રાજકોટ અગ્નિકાંડના પીડિતોએ રૂપાલાને રીતસરના ઘેરી લીધા, કહ્યું- 'હું સતત તંત્રના સંપર્કમાં હતો'
Rajkot Game Zone Fire: રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં 28 લોકોના મોત નિપજતા અરેરાટી મચી જવા પામી હતી. ત્યારે છેલ્લા ઘણાં સમયથી વિવાદોમાં રહેલા કેન્દ્રીય મંત્રી અને રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા આજે (28મી મે) રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતાં. પરંતું અહીં મૃતદેહ લેવા માટે રાહ જોઈ રહેલા મૃતકોના પરિવારજનોએ રૂપાલાને ઘેરીને અનેક સવાલો કર્યા હતા.
અગ્નિકાંડના પીડિતોએ રૂપાલાને ઘેર્યા
રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા સિવિલ હોસ્પિટલ ખાતે અગ્નિકાંડના પીડિતોને મળવા પહોંચ્યા હતા. આ દરમિયાન મૃતકોના પરિવારજનોએ આરોપ છે કે તમે ઘટનાના 54 કલાક પછી અહીં આવ્યા છો? ત્યારે રૂપાલાએ જણાવ્યું હતું કે, હું બીજા જ દિવસે સ્થળ પર હતો. પણ અહીં આવ્યો ન હતો. જે પ્રક્રિયા થાય તેમાં બાધા આવે તેમ હતી. હું સતત તંત્રના સંપર્કમાં હતો. બીજા દિવસે પણ હું મુખ્યમંત્રી સાથે જ હતો. અમે સ્વજનોની લાગણી પહોંચાડીશું અને તે લાગણી અનુરુપ એક્શન લેવામાં આવે તે દિશામાં કામ કરીશું.'
પરશોત્તમ રૂપાલાએ સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓ સાથેની બેઠક બાદ જણાવ્યું હતું કે, 'મૃતદેહના કેટલા ડીએનએ આવ્યા છે, કેટલા બાકી છે, કેટલો સમય લાગે તેવો છે તે માહિતી લેવાના આશયથી મે સંબંધિત અધિકારી સાથે ચર્ચા કરી છે. 17 ડીએનએ ટેસ્ટ અહીં પહોંચ્યા છે. 27 મૃતદેહ સ્થળ પરથી મળી હતી. થોડા અવશેષો પણ મળ્યા છે. તમામ મૃતદેહ ગાંધીનગર એફએસએલમાં મોકલ્યા છે અને હજુ 10 રિપોર્ટ બાકી છે.'
મૃતદેહોમાં લોહી નહીં હોવાથી હાડકાંથી DNA ટેસ્ટ કરવા પડ્યા
ગાંધીનગર ખાતે ફોરેન્સિક લેબમાં મૃતકોના ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. મૃતદેહમાંથી ડીએનએના સેમ્પલ લેવા માટે લોહીની જરૂર હોય છે. પરંતુ રાજકોટની ઘટનામાં લોહી નહીં હોવાથી મૃતકોના હાડકાંને તાત્કાલિક ગાંધીનગર એફ.એસ.એલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. મૃતકોના હાડકાંને એર એમ્બ્યુલન્સ દ્વારા રાજકોટથી અમદાવાદ પહોંચાડાયા હતા.
આ પણ વાંચો: રાજકોટ TRP ગેમ ઝોન આગમાં ફસાયેલાને બચાવવા જતા જીમટ્રેનરે જીવ ગુમાવ્યો