રાજકોટ અગ્નિકાંડ પછી ખૂલી પોલઃ સુરતના પાંચ ઝોન પાસે બીયુ પરમિશન ન હતી, ફાયર સેફ્ટીના સાધનો પણ રાતોરાત ગોઠવી દેવાયા

Updated: May 27th, 2024


Google NewsGoogle News
રાજકોટ અગ્નિકાંડ પછી ખૂલી પોલઃ સુરતના પાંચ ઝોન પાસે બીયુ પરમિશન ન હતી, ફાયર સેફ્ટીના સાધનો પણ રાતોરાત ગોઠવી દેવાયા 1 - image


Rajkot Game Zone Fire : રાજકોટ અગ્નિકાંડમાં ટીઆરપી ગેમ ઝોનના માલિકોની ભૂલ અને પાલિકા તંત્ર-પોલીસ અધિકરીઓની બેદરકારીને કારણે 28 લોકોએ જીવ ગુમાવ્યો છે, ત્યારે ફાયર સેફ્ટીના સાધનો મામલે સુરતના ગેમ ઝોન માલિકોએ પણ દોડધામ શરૂ કરી દીધી છે. રાજકોટના અગ્નિકાંડ બાદ સુરતના અધિકારીઓ જાગ્યા હોય તેમ શહેરના તમામ ગેમ ઝોન પર તપાસ આદરી છે. બીજી તરફ એક ગેમ ઝોન માલિકો રાતોરાત ફાયર સેફ્ટીના સાધનો મુક્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ ઉપરાંત પાંચ મોટા ગેમ ઝોન પાલિકાની બી.યુ.પરમિશન વિના જ ચાલતા હોવાની પણ વિગતો સાંપડી છે. આમ, રાજકોટના અગ્નિકાંડ પછી અન્ય શહેરોમાં પણ ફાયર સેફ્ટીને લગતા મુદ્દાની પોલ ખૂલવા માંડી છે. 

રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત પાલિકા દોડતું થયું

રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત પાલિકા તંત્ર દોડતું થયું છે અને શહેરમાં ચાલતા ગેમ ઝોનની તપાસ કરી 10 જેટલા ગેમ ઝોનમાં વિવિધ ખામી જણાતા બંધ કરાવી દેવાયા છે. આ દિશામાં પાલિકાના અધિકારીઓ-કર્મચારીઓની પણ ગંભીર બેદરકારી બહાર આવી છે, જેમાં પાંચેય ગેમ ઝોન પાલિકાની બિલ્ડિંગ યુઝ પરમિશન વિના જ ધમધમતા હોવાનું ધ્યાને આવ્યું છે.

સુરતમાં 10 ગેમ ઝોન બંધ કરાવાયા

રાજકોટમાં ગત શનિવારે સાંજે એક ગેમ ઝોનમાં લાગેલી આગમાં 28 લોકોએ જીવ ગુમાવતા લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. આ દુર્ઘટના બાદ સુરત પાલિકા તંત્ર જાગ્યું છે અને શનિવારે રાત્રિથી રવિવારે મોડી સાંજ સુધી શહેરમાં ચાલતા ગેમ ઝોનમાં ચકાસણી કરી હતી અને 10 ગેમ ઝોન બંધ કરાવ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે, આ પૈકી પાંચ ગેમ ઝોન પાસે પાલિકાની બી.યુ. પરમિશન જ ન હતી.

કેટલાક ગેમ ઝોનમાં રાતોરાત ફાયર સેફ્ટીના સાધનો ગોઠવાયા

બીજી તરફ કેટલાક ગેમ ઝોનના માલિકોએ રાતોરાત ફાયરના સાધનો ખરીદી પાલિકા અને લોકોની આંખમાં ધૂળ નાંખવાનો પ્રયાસ કર્યો છે. ગેમ ઝોન અને અન્ય સંસ્થામાં ફાયર સેફ્ટી મામલે કાર્યવાહી થાય તે પૂર્વે કેટલાક ગેમ ઝોનના માલિકોએ રાતોરાત ફાયર સેફ્ટીના સાધનો ખરીદીને ગેમ ઝોન બહાર ગોઠવી દઈ ફાયર સેફ્ટીની સુવિધા પહેલાથી જ હોવાનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ કર્યો છે. જો કે તેના પર દર્શાવેલી તારીખથી જ ખબર પડી જાય છે કે, આ તમામ સાધનો રાતોરાત ખરીદવામાં આવ્યા છે. 

સુરતમાં ફાયર સેફ્ટી વગર ધમધમતા હતા 6 ગેમ ઝોન

સુરત પાલિકા અને અન્ય અધિકારીઓની ટીમ દ્વારા ગેમ ઝોનની તપાસ કરાઈ હતી, જેમાં 6 ગેમ ઝોનમાં ફાયર સેફ્ટી ન હોવાનું બહાર આવ્યું છે. જ્યારે એક ગેમ ઝોનમાં ફાયર સેફ્ટીના તમામ સાધનો છે એવું દર્શાવાયું છે. જો કે ત્યાં ફાયર સેફ્ટીના જે સાધનો મુકાયા છે તેમાં આજની તારીખ સ્પષ્ટ હોવાથી રાતોરાત સાધનો મુકાયા હોવાની પોલ ખૂલી ગઈ છે. 


Google NewsGoogle News