રાજકોટ અગ્નિકાંડ : સસ્પેન્ડેડ TPO મનસુખ સાગઠિયા સામે વધુ એક ફરિયાદ, ત્રણ સ્થળે દરોડા
ACB Raid at Mansukh Sagathiya: રાજકોટ ખાતે સર્જાયેલા ચકચારી અગ્નિકાંડમાં તપાસ દૌર ચાલી રહ્યો છે. એક પછી એક જવાબદારો વિરૂદ્ધ કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. ત્યારે તપાસ રેલો રાજકોટના સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગ ઓફિસર (TPO) મનસુખ સાગઠિયા સુધી પહોંચ્યો હતો. એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ મનસુખ સાગઠિયા વિરૂદ્ધ વધુ એક ફરિયાદ દાખલ કરી છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગ ઓફિસર (TPO) સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધી તેમની સાથે સંકળાયેલા ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતા.
આવક કરતાં 410% વધુ સંપત્તિ મળી આવી
તેમની પાસે ગેસ એજન્સી, પેટ્રોલ પંપ અને અમદાવાદ ખાતે આવેલી શાંતિગ્રામ ટાઉનશિપમાં બંગલો મળી આવ્યો છે. કરોડપતિ સસ્પેન્ડેડ TPO પાસેથી 10 કરોડ 55 લાખની અપ્રમાણસરની મિલકત મળી આવી છે. તેમની આવક કરતાં 410% વધુ સંપત્તિ મળી આવતાં એસીબી ગાળિયો કસ્યો છે.
એસીબીના દરોડા
આ ઉપરાંત એસીબીએ રાજકોટ ખાતે આવેલી સાગઠિયાના ભાઇની ઓફિસ પર પણ દરોડા પાડ્યા હતા. આ ઉપરાંત તેમના વતનમાં પણ એસીબી તપાસ કરી રહી છે. એસીબીના ડાયરેક્ટર સમશેરસિંગના માર્ગદર્શન હેઠળ જોઈન્ટડાયરેક્ટર બીપીન આહિરે સહિતનો સ્ટાફ ત્રાટક્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે મનસુખ સાગઠિયા વિરુધ્ધ અગ્નિકાંડ કેસમાં અગાઉ ફરજમાં બેદરકારી સબબ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અગ્નિકાંડના બીજા દિવસે ડુપ્લીકેટ મિનિટ્સ બુક તૈયાર કરવા બદલ અલગથી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ડુપ્લીકેટ મિનિટ્સ બુક તૈયાર કરવાના મામલે સાગઠીયા હાલ રિમાન્ડ ઉપર છે.