mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

રાજકોટ અગ્નિકાંડના પુરાવાના નાશ સાથે 'ડેથ ઝોન'માં ન્યાયની આશા પર બુલડૉઝર ફેરવાયું

Updated: May 29th, 2024

રાજકોટ અગ્નિકાંડના પુરાવાના નાશ સાથે 'ડેથ ઝોન'માં ન્યાયની આશા પર બુલડૉઝર ફેરવાયું 1 - image


Rajkot Game Zone Fire : ટીઆરપી ગેમિંગ ઝોન રાજકોટમાં ડેથ ઝોન બનતા 30 જીંદગીઓ ભરખી ગયો છે. અત્યાર સુધીની જેટલી વિગતો બહાર આવી છે તે ભયાવહ છે. આ ઝોન બિલ્ડીંગ યુઝ પરમિશન વગર ત્રણ વર્ષથી કાર્યરત હતો. અહીં, ફાયર સેફ્ટી માટેના ઉપકરણો ને હતા કે નહીં તેના માટે કોઈ મંજૂરી મેળવવામાં આવેલી. 

ગુજરાત સરકાર પણ સંપૂર્ણ મૌન

ઝોનમાં કેટલીક ગેમ્સ માટે પેટ્રોલ-ડિઝલના સ્વરૂપે જવલનશીલ પદાર્થોના સ્ટોરેજ પણ હતા. આ સ્ટોરેજ માટે કોઈ પરવાને, મંજૂરી કે સ્ટોરેજ બનાવવા માટે કોઈ નિયમોનું પાલન થયેલું કે નહીં એ અંગે તો હજુ તપાસ થવાની છે. આ જીવલેણ આગ લાગી ત્યારે અંદર કેટલા લોકો હતા, કેટલા બહાર નીકળવામાં સફળ થયા, કેટલાનો ભોગ લેવાયો, કેટલાની હજી ભાળ નથી મળી એવા કોઈ સવાલનો સત્તાવાર કે બિનસત્તાવાર જવાબ નથી. સામાન્ય ઘટનામાં નિવેદન, સૂચના અને સ્થિતિનો તાગ મેળવી રહ્યા હોવાની બડાશો હાંકનાર રાજ્ય સરકાર પણ સંપૂર્ણ મૌન છે.

 માત્ર 96 કલાકમાં પુરાવાઓનો નાશ કરવામાં આવ્યો

આટલી અસ્પષ્ટ અને મૂંઝવણભરી સ્થિતિ વચ્ચે દુર્ઘટના જે સ્થળે બની તે ‘ક્રાઈમ સીન’ બૂલડોઝરનો ઉપયોગ કરી સમથળ કરી નાખવામાં આવ્યો છે. માત્ર 96 કલાકમાં પુરાવાઓનો નાશ કરવામાં આવ્યો છે. ફોરેન્સિક લેબ મૃતકોના ડીએનએ મેળવી તેમની ઓળખ કરવામાં વ્યસ્ત છે. રાજકોટ પોલીસ આરોપી પકડી તેને રિમાન્ડ મેળવવામાં અને મ્યુનિસિપલ કમિશનરઆડેથઝોનને પરમિશન આપી કે નહીં તેના કાગળિયા એકત્ર કરી રહી છે.

પ્રાથમિક અહેવાલ માટે 45 વ્યક્તિના નિવેદન લીધા

કોઈપણ ક્રાઈમમાં ઘટના સ્થળ સૌથી મોટો પુરાવો હોય છે. આ કેસમાં હવે આ પુરાવાનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો છે. એ પણ સમગ્ર સરકારી મશીનરીની હાજરીમાં, સરકારી મશીનરી દ્વારા જ તેનો નાશ કરવામાં આવ્યો છે. સરકારે નિમેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે પ્રાથમિક અહેવાલ માટે 45 વ્યક્તિના નિવેદન લીધા છે, ઘટના સ્થળની મુલાકાત લીધી છે અને 'ડેથ ઝોન'ના ભૂતકાળ અંગેના દસ્તાવેજ એકત્ર કર્યા છે. તો પછી સ્થળ ઉપરના પુરાવાનું શું? 

હવે જમીન સમથળ કરી દેવામાં આવી

'ડેથ ઝોન' જેમ દરેક નિયમોનું ઉલ્લંઘન કરી ઉભો કરવામાં આવ્યો હતો, વહીવટી તંત્રની રહેમનજર હેઠળ ધીકતો ધંધો કરી રહ્યો હતો એમ એટલું ચોક્કસ કહી શકાય કે હજારો લીટર પેટ્રોલ અને ડિઝલનો જથ્થો પણ ગેરકાયદે જ સ્ટોર કરવામાં આવતો હશે. હવે જમીન સમથળ કરી દેવામાં આવી છે. તેના ઉપર બુલડોઝર ફરી વળ્યું છે. રોડરોલરથી માટી દબાવી દેવામાં આવી છે તો આ સ્ટોરેજ, આ ઇંધણના પુરાવા કેવી રીતે મળશે, કોણ એકત્ર કરશે અને ક્યારે એકત્ર કરશે? આવા સવાલ ઉભા થઈ રહ્યા છે. પુરાવાનો નાશ કરવો, પુરાવા સાથે ચેડાં કરવા એ પણ એક મોટો ગુનો બને છે. અને આ કેસમાં પુરાવાનો નાશ કરવાની હિંમત કોના ઈશારે સ્થાનિક તંત્રમાં આવી એ પણ એક મોટો સવાલ છે.

 દરેક વખતે આરોપીઓ જામીન પરથી છૂટી ગયા

કોવિડ દરમિયાન હોસ્પિટલમાં આગ લાગવી કે સુરતમાં ટયૂશન ક્લાસિસની હોનારત હોય દરેક વખતે આરોપીઓ જામીન પરથી છૂટી ગયા છે. સામાન્ય દંડ થયો છે. ફાયર સેફટી એનઓસી માટે રાજ્ય વ્યાપી અભિયાન ચાલ્યા છે પણ સ્થિતિ ઠેરની ઠેર છે. શક્ય છે કે ટીઆરપી 'ડેથ ઝોન'ના કેસમાં પણ પુરાવાનો નાશ થઈ જવાથી કોઈ મોટી સજા થાય, મૃતકોના પરિજનોને ન્યાય મળે એવી આશાઓ ઉપર બૂલડોઝર ફેરવવામાં આવી રહ્યું હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે.

આ પણ વાંચો : રાજકોટ અગ્નિકાંડમાં SITના રિપોર્ટમાં મોટો દાવો

રાજકોટ અગ્નિકાંડના પુરાવાના નાશ સાથે 'ડેથ ઝોન'માં ન્યાયની આશા પર બુલડૉઝર ફેરવાયું 2 - image

Gujarat