અમુક લોકો સામે કાર્યવાહી બાદ ફરી 'જૈસે થે' જેવું ના કરતાં, અગ્નિકાંડમાં ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ
Rajkot Game Zone Fire: રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસની સુઓમોટો પીઆઈએલ અને એડવોકેટ અમિત પંચાલ દ્વારા દાખલ કરાયેલી અરજીમાં ગુરૂવારે (ચોથી જુલાઈ) રાજ્ય સરકાર દ્વારા ત્રણ સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિનો ફેક્ટ ફાઈન્ડીંગ રિપોર્ટ સીલબંધ કવરમાં ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે જણાવ્યું હતું કે, 'રિપોર્ટ જોયા બાદ અદાલત યોગ્ય હુકમ કરશે.'
શાળાઓમાં ફાયર સેફ્ટીની સુવિધા અંગેનો રિપોર્ટ હાઈકોર્ટે માગ્યો
ગુજરાત હાઈકોર્ટે ટીઆરેપી ગેમ ઝોન અગ્નિકાંડમાં સરકારને સીધો સવાલ કર્યો હતો કે,'સીટનો રિપોર્ટ ક્યાં છે..?' એમ કહી સરકારને આગામી મુદતે સીટનો રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો હતો. આ ઉપરાંત રાજ્યની આવી કરુણ દુર્ઘટનાઓને લઈ તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનોની કામગીરીની તપાસ અંગેનો રિપોર્ટ અને રાજ્યની શાળાઓમાં ફાયર સેફ્ટીની સુવિધા અંગેનો રિપોર્ટ હાઈકોર્ટે માગ્યો હતો. સરકાર તરફથી આ તમામ અહેવાલો 25મી જુલાઈએ આગામી મુદતે રજૂ કરવાની તૈયારી બતાવાઈ હતી.
હાઈકોર્ટે રાજ્ય સરકાર અને સત્તાવાળાઓને ચેતવણી આપી
રાજકોટ અગ્નિકાંડ કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય સરકાર અને સત્તાવાળાઓને ચેતવણી આપી હતી કે, 'અમુક લોકો સામે પગલાં લેવાય અને પછી જૈસે થેની સ્થિતિ થઈ જાય છે તેવું આ વખતે ના થવું જોઈએ. ચેક એન્ડ બેલેન્સની સીસ્ટમ હોવી જોઈએ. કેટલાક લોકો સામે પગલાં લઈ પછી શાંતિ રાખવાની તેવું ના થવું જોઈએ. સમગ્ર મામલામાં જે કોઈ કસૂરવાર કે જવાબદાર હોય તેની સામે કોઈપણ જાતની શેહશરમ રાખ્યા વિના આકરી કાર્યવાહી કરો. અગાઉ આ કેસમાં હાઈકોર્ટે શહેરી વિકાસ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરીને મ્યુનિસિપલ કમિશનરો સહિતના જવાબદારો આકરા પગલાં લેવા હુકમ કર્યો હતો.
હાઈકોર્ટે સીટને સમાંતર ત્રણ સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવા અને તેને તપાસ પૂર્ણ કરી અહેવાલ રજૂ કરવા હુકમ કર્યો હતો. જેના અનુસંધાનમાં શહેરી વિકાસ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરી અશ્વિનીકુમારે સોગંદનામા સાથે આ સમિતિનો ફેક્ટ ફાઈન્ડીંગ રિપોર્ટ સીલબંધ કવરમાં હાઇકોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો.
આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડમાં મોટો નિર્ણય, મનસુખ સાગઠિયાની કરોડોની મિલકતોની તપાસ માટે SITની રચના
સરકાર દ્વારા જણાવાયું હતું કે, 'ત્રણ સિનિયર સનદી અધિકારી પી.સ્વરૂપ, રાજકુમાર બેનીવાલ અને શ્રીમતી મનીષા ચંદ્રા એમ ત્રણ સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિ રચાઈ છે અને તેના દ્વારા સમગ્ર મામલામાં ઝીણવટભરી તપાસ કરી તેનો ફાઈનલ રિપોર્ટ ત્રીજી જુલાઈએ રજૂ કરાયો છે. જેમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનીંગ ડિપાર્ટમેન્ટના, ફાયર ડિપાર્ટમેન્ટના અને પોલીસ તંત્રના કેટલાક અધિકારીઓ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. સમિતિ દ્વારા કેટલાક મહત્ત્વના સૂચનો પણ કરવામાં આવ્યા હતા. વધુમાં સમિતિ હાઈકોર્ટના નિર્દેશાનુસાર, બહુ ગંભીરતાપૂર્વક અને બારીકાઈપૂર્વક તપાસ ચલાવી રહી છે. અને સમગ્ર પ્રકરણમાં જે કોઈ દોષિત કે કસૂરવાર હશે તેને બક્ષવામાં આવશે નહી. સરકાર તરફથી જે અધિકારીઓએ આ મામલામાં ફરજમાં બેદરકારી કે નિષ્કાળજી દાખવી છે. તેની સામે કડકમાં કડક પગલાં લેવાની હાઈકોર્ટને ખાતરી આપવામાં આવી હતી. હાઈકોર્ટે સરકાર અને સત્તાવાળાઓ પાસે સીટ સહિત તમામ રિપોર્ટ માંગી કેસની વધુ સુનાવણી 25મી જુલાઈએ રાખવામાં આવી હતી.'
