વડાપ્રધાનના લોકાર્પણના 19 મહિના બાદ રાજકોટ 'ઈન્ટરનેશનલ' એરપોર્ટ ડોમેસ્ટીક
14 અબજનું આંધણ, સૌરાષ્ટ્રને ખર્ચ અને નામ મૂજબ સેવા ન મળી હવાઈ યાત્રિકોની સંખ્યા વર્ષે 10 લાખને પાર : લોકોએ ત્રાસ વેઠી અમદાવાદ ધક્કા ખાવા પડે છે : એરપોર્ટ ડાયરેક્ટરે શિયાળુ સત્રમાં શરૂ થવા વાતો કરી પણ હવે શિયાળો પૂરો થવા છતાં ડોમેસ્ટીક ફ્લાઈટ પણ પુરતી ન વધારી
રાજકોટ, : રાજકોટમાં લોકસભાની ચૂંટણી પૂર્વે પહેલા જૂલાઈ-2023માં વડાપ્રધાને ગુજરાતનું સૌ પ્રથમ ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કર્યું અને ત્યારે કાર્યક્રમમાં સૌરાષ્ટ્રને આ એક કમી હતી તે પૂરી થઈ અને હવે આંતરરાષ્ટ્રીય વિમાની સેવા મળશે તેવી વાતો થઈ અને હીરાસર એરપોર્ટનું નામ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કરાયું. પરંતુ, આ લોકાર્પણને 19 માસનો સમય વિતી જવા છતાં હજુ અહીંથી વિદેશોમાં તો ફ્લાઈટ જતી નથી બલ્કે દેશના અનેક સ્થળોએ માંગણી છતાં ડોમેસ્ટીક ફ્લાઈટ પણ પુરતી શરૂ કરાઈ નથી.
કોરોના કાળ પહેલા જુના રેસકોર્સ ખાતેના એરપોર્ટ ઉપર ઈ. 2018-19 માં 3.34 લાખ, ઈ. 2021-22માં 4.20લાખ અને હીરાસર એરપોર્ટ લોકાર્પણ પહેલા ઈ. 2022-23માં વર્ષે 7.70 લાખ હવાઈ યાત્રિકો નોંધાયા હતા જે ગત વર્ષમાં વધીને 10 લાખને પાર થઈ ગયા છે. પરંતુ, યાત્રિકોની સંખ્યામાં તોતિંગ વધારા છતાં તે મૂજબ ફ્લાઈટ મુવમેન્ટ વધારાઈ નથી. ખુદ ભાજપના સાંસદથી માંડીને વેપારી મંડળો સહિતે દિલ્હી સહિતની પુરતી અને યોગ્ય સમયની ફ્લાઈટની માંગણી કરી છે પરંતુ, તે પણ સંતોષાઈ નથી. ગત એપ્રિલથી ડિસેમ્બર 9 માસમાં માત્ર અમદાવાદના એરપોર્ટ કે જે પીપીપી ધોરણે સરકાર ચલાવે છે ત્યાં 16.24 લાખ વિદેશ જતા યાત્રિકો નોંધાયા હતા. ગત વર્ષ કરતા 13 ટકાનો વધારો થયો છે. આ યાત્રિકોમાં સૌરાષ્ટ્રના આશરે 30 ટકા હોવાનું અનુમાન છે. આમ, સૌરાષ્ટ્રના લાખો લોકોએ વિદેશ જવા માટે 5- 6 કલાકનો સમય, નાણાંનો વ્યય કરીને તથા હાડમારી વેઠીને અમદાવાદ જવા મજબૂર બનવું પડે છે.
રાજકોટના એરપોર્ટ ડાયરેક્ટરે લોકોની તીવ્ર માંગણી અને ફરિયાદો અન્વયે શિયાળુ સત્રમાં રાજકોટથી વિદેશ જવાની ફ્લાઈટ શરૂ થશે તેવી વાતો કરી હતી પરંતુ, હવે તો શિયાળો પૂરો થવા છતાં વિદેશની ફ્લાઈટ ક્યારે શરૂ થશે તેની તારીખ પણ જાહેર કરાતી નથી. એટલું જ નહીં, લોકોને દેશમાં જ અન્ય સ્થળોએ જવા પુરતી ફ્લાઈટ નહીં હોવાથી વારાણસી, અયોધ્યા કે હૈદ્રાબાદ કે દહેરાદુન (હરિદ્વાર) જેવા સ્થળોએ જવા ફ્લાઈટ શરૂ થઈ નથી.