Get The App

રાજકોટ અગ્નિકાંડ માટે ભ્રષ્ટ અધિકારી કે તંત્ર જ જવાબદાર નહીં પણ રાજકારણીઓ અસલ ખેલાડી

Updated: May 30th, 2024


Google NewsGoogle News
રાજકોટ અગ્નિકાંડ માટે ભ્રષ્ટ અધિકારી કે તંત્ર જ જવાબદાર નહીં પણ રાજકારણીઓ અસલ ખેલાડી 1 - image


Rajkot Game Zone Fire : રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ ફાયર સેફટીથી માંડીને પોલીસ પરમિશનને લઈને ચર્ચા ઉઠી છે. એટલુ જ નહીં, ભ્રષ્ટ બાબુઓને પર આંગળી ચિંધાઈ છે. વાસ્તવમાં ગેમ ઝોન હોય કે પછી આનંદમેળો, પરમિશનનો ખેલ પાછળ ખાખી વર્દી કે ફાયર-મ્યુનિસિપલ કોર્પોરેશન જજવાબદાર હોય છે એવુ માની લેવાની જરૂર નથી. રાજકીય પીઠબળ વિના પરમિશનનો ખેલ શક્ય જ નથી. આ તો આગ દુર્ઘટનામાં નિર્દોષ લોકો હોમાઇ જતાં સરકાર-ભાજપ સંગઠનના પદાધિકારીઓ ગુજરાતની જનતાની આંખમાં આંખ મિલાવી શકે તેવી સ્થિતીમાં નથી. આ કારણોસર હવે અધિકારીઓના માથે દોષનો ટોપલો ઢોળી દેવા મથામણ થઈ રહી છે. હકીકતમાં ભ્રષ્ટ અધિકારી-તંત્રની સાથ સાથે સ્થાનિક રાજકારણીઓ જ 'અસલી ખેલાડી' છે.

લોકોમાં રોષભભૂક્યો  એટલે રાજકારણીઓ હાથ ખંખેર્યા

રાજકોટમાં છેલ્લાં ત્રણેક વર્ષથી વિના મંજૂરીએ ગેમ ઝોન ધમધમતુ હતુ. એ તો ઠીક, પણ ખુદ પોલીસ અધિકારી, મ્યુનિ.કોર્પોરેશનના અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ આજ ગેમ ઝોનમાં આનંદ  માણવા નિયમિત રીતે આવતાં હતાં. રાજકોટના સ્થાનિક રાજકારણીઓની પણ અહીં અવરજવર રહી છે. મંજૂરી વિનાના ગેમ ઝોનમાં આગ લાગતાં ૩૦થી વધુ નિર્દોષોએ જીવ ગુમાવ્યા છે એટલે ભાજપના  સાંસદ, ધારાસભ્ય, નેતાઓ,  મ્યુનિસિપિલ કોર્પોરેટરોએ મગરના આંસુ સારીને રાજકોટની જનતાની સહાનૂભુતિ જીતવા મથામણ કરી છે. ગેરકાયદે ધમધમતાં ગેમ ઝોન મુદ્દે લોકોમાં રોષભભૂક્યો છે એટલે રાજકારણીઓ હાથ ખંખેરી રહ્યા છે.

રાજકીય ભલામણ વિના આ શક્ય નથી

આ ઘટના બાદ લોકો જ દલીલ કરી રહ્યા છેકે, સાંસદ, ધારાસભ્યથી માંડીને કોર્પોરેટરને પોતાના મત વિસ્તારમાં સ્પા હોય કે પછી ગેરકાયેદર બાંધકામ કે પછી ગેમ ઝોન, ક્યાં ક્યા ધંધા ધમધમી રહ્યા છે તેની રજેરજથી રાજકારણીઓ વાકેફ હોય છે. મહત્વની વાત એછેકે, ભ્રષ્ટ બાબુઓ તો ગેરકાયદેસર ધમધમતા ધંધાને પરમિશન આપી દે છે પણ તેમાંય રાજકીય ભલામણ વિના આ શક્ય નથી. ભ્રષ્ટ બાબુ- રાજકારણીઓના મેળાપિપણાથી ધમધમતુ હોય છે. પણ જયારે કોઇ કરુણાંતિકા સર્જાય ત્યાંરે રાજકારણીઓ ડગલુ પાછળ હટી જાય છે. મગરના આંસુ સારી રાજકારણીઓ જનતાની સહાનુભૂતિ મેળવી લે છે અને અધિકારીઓને જ જવાબદાર ઠેરવી પોતે છટકી જાય છે.

રાજકારણીઓને ગેરકાયેદસર ગેમ ઝોન દેખાયુ નહી હોય

ચૂંટાયેલી જનપ્રતિનિધીની કોઈ જવાબદારી જ ન હોય. ભાજપના સ્થાનિક રાજકારણીઓને ગેરકાયેદસર ગેમ ઝોન દેખાયુ નહી હોય. પણ એક વાત ચોક્કસ છેકે, રાજકીય પીઠબળ વિના આ શક્ય નથી. હવે અધિકારીઓને સસ્પેન્ડ અને બદલી કરીને દેખાડો કરવામાં આવી રહ્યો છે પણ આ બધુય પ્રજાનો રોષ ઠારવાનુ એક માત્ર તૂત છે. સમય જતાં બધુય ભૂલાઈ જશે. ફરી એ જ રાજકીય ભલામણથી બધાય ગેમ ઝોન ધમઘમતા થઈ જશે.

ગેમ ઝોનથી માંડી વોટરપાર્કમાં રાજકારણીઓનું પાછલા બારણે રોકાણ

ગેમ ઝોન હોય કે પછી વોટરપાર્ક, મનોરંજન વ્યવસાયમાં રસ દાખવ્યો છે. ચર્ચા છેકે, ગાંધીનગરમાં એક પૂર્વ મંત્રીનો ગુજરાત ટુરિઝમે મંજૂરી આપી છે. આ ઉપરાંત અમદાવાદમાં એક વર્તમાન મંત્રીએ પણ પાછલા બારણે રોકાણ કર્યુ હોવાનું કહેવાય છે. આમ, ગુજરાતમાં કેટલાંક રાજકારણીઓએ ગેમ ઝોન, વોટરપાર્ક જેવા મનોરંજન વ્યવસાયમાં રોકાણ કર્યુ હોવાની વાત છે.

રાજકોટ અગ્નિકાંડ માટે ભ્રષ્ટ અધિકારી કે તંત્ર જ જવાબદાર નહીં પણ રાજકારણીઓ અસલ ખેલાડી 2 - image


Google NewsGoogle News