અમ્યુકો સંકુલમાં આવેલી કોર્ટોમાં 7 દિવસમાં ફાયર સેફ્ટી સિસ્ટમ લગાવો
અરજદાર એડવોકેટ અમિત પંચાલ તરફથી હાઈકોર્ટનું ધ્યાન દોર્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંકુલમાં ફાયર સેફ્ટી સીસ્ટમ છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, અમ્યુકો સંકુલમાં આવેલી બે કોર્ટોમાં ફાયર સેફ્ટીની સુવિધા જ નથી. જેથી આગ કે અકસ્માતની કોઈ દુર્ઘટના ઘટે તો જાન-માલની સલામતી અને અદાલતના રેકર્ડ બળી જવાની ગંભીર સ્થિતિ સર્જાય તેમ છે. આ બાબત ધ્યાનમાં આવતાં ચીફ જસ્ટિસે ગંભીર નોંધ લીધી હતી અને સરકાર તેમ જ અમ્યુકો સત્તાધીશોને સાત જ દિવસમાં અમ્યુકો સંકુલમાં આવેલી કોર્ટોમાં ફાયર સેફ્ટી સીસ્ટમની પ્રક્રિયા પૂર્ણ કરવા હુકમ કર્યો હતો.'
ભ્રષ્ટાચારી સાગઠીયાનો મુદ્દો પણ હાઈકોર્ટમાં ચર્ચાયો
કેસની સુનાવણી દરમિયાન રાજકોટ મનપાના ભ્રષ્ટાચારી ટાઉન પ્લાનર મનસુખ સાગઠિયાનો મુદ્દો પણ ચર્ચાયો હતો. ચીફ જસ્ટિસે બહુ માર્મિક ટકોર કરી હતી કે આવા ભ્રષ્ટ અધિકારીઓના આધારે સિસ્ટમ ચાલી શકે નહીં. ખરેખર મ્યુનિસિપલ કમિશનરની જવાબદારી બને છે કે તેઓ સખત કાર્યવાહી કરે.
'શાળાઓ બંધ કરવી એ ઉપાય નથી, કાયદા-નિયમોનું પાલન કરાવો'
ચીફ જસ્ટિસે રાજયની શાળાઓમાં ફાયર સેફટી સુવિધા મુદ્દે ચાલેલી ચર્ચા દરમિયાન સરકાર અને સત્તાવાળાઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, 'શાળાઓ બંધ કરવી એ ઉપાય નથી. પરંતુ તમે કાયદા અને નિયમોનું ભારે ચુનતાપૂર્વક અને અસરકારક રીતે પાલન કરાવો.' હાઈકોર્ટે શાળાઓમાં ફાયર સેફ્ટી અંગેન રિપોર્ટ પણ 25મી જુલાઈ સુધીમાં માંગ્યો હતો.
ફાયર સેફટી અને ડિપા.ને લઈ હાઈકોર્ટે વેધક સવાલ કર્યા
ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે કેસની સુનાવણી દરમિયાન ફાયર સેફટીના મુદ્દાને બહુ ગંભીરતાથી લીધો હતો અને તેને લઈ સરકાર અને સત્તાવાળાઓને સત્તાવા આન સવાલ કર્યો હતા. એડવોકેટ અમિત પંચાલે ધ્યાન દોર્યું કે, 'ફાયર પ્રિવેન્શન સેફ્ટી મેઝર્સ એકટની રાજ્યભરમાં ફરજિયાત આવી દુર્ઘટનાઓ જોતાં હવે તો તેની અસરકારક અને કડકાઈપૂર્ણ અમલવારી થવી જરૂરી છે. જેથી ચીફ જસ્ટિસે ફાયર ડિપાર્ટમેન્ટના સ્ટ્રકચર તેના મહેકમ સ્ટાફ, તેઓની લાયકાત, માળખાકીય સવલતો સહિતના મુદ્દે પૃચ્છાઓ કરી હતી અને આગામી મુદતે આ બાબતોને લઈ નિર્દેશો જારી કરવાના સંકેત આપ્યા હતા.