રાજકોટ અગ્નિકાંડમાં સળગતો સવાલ : ઘટના એક તો બે SIT કેમ? સરકાર ફરી સવાલોના ઘેરામાં
Rajkot Game Zone Fire: રાજકોટમાં 28 લોકોનો ભોગ લેનારી ટીઆરપી ગેમ ઝોનની આગના કાંડમાં બબ્બે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન (SIT) બનાવાતાં સરકારના ઈરાદાઓ વિશે શંકા સેવાઈ રહી છે. રાજ્ય સરકાર કુલડીમાં ગોળ ભાંગીને કેસને રફેદફે કરવાની ફિરાકમાં હોવાની ચર્ચા શરૂ થઈ છે. આગ લાગી હતી એ ગેમ ઝોન પર બુલડોઝર ફેરવીને પુરાવાના નાશ કરાયો હોવાના આક્ષેપો વચ્ચે એક જ કાંડની તપાસ માટે આઈજીપી સુભાષ ત્રિવેદીની આગેવાનીમાં અને ડીવાયએસપી ભરત બસિયાની આગેવાનીમાં એમ બબ્બે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ રચાતાં સરકાર ફરી શંકાના દાયરામાં છે.
SITના નામે તપાસનું નાટક કરાઈ રહ્યું હોવાની ચર્ચા
સરકારનાં સૂત્રોનું કહેવું છે કે, આઈજીપી સુભાષ ત્રિવેદીની ટીમ તંત્રમાં કોના દ્વારા બેદરકારી દાખવવામાં આવી એ અંગે તપાસ કરશે જ્યારે બસિયાની ટીમ આગ કેમ લાગી, કોઈ કાવતરું હતું કે છે નહીં તેની તપાસ કરશે. નિવૃત્ત પોલીસ અધિકારીઓના મતે, આ બધી બાબતો તો ઈન્વેસ્ટિગેશનનો પાર્ટ છે. તેના માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ બનાવવાની જરૂર નથી. ભરત બસિયા રાજકોટ આગકાંડમાં ઈન્વેસ્ટિગેટિવ ઓફિસર પણ છે. આ સંજોગોમાં તેમની તપાસના રીપોર્ટ અને એઅસઆઈટીના રીપોર્ટમાં કશું અલગ નહીં હોય તેથી એસઆઈટીના નામે તપાસનું નાટક કરાઈ રહ્યું હોવાની ચર્ચા છે.
આઈપીએસ અધિકારી પાસે કારકુની કરાવાઈ રહી છે
અધિકારીઓનું કહેવું છે કે, બસિયાની ટીમ સ્થાનિક છે તેથી આરોપીઓને છાવરવા માટે યોગ્ય તપાસ ના કરે એવું બને. આ સંજોગોમાં સુભાષ ત્રિવેદીની ટીમને તપાસની કામગીરી સોંપવી જોઈએ તેના બદલે આઈજી કક્ષાના આઈપીએસ અધિકારી પાસે કારકુની કરાવાઈ રહી છે. ગેમ ઝોનને મંજૂરી સહિતના મુદ્દે કોની ચૂક થઈ એ તો મામલતદાર કક્ષાની વ્યક્તિ બે દિવસમાં જ કહી શકે. તેના માટે એસઆઈટીની જરૂર જ નથી.
બીજી એક એસઆઈટી બનાવી દેવાઈ
રાજ્ય સરકારે પહેલાં આઈજીપી સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ બનાવી હતી. સુભાષ ત્રિવેદીની ટીમે રાજકોટ જઈને ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. સુભાષ ત્રિવેદીની ટીમે હજુ પોતાની તપાસ શરૂ જ કરી છે ત્યાં રાજકોટ જિલ્લા ડીવાયએસપી ભરત બસિયાની આગેવાનીમાં બીજી એક એસઆઈટી બનાવી દેવાઈ છે. આશ્ચર્યની વાત એ છે કે, ભરત બસિયા રાજકોટ આગકાંડમાં ઈન્વેસ્ટિગેટિવ ઓફિસર પણ છે. આ સંજોગોમાં તેમની તપાસના રીપોર્ટ અને । એઅસઆઈટીના રીપોર્ટમાં કશું અલગ નહીં હોય તેથી એસઆઈટીના નામે તપાસનું નાટક કરાઈન રહ્યું હોવાની ચર્ચા છે.
PI ગોંડલિયા શંકાના દાયરામાં
ભરત બસિયાની એસઆઈટીમાં રાજકોટ જિલ્લા પીઆઈ અને પીએસઆઈ છે. આ ટીમમાં ઈન્સ્પેક્ટર એમ.આર. ગોંડલિયાના સમાવેશના કારણે પણ વિવાદ સર્જાયો છે. ગોંડલિયા રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા ત્યારે ટીઆરપી ગેમ ઝોન ત્યાંથી શરૂ થયેલો. ગોંડલિયાના આશિર્વાદથી રાજકોટ શહેરમાં પણ ગેમ ઝોન શરૂ થયાની આશંકા છે. ગોંડલિયા ગેમ ઝોનના માલિકો વતી વહીવટ કરતા હોવાથી અધિકારીઓએ આંખ આડા કાન કરેલા એવી પણ ચર્ચા છે.