Get The App

રાજકોટ અગ્નિકાંડમાં પોલીસ, ફાયર, ટાઉન પ્લાનિંગ અને R&B વિભાગ જવાબદાર : SITનો રિપોર્ટ

Updated: Jun 22nd, 2024


Google NewsGoogle News
Rajkot Gamezone Fire


Rajkot Gamezone Fire: રાજકોટના અગ્નિકાંડની ઘટનામાં આખરે સિટએ તેનો ડિટેઈલ રિપોર્ટ રાજ્યના ગૃહ વિભાગને સબમીટ કરી દીધો છે. 100 પાનાના આ રિપોર્ટમાં તમામ અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી છે, જે જેમના સમયમાં આ બનાવ બન્યો છે. રિપોર્ટમાં ચોંકાવનારો ધડાકો એ છે કે આ ઘટના પાછળ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ અને માર્ગ-મકાનની સંયુક્ત બેદરકારી છે.

હજુ પણ ઉચ્ચ અધિકારીઓની પૂછપરછ ચાલુ

સિટના વડા અને સિનિયર આઈપીએસ અધિકારી સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે હજી પણ ઉચ્ચ અધિકારીઓની પૂછપરછ ચાલુ રહેશે. અમારી ટીમની તપાસ દરમ્યાન ટાઉન ડિપાર્ટમેન્ટ, લાયસન્સ બ્રાન્ચ, માર્ગ-મકાન વિભાગનો રોલ સામે આવ્યો છે. અમે ચાર આઈએએસ અને એક આઈપીએસ અધિકારીને નિવેદન નોંધવા માટે બોલાવ્યા હતા અને તેમની પૂછપરછ કરી છે. વિભાગોની નિષ્કાળજીને શોધી કાઢીને સરકારના ધ્યાનમાં મૂકવામાં આવ્યું છે. 

હજુ વધુ ધરપકડ થશે અને અટકાયત પણ કરાશે

તેમણે કહ્યું કે ગુજરાત પોલીસ એક્ટની કલમ 33માં લાયસન્સ આપવા અંગે સુધારા સૂચવ્યા છે અને બાંધકામની વ્યાખ્યા બદલવાની ભલામણ કરી છે. આ કેસમાં ગુનાહિત બેદરકારી માટે હજુ વધુ ધરપકડ થશે અને અટકાયત પણ કરાશે. સરકારી હોય કે ખાનગી, અધિકારી હોય કે પદાધિકારી પ્રત્યેકની ભૂમિકાની તપાસ થઈ રહી છે અને પગલાં લેવાશે ગેમઝોનના માલિકોએ નિર્દોષ નાગરિકોના પ્રાણ લીધા છે. 

કોઈપણ નિર્દોષને દંડવાની માનસિકતા નથી

સિટની તપાસ ચાલુ હોવાનો ઉલ્લેખ કરી સુભાષ ત્રિવેદીએ કહ્યું કે કોઈપણ નિર્દોષને દંડવાની માનસિકતા નથી. સમગ્ર કામગીરી દરમ્યાન પ્રામાણિકતાથી અમે ફરજ બજાવી છે. મોરબીની દુર્ઘટનામાં પણ ઘણાને જેલમાં મોકલ્યા હતા. સરકારે સ્પષ્ટ સૂચના આપી છે કે નિષ્પક્ષ અને ન્યાયિક તપાસ કરાશે. સરકારની સૂચના પ્રમાણે હજી આઈપીએસ અને આઈએએસની તપાસ કરાશે.

રાજકોટ અગ્નિકાંડમાં પોલીસ, ફાયર, ટાઉન પ્લાનિંગ અને R&B વિભાગ જવાબદાર : SITનો રિપોર્ટ 2 - image

કોઈ પણ પાસું ન છૂટે તેવો રિપોર્ટ તૈયાર કરાયો છે 

અગ્નિકાંડમાં ટાઉન પ્લાનિંગ, ફાયર, લાયસન્સ, પોલીસ અને માર્ગ-મકાન વિભાગને સંડોવણી સામે આવી છે. અમે 45 જેટલા કાયદાનો અભ્યાસ કર્યો છે. કોઈપણ અધિકારીએ તપાસમાં સહયોગ આપવો પડશે. એક એક બાબતનો અભ્યાસ કરીને રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં કોઈપણ પાસુ છોડાયું નથી. જે અધિકારીઓના સમયમાં બનાવ બન્યો હોય તેમને બોલાવાયેલા છે. અમે ફાયર સેફિટને પણ તપાસ માટે બોલાવી છે. તમામ સૂચનો અને તપાસની કાર્યવાહી કરી છે.

તમામ અધિકારીઓને પણ તપાસમાં આવરી લેવામાં આવ્યા

રાજકોટના આ ગેમઝોનમાં જેમના ફોટા વાયરલ થયા હતા તેની તપાસ કરી છે. જન્મદિવસ પર પરિવાર સાથે ગયા હતા તે તમામ અધિકારીઓને પણ તપાસમાં આવરી લેવામાં આવ્યા છે. અમને બધાં અધિકારીઓએ તપાસમાં સહયોગ આપ્યો છે. ગેમ ઝોનમાં જવલનશીલ પદાર્થ પેટ્રોલ અને ડીઝલ રાખવામાં આવ્યું હતું તે જથ્થાના સંગ્રહ અંગે પૂછપરછ કરી છે.

રિપોર્ટનું વિશ્લેષણ કરી અહેવાલ હાઈકોર્ટમાં સુપરત કરાશે 

સુભાષ ત્રિવેદીએ દાવા સાથે કહ્યું હતું કે જે કરૂણાંતિકામાં 27 નિર્દોષ લોકોના જીવ ગયા છે તેમને ન્યાય મળે તે હેતુથી અમે કોઈને પણ છોડવા માગતા નથી. સિટના વડાએ કહ્યું હતું કે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટનું વિશ્લેષણ કરીને સરકાર હાઈકોર્ટમાં અહેવાલ સુપરત કરશે. અમને લાગે છે કે અલગ અલગ વિભાગના અધિકારીઓની બેદરકારી સામે આવી છે. સાથે સાથે અમે દુર્ઘટના બનવા પાછળના કારણો શોધી કાઢ્યા છે. સરકારને રિપોર્ટ આપી દીધો છે પણ હજી વધારાની તપાસ હજી ચાલી રહી છે.

રાજકોટ અગ્નિકાંડમાં પોલીસ, ફાયર, ટાઉન પ્લાનિંગ અને R&B વિભાગ જવાબદાર : SITનો રિપોર્ટ 3 - image



Google NewsGoogle News