોને પગાર,સુવિધા મળે તે જનતાજોગ જાહેર કરાઈ નથી. 

નેતાઓને અબજોના ખર્ચે ભવ્ય ઈમારતો અને તેની વાહવાહીમાં રસ છે પરંતુ, ઈમારતો ખડકાયા પછી તેનું પ્રજાલક્ષી સંચાલન થાય તે માટે કાર્યનિષ્ઠ અને ખાસ કરીને 'જવાબ'દાર અધિકારીઓની તંગી વર્તાય છે. 


Google NewsGoogle News