Get The App

રાજકોટ અગ્નિકાંડમાં સાગઠિયાએ મોટા માથાના નામ આપ્યાની ચર્ચા, ACBની ગોકળગાયની જેમ તપાસ

Updated: Jun 2nd, 2024


Google NewsGoogle News
રાજકોટ અગ્નિકાંડમાં સાગઠિયાએ મોટા માથાના નામ આપ્યાની ચર્ચા, ACBની ગોકળગાયની જેમ તપાસ 1 - image


Rajkot Game Zone Fire : રાજકોટમાં પૂર્વ ટી.પી.ઓ. એમ.ડી.સાગઠીયા સહિત ટી.પી.ના અધિકારીઓ લાંબા સમયથી બિલ્ડીંગ પ્લાન મંજુર-નામંજુર કરવો, ગેરકાયદે બાંધકામની નોટિસ આપવી અને તેનો અમલ કરવો કે ન કરવો સહિતનો વહીવટ કરતા રહ્યા છે અને ઈતિહાસમાં પ્રથમવાર આવી કામગીરીની વિશાળ સત્તા ધરાવતા ટી.પી.ઓ.ની ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના ગુનામાં ધરપકડ કરીને પોલીસે પુછપરછ કરી છે ત્યારે પોતાને બચાવવા સાગઠિયા સહિતના આરોપીઓ મોટા માથાના નામ આપી દીધા હોવાની કે આપે તેવી શક્યતા હોવાની ચર્ચા જાગી છે. તો બીજી તરફ એ.સી.બી.ની તપાસ ધીમી ગતિએ ચાલી રહી છે.

કોથળામાંથી બિલાડુ નીકળશે કે સિંહ તે હજુ નક્કી નથી

આશ્ચર્યની વાત એ છે કે રાજકોટમાં સાગઠિયાની કેટલી મિલ્કતો તેના સર્વે નંબર સહિતની વિગતો બીન સત્તાવાર રીતે જાહેર થઈ છે પરંતુ, હજુ એ.સી.બી. દ્વારા એક પણ મિલ્કતની વિગત જાહેર કરાઈ નથી. સાંજના સમયે મહાપાલિકામાં ટી.પી.ઓ.ની કચેરીમાં અને તેના નિવાસસ્થાને ત્રાટકીને સાહિત્ય કબજે કરાયું છે પરંતુ, તેમાં શુ વિગત છે તે પણ જાહેર કરાયેલ નથી. એ.સી.બી. દ્વારા ગુપ્ત રાહે તપાસ થઈ રહી છે પરંતુ, તપાસના અંતે કોથળામાંથી બિલાડુ નીકળશે કે સિંહ તે હજુ નક્કી નથી.

બાંધકામ અંગે ભાજપને ખબર જ ન હોય તે શક્ય નથી

બીજી તરફ, મહાપાલિકામાં સામાન્ય નાગરિકોના એકાદ રૂમના અનધિકૃત બાંધકામ અંગે ભાજપના નેતા રાઉન્ડ લગાવીને ફરિયાદો કરતા હોય છે ત્યારે ત્રણ હજાર ચો.મી.માં બે માળના તોતિંગ બાંધકામ અંગે ભાજપને ખબર જ ન હોય તે શક્ય નથી. ટી.પી.નો સ્ટાફ આવા બાંધકામમાં બારોબાર વહીવટ કરીદે અને ભાજપના પદાધિકારીઓ, શાસકોને સાઈડલાઈન કરે તો આ પ્રકરણ અગાઉ જ બહાર આવ્યા વગર રહે નહીં. 

અનધિકૃત બાંધકામ અંગે સેંકડો નોટિસો અપાઈ

વગદારોના બાંધકામ તોડવા કે રહેવા દેવા ટી.પી.ના એકલદોકલ અધિકારી સત્તા હોય તો પણ નિર્ણય લેતા નથી. ડિમોલીશનની જે નોંધ જાહેર થાય છે તેમાં દરેક વખતે મ્યુનિ.કમિશનરની સૂચનાથી અને ટી.પી.ઓ.ના માર્ગદર્શનમાં ડિમોલીશન કર્યાનું જાહેર કરાય છે. રાજકોટમાં અનધિકૃત બાંધકામ અંગે સેંકડો નોટિસો અપાઈ છે જેમાં પછી બાદમાં તે દૂર કરવાની કામગીરી કરવામાં આવી નથી ત્યારે તેમાં કોઈ ભલામણ રહી છે કે વહીવટ થયો છે તે પણ તપાસનો વિષય છે.


Google NewsGoogle News