રાજકોટ અગ્નિકાંડ મામલો : વધુ એક અધિકારી સસ્પેન્ડ, દસ્તાવેજમાં ચેડાં કરવાનો હતો આરોપ

Updated: Jul 6th, 2024


Google NewsGoogle News
રાજકોટ અગ્નિકાંડ મામલો : વધુ એક અધિકારી સસ્પેન્ડ, દસ્તાવેજમાં ચેડાં કરવાનો હતો આરોપ 1 - image


Rajkot Game Zone Fire: રાજકોટ અગ્નિકાંડ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ દરમિયાન મહાનગરપાલિકામાં ATPO રાજેશ મકવાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અગ્નિકાંડ બાદ ટાઉનપ્લાનિંગ શાખાના રજીસ્ટારમાં ચેડાં કરતા તેની ધરપકડ કરાઈ હતી. 

ટીઆરપી ગેમઝોનમાં ટી.પી.ની ટોળકીએ મોટો તોડ કર્યાની શંકા

રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની ઘટનામાં મનપાની ટાઉન પ્લાનીંગ વિભાગના આસિ. એન્જિનિયરથી માંડીને ટી.પી.ઓ.સહિત ગુનેગારોને પકડવામાં આવ્યા છે. ઉપરાંત ટી.પી.ના તત્કાલીન અધિકારીઓ સામે અગ્નિકાંડ પછી ગેમઝોનના ગેરકાયદે બાંધકામને રેગ્યુલરાઈઝ્ડ કરાવવા અરજી વીસ દિવસ પહેલાની જુની તારીખમાં થયાનું બોગસ રેકોર્ડ ઉભુ કર્યાનો ગુનો પણ નોંધાયો છે. ત્યારે ગેમઝોનને છાવરવા માટે ટી.પી.ની ટોળકીએ મોટી રકમનો તોડ કર્યાનું તારણ પણ નીકળે છે. જો કે હજુ પોલીસ દ્વારા કેટલી રકમનો ભ્રષ્ટાચાર કરીને ગેમઝોન ચાલવા દેવાયો તે જાહેર કરાયું નથી.

સાગઠીયાની કરોડોની કાળી કમાણીના ભાગીદારોના નામ પર પડદો!

મનસુખ સાગઠીયાને ત્યાંથી ભ્રષ્ટાચાર કરીને ભેગા કરેલા 28 કરોડ રૂપિયાથી વધુની મત્તા કબજે થઈ છે. પરંતુ આ રકમ કેટલા દિવસની કાળી કમાણી છે. 10 વર્ષમાં સાગઠીયાએ કેટલી રકમનો ભ્રષ્ટાચાર કર્યો અને તે નાણાં ક્યાં છે તે હજુ તપાસનો વિષય છે અથવા તો આ વિગત એ.સી.બી.ને મળી હોય તો પણ બહાર પડાઈ નથી. 

આ પણ વાંચો: નકલી અધિકારી, નકલી ટોલનાકું, નકલી કચેરી બાદ હવે રાજકોટમાં નકલી સ્કૂલનો થયો પર્દાફાશ

ગંભીર વાત એ છે કે ગુજરાતને હચમચાવનાર અગ્નિકાંડને 40 દિવસ થવા છતાં અને સાગઠીયા કે જે પદાધિકારીઓના હકુમત હેઠળ કામ કરતા હતા અને તત્કાલીન મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ ચેરમેન, શાસકપક્ષના નેતા એ ચાર પદાધિકારીઓ અને કમિશનરે જ તેની નિમણુક કરી હતી, રાજકીય બેકીંગ વગર સાગઠીયા આટલી હિંમતન કરે તે સામાન્ય સમજ છતાં રાજકોટ પોલીસની સિટ, સરકારની સિટ દ્વારા સાપરાધ મનુષ્યવધના ગુનામાં કે અપ્રમાણસર મિલ્કતના ગુનામાં માહિતી મેળવવા માટે પણ કોઈ પદાધિકારીની પુછપરછ કરી નથી.

તાજેતરમાં સાગઠીયાની મિલકતોની તપાસ માટે રચાયેલી વધુ એક સિટ સહિત ત્રણ સિટની તપાસ અને સરકારના અશ્વીનીકુમાર સહિત આઈ.એ.એસ.અધિકારીઓની સત્ય શોધક સમિતિની તપાસ કરે છે. અલગ અલગ અધિકારીઓ પણ તે એક લાઈન પર જ આગળ વધતી હોવાનુ પણ જાણવા મળ્યું છે.

રાજકોટ અગ્નિકાંડ મામલો : વધુ એક અધિકારી સસ્પેન્ડ, દસ્તાવેજમાં ચેડાં કરવાનો હતો આરોપ 2 - image


Google NewsGoogle News