રાજકોટ અગ્નિકાંડની તપાસનો રેલો હજુ નેતાઓ-પોલીસ સુધી પહોંચ્યો નથી, આ મુદ્દે તપાસ બાકી

Updated: Jun 12th, 2024


Google NewsGoogle News
રાજકોટ અગ્નિકાંડની તપાસનો રેલો હજુ નેતાઓ-પોલીસ સુધી પહોંચ્યો નથી, આ મુદ્દે તપાસ બાકી 1 - image


Rajkot Game Zone Fire: રાજકોટના માનવીય ગુનાહિત બેદરકારીથી ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલા અત્યંત દર્દનાક અને ભયાનક અગ્નિકાંડ કે જેમાં બાળકો સહિત માણસો જીવતા સળગીને એટલી હદે ખાખ થઈ ગયા કે તેમના ડીએનએ મળવા પણ મુશ્કેલ બન્યા તેની આ ગુનાના દિવસે જ રાજ્ય સરકારે SITની રચના કરીને તેને તપાસ સોંપી હતી અને સમાંતર રીતે રાજકોટ પોલીસે પણ SITની રચના કરીને તપાસ હાથ ધરી હતી. 

વહીવટી પગલા પણ લેવાયા નથી

આ તપાસને આજે 17 દિવસ પૂરા થયા છે છતાં આજ સુધી નેતાઓ કે પોલીસ અધિકારીઓ આ કાંડમાં દૂધે ધોયેલા હોય તેમ માત્ર બે પી.આઈ.ને સસ્પેન્ડ કરીને અન્ય કોઈ સામે ફોજદારી પગલા લેવા તો દૂર વહીવટી પગલા પણ લેવાયા નથી.

SITના વડા દ્વારા ગઈકાલથી સઘન તપાસ 

દરમિયાન સરકારે નિમેલી SITના વડા સુભાષ ત્રિવેદી ગઈકાલથી આ કેસની સઘન તપાસ માટે રાજકોટ આવ્યા છે. તેમણે આજે રાજકોટ જેલમાં રહેલા પાંચ આરોપીઓ અને ટીઆરપી ગેમઝોનના ભાગીદારો-માલિકો એવા યુવરાજસિંહ સોલંકી, નિતીન લોઢા, રાહુલ રાઠોડ, ધવલ ઠક્કર અને કિરીટસિંહ જાડેજાની ચાર કલાક સુધી પૂછપરછ કરી હતી. તો સી.આઈ.ડી.ક્રાઈમ દ્વારા સાંજ સુધી જેલમાં ધામા નાંખીને પુછપરછ કરાઈ છે.

સરકારની વિવિધ એજન્સીઓની ભુમિકા અંગે તપાસ 

સુભાષ ત્રિવેદીનો સંપર્ક સાધતા તેમણે તપાસ એકદમ તટસ્થ ચાલી રહ્યાનો દાવો કરીને જણાવ્યું કે આરોપીઓના ધવલ કોર્પોરેશન કે જેનું બીજુ નામ રેસન્વે હતું તેણે જી.એસ.ટી., ફૂડ લાયસન્સ વગેરે અંગે જે કાર્યવાહી કરી છે તેમાં સરકારની વિવિધ એજન્સીઓની શુ ભુમિકા હતી વગેરેની તપાસ કરાઈ છે.

બૂકીંગ લાયસન્સની એક ફાઈલ હજુ પણ ગાયબ 

તેમણે સ્વીકાર્યું કે જેના એકમાત્ર આધાર પર ગેમઝોન શરુ થયું હતું તે પોલીસના બૂકીંગ લાયસન્સની એક ફાઈલ હજુ મળી નથી અને તે કેમ ગૂમ થયો કે ગૂમ કરી દેવાયો તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. પદાધિકારીઓની શુ સંડોવણી છે તે અંગે તેમણે કહ્યું કે સમગ્ર કેસની ઉંડાણથી તપાસ કરીને નિવેદનો લેવાય છે, પૂરાવાઓ એકત્ર કરાય છે અને જે પણ પદાધિકારીઓ કે પોલીસ અધિકારીઓ સહિત કોઈની પણ સંડોવણી ખુલશે તો અચૂક પગલા લેવાશે. 

સરકારની અને રાજકોટની SITમાં તપાસમાં બાકી મુદ્દા

1. આરોપી સાગઠીયા અને બે એ.ટી.પી.એ ક્યા પદાધિકારી, નેતા કે ઉચ્ચ અધિકારીની ભલામણથી આ બાંધકામનું ડિમોલીશન અટકાવ્યું હતું? ક્યા ક્યા પદાધિકારીઓ આનાથી વાકેફ હતા?

2. ફાયર એન.ઓ.સી. વગર પોલીસે બૂકીંગ લાયસન્સ આપ્યું તેમાં કોઈ આર્થિક વહીવટ કર્યો છે કે કોઈની ભલામણ હતી?

3. પોલીસ અને મનપા તથા અન્ય ખાતાની જવાબદારી પ્રથમ દિવસે જ ખુલી હોવા છતાં માત્ર મનપાના અધિકારીઓ સામે જ ગુનો નોંધી ધરપકડ કેમ કરાઈ? 

4. તા. 25ના માનવસર્જિત અગ્નિકાંડની ફરિયાદમાં કોઈ અધિકારીના નામ ન્હોતા ત્યારે બે-ત્રણ દિવસમાં મિનિટ્સ બૂક ઉપરાંતના પૂરાવાઓ સાથે શુ ચેડાં થયા છે?

5. આગ સાથે પ્રચંડ વિસ્ફોટ થયો તે પોલીસ તપાસ અનુસાર એલ.પી.જીની હતો તો આ બાટલા કઈ રીતે આવ્યા?

6. પૂર્વ કલેક્ટર, મ્યુનિ.કમિશનર, ધારાસભ્ય, મેયર વગેરે ટીઆરપી ઝોન પાસે ગયા તેની તસ્વીરો વાયરલ થઈ છે, SITદ્વારા તેમની પુછપરછ કેમ કરાઈ નથી?

7. પોલીસે બૂકીંગ લાયસન્સ ન આપ્યું હોત તો આ દુર્ઘટના ઘટત નહીં. આ લાયસન્સની પ્રક્રિયાની ફાઈલ કોણે, શા માટે ગૂમ કરી? ગૂમ થવા છતાં કોઈ સામે પગલે કેમ નથી લેવાયા?

8. ઘટનાના દિવસ તા.25ના 28 મૃતદેહો જાહેર થયા, બાદ સત્તાવાર 27નો મૃત્યુ આંક જાહેર થયો, બીજા દિવસે તા. 26ની સાંજે માનવ અવશેષો મળ્યા તે કોના હતા?

9. ઘટના બાદ તુરંત એ.ટી.પી.,પોલીસ વગેરેને સસ્પેન્ડ કરાયા તેમાં બેદરકારીનું કારણ આપ્યું પણ પોલીસ, મ્યુનિ.કમિશનર વગેરેની બદલી કરાઈ તેમાં કોઈ કારણ કેમ નથી આપ્યું? જો તેઓ નિર્દોષ હતા તો હજુ પોસ્ટીંગ કેમ નથી અપાયું?

રાજકોટ અગ્નિકાંડની તપાસનો રેલો હજુ નેતાઓ-પોલીસ સુધી પહોંચ્યો નથી, આ મુદ્દે તપાસ બાકી 2 - image


Google NewsGoogle News