'અમે સંસદમાં આ મુદ્દો ઉઠાવીશું', રાહુલ ગાંધીએ રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારોને હૈયાધારણા આપી
Rajkot Gamezone Fire: રાજકોટના TRP ગેમઝોનના અગ્નિકાંડ 27 લોકોના મૃત્યુ નીપજ્યા હતા. ત્યારે આ અગ્નિકાંડને લઈને આજે (22મી જૂન) કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા પીડિતના પરિવારો સાથે વાતચીત કરીને તેમને સાંત્વના પાઠવી હતી. તેમણે કહ્યું કે, 'આ માટે મારા લાયક કામ હોય તો ગમે ત્યારે જણાવી શકો છો. સંસદ સેશન ટૂંક સમયમાં શરૂ થવાનું છે. એમાં પણ આ મુદ્દો ઉઠાવીશ, જેનાથી સરકાર પર પીડિતોને ન્યાય આપવાનું દબાણ લાવી શકાશે.'
રાહુલ ગાંધીએ પીડિતોના પરિવારજનોને સાંત્વના પાઠવી
રાજકોટ અગ્નિકાંડના પીડિતના પરિવારો રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, 'આપણે સરકાર પર દબાણ લાવવું જ જોઈએ કે આ કામ થઈ જાય. તટસ્થ તપાસ થાય અને જલદીથી નિર્ણય આવે એ જરૂરી છે, સાથે મને લાગે છે કે સરકાર પર દબાણ લાવીને કમ્પેન્સેશન વધારી શકાય એવા પ્રયાસો કરવા જોઈએ. આ માટે મારા લાયક કામ હોય તો ગમે ત્યારે જણાવી શકો છો. સંસદ સેશન શરૂ થવાનું છે. અમે આ આ મુદ્દો ઉઠાવીશું, જેનાથી સરકાર પર પીડિતોને ન્યાય આપવાનું દબાણ લાવી શકાશે.'
વીડિયો કોન્ફરન્સમાં શક્તિસિંહ ગોહિલ અને જિજ્ઞેશ મેવાણી જોડાયા હતા
આ વીડિયો કોન્ફરન્સમાં આ અગ્નિકાંડના પીડિત પરિવાર, ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા જિજ્ઞેશ મેવાણી જોડાયા હતા. જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે, 'આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારના પરિવાર સાથે સ્થાનિક ધારાસભ્યો, સાંસદ તેમજ જેને રાજકોટના લોકો દ્વારા મુખ્યમંત્રી બનાવાયા તે વિજય રૂપાણી પણ વાત કરવા તૈયાર નથી. કોંગ્રેસની માગ છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચાલવો જોઈએ.'
આ વીડિયો-કોન્ફરન્સમાં કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે 'આ ગેમઝોન સાવ ગેરકાયદે રીતે ચાલતો હતો. એક્ઝિટ અને એન્ટ્રી માટે એકમાત્ર દરવાજો હતો. બિલ્ડિંગ યુઝ પરમિશન કે ફાયર NOC સહિત કોઈ જરૂરી તકેદારી લેવામાં આવી નહોતી. જ્યારે ઘટના બની ત્યારે પ્રથમ રિએક્શન એ હતું કે કોર્પોરેશનને કાંઈ ખબર નથી.' બીજી તરફ અગ્નિકાંડના પીડિત પરિવારોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું, કે, આ અગ્નિકાંડને એક મહિનો થવા આવ્યો હોવા છતાં હજુ સુધી ન્યાય નથી મળ્યો. અગ્નિકાંડના પીડિતોને ન્યાય માટે પણ આંદોલન કરવા પડી રહ્યાં છે.'