Get The App

'ઘટનામાં જો મારું નામ આવશે તો..', રાજકોટ અગ્નિકાંડ અંગે આ શું બોલ્યા ભાનુબેન બાબરિયા

Updated: Jun 1st, 2024


Google NewsGoogle News
'ઘટનામાં જો મારું નામ આવશે તો..', રાજકોટ અગ્નિકાંડ અંગે આ શું બોલ્યા ભાનુબેન બાબરિયા 1 - image


Rajkot Game Zone Fire: રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડમાં 27 લોકોના મોત થયા છે. આ ઘટનાને વઈને સરકાર દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. 25મી મેએ સર્જાયેલી કરૂણાંતિકા અંગે રાજકોટના ભાજપના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા આજે (પહેલી જૂન) પ્રતિક્રિયા આપી હતી. તેમણે  રડતા રડતા કહ્યું કે, 'જો આ અગ્નિકાંડમાં મારૂં નામ બહાર આવશે તો હું જાહેર જીવન છોડી દઈશ.'

ગેમ ઝોન દુર્ઘટના બની ત્યારે હું રાજકોટમાં નહોતી: ભાનુબેન બાબરિયા

આ ઘટનાના એક અઠવાડિયા બાદ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાએ એક પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન તેઓ ભાવુક થઈને રડી પડ્યા અને કહ્યું કે, ' આ ગેમ ઝોન દુર્ઘટના બની ત્યારે હું રાજકોટમાં નહોતી. જો કે, બીજા દિવસે રાજકોટ પહોંચી તે સાથે છે સિવિલ હોસ્પિટલે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને મળી હતી અને સાંત્વના પાઠવી હતી,પરંતુ મને યોગ્ય ન લાગ્યું એટલે ફોટા પડાવ્યા નહીં. જ્યારે ડીએનએ ટેસ્ટ થયા, તેના માટે ગાંધીનગર અને કલેક્ટર સાથે ચર્ચા કરતી હતી. જે લોકોના મૃત્યુ થયા હતા તેમના મૃતદેહ પરિવારને મળી જાય તેના માટે હું સતત ચિંતા કરતી હતી. આ ઘટનામાં ક્યાંય મારી જવાબદારી ખુલશે તો હું જાહેર જીવન છોડી દઈશ.'

ચાર આરોપી અધિકારીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર

ઉલ્લેખનીય છે કે, રાજકોટ અગ્નિકાંડમાં SITની તપાસ બાદ પ્રાથમિક રીપોર્ટ સોંપવામાં આવ્યો હતો, જેના બાદ પોલીસે ગુરૂવારે (30મી મે) ચાર અધિકારીઓની ધરપકડ કરી હતી, જેમાં ટીપીઓ મનસુખ સાગઠિયા, એટીપીઓ ગૌતમ જોશી, એટીપીઓ મુકેશ મકવાણા અને ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાનો સમાવેશ થાય છે. આ ચારેય આરોપીઓને 31મી મેએ કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.


Google NewsGoogle News