'ભાદરવા મહિનામાં ગાયો માંદી પડે છે' રાજકોટની પાંજરાપોળમાં 756 પશુના મોત મુદ્દે RMCનો લૂલો બચાવ
Rajkot Panjarapol Cows Death News : ગૌરક્ષાની વાતો કરતી ભાજપ સરકારના રાજમાં ગાયોના મોત થઈ રહ્યા છે. છેલ્લા ત્રણ મહિનામાં રાજકોટની પાંજરાપોળમાં 756 જેટલા પશુઓના મોત થતા તંત્ર પર સવાલ ઉઠી રહ્યાં છે. આ મામલે કોર્પોરેશન અને સામાજિક સંસ્થાની કામગીરી સામે કોંગ્રેસ માલધારી સેલ દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યાં છે, ત્યારે શાસક પક્ષ સામે માલધારી સમાજે આક્ષેપ કર્યા હતા કે, 'ગાયને માતા કહીને મત માગનારા ગાયના મોત મામલે ચૂપ છે.'
પાંજરાપોળમાં પશુઓની સ્થિતિ દયનિય : માલધારી સમાજ
રાજકોટના માલધારી સમાજે આરોપ લગાવ્યો છે કે, રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત પાંજરાપોળમાં ગાયોની સ્થિતિ અત્યંત દયનિય છે, એટલું જ નહીં, ડબ્બામાં રહેલી ગાયોની હાલત કપરી છે, પાંજરાપોળમાં પશુઓની યોગ્ય દેખરેખ ન રખાતી હોવાથી અને તેમને પૂરતો ખોરાક ન મળતો હોવાથી પશુઓના મોત થઈ રહ્યા હોવાનો દાવો કરાયો છે.
તંત્રનો લૂલો બચાવ
ગાયોના મોતનો વિવાદ થતા રાજકોટ પાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને લૂલો બચાવ કર્યો કે, ભાદરવા મહિનામાં ગાયો માંદી હોવાથી વધુ મોત થયા છે. જો કે, ભાદરવો મહિનો હજુ શરૂ થયાના માત્ર દસ દિવસ જ થયા છે. જેથી તંત્રનો આ દાવો લોકોને ગળે ઉતરતો નથી.
વિપક્ષના આકરા સવાલ
રાજકોટ મહાનગર પાલિકાના જનરલ બોર્ડમાં વિપક્ષ દ્વારા કોર્પોરેશન પર સવાલ ઉઠાવતા જાણવા મળ્યું હતું કે, ઘોડા, ગાય, બળદ-ખૂંટ જેવા મોટા પશુઓને રોજના 20 કિલો અને વાછરડી, પાડી, બકરી સહિતના નાના પશુઓને રોજનો 10 કિલો ઘાસચારો ખવડાવવામાં આવે છે. બીજી તરફ, મોટા પશુઓ માટે દિવસના એક પશુ દીઠ 50 રૂપિયા અને નાના પશુઓ માટે દિવસના પશુ દીઠ 35 રૂપિયા મહાનગર પાલિકા દ્વારા પશુઓના નિભાવ ખર્ચ માટે જીવદયા ટ્રસ્ટને ચૂકવાય છે, તેમ છતા મોટી સંખ્યામાં પશુઓના મોત થતા અનેક સવાલો ઉઠી રહ્યાં છે.
આ પણ વાંચો : ગાંધીનગરની ઇન્ડસ યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ ડાયરેક્ટરે વિદેશી યુવતી સાથે છેડતી કરતાં ખળભળાટ
તપાસ સમિતિની રચના કરાશે
સમગ્ર મામલે મહાનગરપાલિકાના અધિકારીઓ અને પાંજરાપોળના સંચાલકોની બેઠક બોલાવીને ગોયાના મોતને લઈને તપાસ સમિતિની રચના કરવામાં આવશે. મહાનગર પાલિકા સંચાલિત પાંજરાપોળમાં રાખવામાં આવતા શહેરના રખડતા ઢોર સહિત બિનવારસી ઢોરના નિભાવ ખર્ચે માટે 17.86 લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે. તેવામાં ગાયના નામે મત લેનારા સત્તાધિશો ગાયોના મોત સામે મૌન ધારણ કર્યું છે અને ઢોરના મોતના સચોટ આંકડા છૂપાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે.