રાજકોટ અગ્નિકાંડમાં 26ના મોત બાદ અમદાવાદ સહિત રાજ્યભરના ગેમ ઝોનમાં તપાસના આદેશ
Rajkot Fire: રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં અત્યાર સુધી 26 લોકોના મોત થયા છે. આ આગની ઘટના બાદ રાજ્ય સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. રાજ્યમાં તમામ ગેમ ઝોનની તપાસણી કરવા તેમજ ફાયર સેફ્ટી પરમિશન વિના ચાલતા ગેમ ઝોન બંધ કરાવવા પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા છે. સિંધુ ભવન પર ફનબ્લાસ્ટમાં ફાયર વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત વડોદરામાં નવ જેટલા ગેમ ઝોન છે. જુદી જુદી ટીમો બનાવી ફાયર એનઓસી અંગે તપાસ કરાશે.
મોટા ભાગના મૃતકો ગોંડલના, મૃતકોમાં 9 બાળકોની ઉંમર 18થી ઓછી
ગેમ ઝોનની સફરે આવીને આગના કારણે મોતના મુખમાં ધકેલાઈ જનારા તમામ મૃતકો ગોંડલના હોવાનું કહેવાય છે. આ દરમિયાન કુલ 24 મૃતદેહ રાજકોટ સિવિલમાં ખસેડાયા છે. પ્રત્યક્ષદર્શીઓના મતે અનેક મૃતદેહો રાખમાં ફેરવાઈ ગયા હતા, જ્યારે કેટલાકની તો ઓળખ પણ થઈ શકે એમ ન હતી. પ્રાથમિક તપાસ પ્રમાણે, આ મૃતકોમાં મોટા ભાગના બાળકો હોવાનું કહેવાય છે. મૃતકોમાં 9થી વધુ બાળકોની ઉંમર 18થી ઓછી હોવાના અહેવાલ મળ્યા છે.
મૃતકોના પરિજનોને ચાર લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય
રાજકોટ અગ્નિકાંડમાં મૃતક પરિવારોને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ દુર્ઘટના મામલે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરીને સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી છે.
આ પણ વાંચો: રાજકોટના TRP ગેમ ઝોનની આગમાં 24 લોકો મોત, ચાર લોકોની અટકાયત, 40 લોકોનો સ્ટાફ ફરાર