રાજકોટ અગ્નિકાંડ: પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિત છ IPS, મ્યુનિ. કમિશનર આનંદ પટેલની બદલી
Rajkot Game Zone Fire : રાજકોટમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગ બાદ કાટમાળ હટાવવા અને મૃતદેહો શોધવાની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. ત્યારે આ ગંભીર અગ્નિકાંડમાં સરકારે મોટી કાર્યવાહી કરી પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિત છ આઈપીએસ તેમજ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી કરી દીધી છે. રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રજેશ ઝાની નિમણૂક કરવામાં આવી છે. આ મામલામાં અગાઉ સાત સરકારી અધિકારીને પણ સસ્પેન્ડ કરી દેવાયા હતા.
પોલીસ કમિશનરે અગાઉ શું કહ્યું હતું?
રાજકોટ અગ્નિકાંડ મુદ્દે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે 26 મેના રોજ મીડિયા સમક્ષ આવી કહ્યું હતું કે, ‘આ કેસની જેસીપી વિધિ ચૌધરી તપાસ કરશે. ગેમ ઝોનમાં નવેમ્બર-2023માં રૂટિન લાઈસન્સ અપાયું હતું. પહેલી જાન્યુઆરીથી લાઈસન્સ રિન્યૂ કરાયું હતું. SITની ટીમ અધિકારીઓના નિવેદનો લેશે અને તપાસ કરશે. અગ્નિકાંડમાં કાગળો રજૂ કરાયા છે અને તેમાં ફાયર સેફ્ટીના બિલોનો પણ સમાવેશ થાય છે. જે જમીન પર ગેમ ઝોન બનાવાયો હતું, તેનું પાર્ટનરશિપ ડીડ હતું અને તેના આધારે કાર્યવાહી કરાશે. રાજકોટ પોલીસે ગેમ ઝોન માટે મંજૂરી આપી હતી.’ આ વાતનો તેમણે સ્વીકાર્ય કર્યો હતો કારણ કે, ગેમ ઝોનની મંજૂરી માટે પોલીસે જ લાયસન્સ આપ્યું હતું. આ દરમિયાન તેમણે મીડિયા કોઈપણ સવાલનો જવાબ આપ્યો ન હતો અને માત્ર પ્રાથમિક તપાસની વિગતો આપી હતી.
છ સરકારી પણ કર્મચારી સસ્પેન્ડ કરાયા હતા
આ પહેલા સરકારે અગ્નિકાંડ મામલે 6 સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. અત્યાર સુધીની માહિતી મુજબ રાજકોટ અગ્નિકાંડ બાદ બે આસિસ્ટન્ટ એન્જિનિયર, બે ડેપ્યુટી એન્જિનિયર અને બે પોલીસ ઈન્સપેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, જેમાં ગૌતમ જોષી (આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર), જયદીપ ચૌધરી (આસિસ્ટન્ટ ઈજનેર), એમ.આર.સુમા (R&Bના નાયબ કાર્યપાલક), પારસ કોઠિયા (R&Bના તત્કાલીન મદદનીશ), વી.આર.પટેલ (પોલીસ ઈન્સપેક્ટર), એન.આઈ.રાઠોડ (પોલીસ ઈન્સપેક્ટર)નો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે અગ્નિકાંડ બાદ એવા આરોપો લાગી રહ્યા હતા કે મસમોટા ગેમ ઝોનને કોઈપણ પ્રકારની પરવાનગી કે સુરક્ષાના માપદંડો જેમ કે ફાયર સેફ્ટી, એક્ઝિટ-એન્ટ્રી ગેટ ચેક કર્યા વિના જ મંજૂરી આપી દેવામાં આવી હતી. જેના પગલે આ મોટી હોનારત સર્જાઈ અને 28 નિર્દોષોએ જીવ ખોવાનો વારો આવ્યો હતો.