સવા બે માસથી રાજકોટમાં ફૂલટાઈમ પોલીસ કમિશનર જ નથી!
રૂ।. 75 લાખના કાંડમાં અગ્રવાલની બદલી થયા બાદ : મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ, સપ્તાહમાં નવી નિમણુક થશે તેવી ખાત્રી, કડક અને પ્રમાણિક અધિકારી મુકાશે
રાજકોટ, : રાજકોટમાં પોલીસ અધિકારીઓ દ્વારા રૂ।. 75 લાખની લાંચના કાંડમાં તત્કાલીન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વિરૂધ્ધ અરજદાર જગજીવન સખિયા અને ધારાસભ્ય ગોવિંદ પટેલે ગંભીર ફરિયાદ કરતા ઉચ્ચસ્તરીય તપાસ બાદ કમિશનરની બદલી કરાઈ હતી, પરંતુ, તેમના વિકલ્પે સારા અધિકારીની શોધ હજુ પૂરી ન થઈ હોય તેમ સવા બે માસથી રાજકોટમાં ફૂલટાઈમ પોલીસ કમિશનરની નિમણુક જ નથી થઈ.
હાલ પોલીસ કમિશનરનો ચાર્જ ખુરશીદ અહેમદને અપાયેલ છે અને તેમણે સવા બે માસમાં મુખ્ય કામગીરી પોલીસતંત્રમાં સાફસુફીની કરી છે. રાજકોટમાં ધારાસભ્ય, સંસદસભ્ય સહિત ભાજપના આગેવાનોએ નિષ્ઠાવાન,પ્રમાણિક,કડક અધિકારીને મુકવા સરકાર પાસે માંગણી કરી છે તો ગઈકાલે મુખ્યમંત્રીને વિપક્ષો દ્વારા પણ આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. પ્રાપ્ત નિર્દેશો મૂજબ રાજ્ય સરકાર એકાદ સપ્તાહમાં જ નવા પોલીસ કમિશનરને નિમણુક કરશે અને તે ગુનેગારો,લુખ્ખા તત્વો પર કડક નિયંત્રણ રાખે તેવા અને સ્વચ્છ છબી ધરાવતા હોય તેમની પસંદગી કરાશે તેમ પણ જાણવા મળ્યુ છે.