રાજકોટ અગ્નિકાંડ: RMCના હોદ્દેદારોની મુદત પૂરી થાય એ પહેલાં મનસુખ સાગઠીયાને TPO તરીકે નિમણૂક આપી
Rajkot Game Zone Fire: સત્તાધીશો અને ટીઆરપી ગેમ ઝોનના માલિકોની મિલીભગતથી રાજકોટમાં ઈતિહાસનો સૌથી દર્દનાક અગ્નિકાંડ સર્જાયો હતો. જેમાં 27 નિર્દોષ લોકોના મૃત્યુ નીપજ્યા હતા. ભ્રષ્ટાચાર આ માટે મુખ્ય કારણ હતો. ત્યારે અગ્નિકાંડના સાપરાધ મનુષ્યવધના ગુનાના આરોપી સસ્પેન્ડેડ ટી.પી.ઓ. મનસુખ ધનાભાઈ સાગઠીયા સામે ગત 10 વર્ષમાં 10.55 કરોડ રૂપિયા ભ્રષ્ટાચારથી મેળવ્યાનો ગુનો નોંધાયા બાદ તેણે ભાઈના નામે ટ્વીનટાવરમાં ખરીદેલી ઓફિસમાં સર્ચ તપાસ કરતા રૂપિયા 3 કરોડ રોકડ અને સોનાચાંદીના દાગીના સહિત 18 કરોડ મળી આવ્યા છે. આ રૂ. 28 કરોડનો ભ્રષ્ટાચાર સત્તાવાર ખુલ્લો પડયો છે.
ત્યારે આ જ સાગઠીયાને ભ્રષ્ટાચાર માટે સૌથી મલાઈદર એવું ટી.પી.ઓ.નું પદ ઉતાવળે પ્રક્રિયા કરીને મહાપાલિકાના પદાધિકારીઓએ તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો થાય તેના બે મહિના પહેલા કમિશનર સાથે સંકલન સાધીને આપ્યાનું બહાર આવ્યું છે. તેમજ ટી.પી.ઓ.ના આંખો પહોળી થઈ જાય એવડા મોટા ભ્રષ્ટાચાર નેતાઓની મીઠી નજર વગર શક્ય નહીં હોવાનું પણ જાણવા મળ્યું છે.
સાગઠીયા આ હોદા ઉપર માત્ર ઈન્ચાર્જ તરીકે હતા
ટી.પી.ઓ. તરીકે બકુલ રૂપાણી 10 વર્ષ પહેલા નિવૃત થયા બાદ વર્ષો સુધી સાગઠીયા આ હોદા ઉપર માત્ર ઈન્ચાર્જ તરીકે હતા. બાદમાં જ્યારે ચૂંટાયેલી પાંખની મુદત પૂરી થતી હતી ત્યારે 2023માં જ ટી.પી.ઓ.ની કહેવાતી ભરતી પ્રક્રિયા શરૂ કરી અરજી મંગાવાઈ હતી. શંકાજનક રીતે તેમાં એક અરજી એમ.ડી.સાગઠીયાની આવી અને તેનો ઈન્ટરવ્યૂ અધિકારીઓએ લઈને તેનું નામ પસંદ કર્યું. મનપામાં કોઈ પણ ઓફિસરની ભરતીની સત્તા પદાધિકારીઓ પાસે છે.
મ્યુનિ.કમિશનરે સાગઠીયાના એકમાત્ર નામની દરખાસ્ત કરતા તેને ટી.પી.ઓ. બનાવવા પદાધિકારીઓએ તાબડતોબ તા.6-7-2023ના ઓફિસર્સ સિલેક્શન કમિટિની બેઠક બોલાવી. જે કમિટિમાં મેયર તરીકે પ્રદિપ ડવ, સ્થાયી સમિતિ ચેરમેન તરીકે પૂષ્કર પટેલ, ડેપ્યુટી મેયર પદે કંચનબેન સિળપુરા હતા. દરમિયાન પદાધિકારીઓએ શું નિર્ણય લેવો તેની સૂચના સમિતિની બહાર રહીને વગદાર નેતાઓ આપતા હતા. આ ત્રણેય પદાધિકારીઓની મુદત તા.12-8-2023ના પૂરી થતી હતી. આમુદ્દત બાને લેવાઈ હોય તે રીતે નવમી જૂલાઈએ આ કમિટિએ સાગઠીયાના નામ પર મંજૂરીની મ્હોર મારી દીધી. આ સમિતિને નિર્ભય પેન્ડીંગ રાખવા, અન્ય ઉમેદવારનું નામ સૂચવવા કહેવા કે પસંદ કરવાનો અધિકાર પણ હોય છે. ત્યારબાદ તા.19-7-2023ના જનરલબોર્ડમાં તાત્કાલિકઆ દરખાસ્ત રજૂ કરીને મંજૂર પણ કરી દેવાઈ. બીજા જ દિવસે તા. 20-7-2023ના જનરલ બોર્ડના વહીવટી 8. જા.નં.10થી તા.20-7-2023ના કરી નંખાયો અને કમિશનરને મોકલી દેવાયો.
મ્યુનિ.કમિશનરે પણ ચાર દિવસમાં જ તા. 4-7-2023ના આ બિનઅનામત કેટેગરીની એક જગ્યા ઉપર એક જ ઉમેદવાર એવા મનસુખ સાગઠીયાને ટાઉન પ્લાનીંગ ઓફિસર તરીકે 67700-208700 ના ગ્રેડથી 6 માસના અજમાયસી ધોરણે નિમણૂક આપી દેવાઈ અને છ માસ પૂરા થતા કાયમી પણ કરી દેવાયા. નિમણૂક વખતે સાગઠીયાની ઉંમર ૫૫ વર્ષની હતી પરંતુ, મનપાના ઓફિસરને ઉંમરબાધ નહીં તેવા વિચિત્ર નિયમ પાળીને નિમલુક અપાઈ હતી. મનપામાં માનીતા અધિકારીની ઊચા હોદા પર નિમણૂક કરવી હોય ત્યારે નિયમો પણ એવા રખાય છે કે અન્ય અરજી કરવાનું જ માંડી વાળે અને માનીતા અધિકારીનું જ નામ આવે. આવું અન્ય ખાતામાં પણ થયું છે.
સાગઠીયાએ વગદાર નેતાઓ સાથે ધરોબો કેળવીને જ ભ્રષ્ટાચારની હિંમત કરી હોય તેવી દ્રઢ શંકા છે. ઉપરાંત સાગઠીયાની ઉપરના અધિકારીઓ પણ આ અંગે સાવ અજાણ હોય તે બનવા જોગ નથી. પોલીસે હજુ માત્ર સાગઠીયાની જ ધરપકડ કરીને તપાસ કરી છે. ત્યારે સાગઠીયાએ પદાધિકારીઓ સહિત અન્યોના નામો પોલીસને આપી દીધા. પરંતુ પોલીસ આ નામો જાહેર નહીં કરતી હોવાની શંકા જનમાનસમાં છે. રાજકોટ પોલીસની અને સરકારની સિટ કે સત્ય શોધક સમિતિએ હજુ પદાધિકારીઓની ભૂમિકા અંગે મગનું નામ પરી પાયું નથી. નિવેદનો પણ લીધા નથી.