રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેન્ક સાથે અદિતિ ક્રેડીટ સોસા.દ્વારા રૂ 12.77 કરોડની છેતરપિંડી
ગાંધીગ્રામ પોલીસમાં અદિતિ ક્રેડિટના 15 શખ્સો વિરૂધ્ધ ગુના નોંધાયો : કરોડેની લોન ડી.બેન્કમાં જમા નહીં કરાવીને અસલ દસ્તાવેજો છોડાવી ગયા : બોગસ દસ્તાવેજો ઉભા કર્યા : જંગી ઉચાપતની ફરિયાદથી સહકારી ક્ષેત્રે ચકચાર
રાજકોટ, : રાજકોટ ડિસ્ટ્રીક્ટ કો ઓપરેટીવ બેન્ક લી.ની રૈયારોડ શાખા સાથે આરોપી અદિતિ ક્રેડિટ કો.ઓપ.સોસાયટીના પ્રમુખ જગદીશસિંહ સજુભા જાડેજા સહિત 15 ઈસમો સામે રૂા. 12,77,84,732ની જંગી રકમની ઉચાપત,છેતરપિંડી કર્યાની ચોંકાવનારી ફરિયાદ આજે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે આઈ.પી.સી.ક. 406, 409, 465, 467,467, 468, 471, 120 (B) વગેરે હેઠળ ગુનો નોંધી તપાસ કરી છે.
ફરિયાદી મગનલાલ ધનજીભાઈ કાછડીયા (ઉ. 56 રહે.લાભ રેસીડેન્સી,કાલાવડ રોડ)એ આરોપીઓ શ્રી અદિતિ ક્રેડીટ કો.ઓ.સોસાયટીના પ્રમુખ (1) જગદીશસિંહ જાડેજા (રહે.મા આશાપુરા કૃપા,નાનામવા રોડ) (2) પૂર્વ મંત્રી ઉપેન્દ્રસિંહ સજુભા જાડેજા (રહે.નાના ઈટાળા તા.પડધરી) (3) હાલના મંત્રી સાગર ખીમજીભાઈ મોલીયા (રહે.લક્ષ્મીઈટાળા તા.લોધિકા) સામે તથા વ્યવસ્થાપક કમિટિના સભ્યો (1) બ્રિજરાજસિંહ અરૂણસિંહ જાડેજા (રહે.નિધિ કર્મચારી સોસા., કાલાવડ રોડ રાજકોટ) (2) કિંજલબા જગદીશસિંહ જાડેજા (રહે.મા આશાપુરા કૃપા, નાનામવા રોડ,અલય પાર્ક-2), (3) નરેન્દ્રભાઈ રણછોડભાઈ પાંભર (રહે.નાના ઈટાળા) (4) વિપુલભાઈ ધરમદાસ દેસાણી (5) પ્રકાશભાઈ વી.મુલિયાણા (રહે.ભીલવાસ-૩,રાજકોટ) (7) રાજેશભાઈ અમરસિંહ સોલંકી (રહે.ભીલવાસ) (8) નીતાબા એલ.જાડેજા (9) ચમનદાસ પી.દેસાણી (રહે.ખોડીયારનગર કોર્નલ, ગોંડલરોડ) (10) મનોજ ધીરજલાલ શીશાંગીયા (રહે.નાના ઈટાળા) (11) અરૂણસિંહ સજુભા જાડેજા (રહે.નિધિ કર્મચારી સોસા.,કાલાવડ રોડ) તથા એકાઉન્ટન્ટ (૧2) હિરેન સી.શાહ સહિત શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો છે.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપીઓએ કાવતરૂ રચીને શ્રી અદિતિ ક્રેડિટ સોસાયટીના સભાસદોની લોનો મંડળીમાં ભરપાઈ થયેલ નહીં હોવા છતાં અને રોકડ વ્યવહાર પ્રતિબંધિત છતાં રોકડમાં લોન ભરપાઈ કર્યાની 86 સભાસદોની પહોંચ, એન.ઓ.સી.બેન્કમાં રજા કરી અસલ દસ્તાવેજોની ફાઈલો છોડાવી ગયા હતા. બાદમાં આ સભાસદોની તા.28-2-2022ની સ્થિતિએ લોનની બાકી રકમ રૂ 9,22,39,436 તથા તેનું વ્યાજ બેન્કમાં જમા કરાવ્યુિં ન્હોતું. મંડળીના રોજમેળમાં રૂ 16,89,099 ઓછા જમા લઈ પહોંચમાં છેડછાડ કરી હતી. સીસી ટાઈપની બેન્કમાંથી લીધેલ રૂ 2,98,39,906 તથા બે લોન મળીને રૂ 29.59 કરોડ પૈકી તા. 31-12-2023 ની સ્થિતિએ રૂ 12.77 કરોડ જમા નહીં કરાવીને સગાપરિવારના અંગત ઉપયોગ માટે ગુનાહિત ઉચાપત કરી છે. તથા વધુ કૌભાંડ બહાર નહીં લાવવા ખૂનની ધમકી પણ આપી છે.