સૌરાષ્ટ્રમાં સતત વરસાદ, ત્રણ જ કલાકમાં 12 ઈંચ વરસાદ પડતાં બેટમાં ફેરવાયું આ ગામ

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News
Rain


Saurashtra Heavy Rain : સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં રાજકોટ, પોરબંદર, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, ત્યારે રાજકોટના ધોરાજી તાલુકાના છાડવાવદરમાં જાણે આભ ફાટ્યું હોવાથી 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો. બીજી તરફ, ધોરાજીનો ભાદર 2 ડેમ ઓવરફ્લો થયો છે. આ સાથે દ્વારકા અને પોરબંદરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.

છાડવાવદર ગામમાં ત્રણ કલાકમાં 12 ઈંચ વરસાદ 

રાજકોટના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ધોરાજી તાલુકાના છાડવાવદર ગામમાં છેલ્લા ત્રણ કલાકની અંદરમાં 12 ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદ પડવાથી ગામ આખુ બેટમાં ફેરવાયું છે. બીજી તરફ, ગામની નદીઓ બંને કાંઠે વહેતી થઈ છે. આ ઉપરાંત પોરબંદરમાં ધોધમાર વરસાદને પગલે 550થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 

આ પણ વાંચો : ગુજરાતમાં હજુ અતિભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની આગાહી, આ તારીખ પછી મેઘરાજા બતાવશે રૌદ્ર રૂપ 

ધોરાજીનો ભાદર 2 ડેમ ઓવરફ્લો 

સૌરાષ્ટ્રના રાજકોટ સહિતના ઉપરવાસમાં વરસાદનું પ્રમાણ વધુ હોવાથી ડેમમાં ભારીમાત્રામાં પાણીની આવાક થઈ છે, ત્યારે ધોરાજીનો ભાદર 2 ડેમ ઓવરફ્લો થયો છે. જેમાં ડેમના બે દરવાજાઓ એક ફૂટ સુધીમાં ખોલવામાં આવ્યાં છે. 2600 ક્યુસેક પાણીની આવક થઈ છે. આ સાથે માણાવદર, કુતિયાણા અને પોરબંદરના ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત, ધોરાજીથી પોરબંદર સુધીમાં ભાદર નદીકાંઠાના વિસ્તારોના લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

દ્વારકા અને પોરબંદરમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ

સૌરાષ્ટ્રના દ્વારકા અને પોરબંદરમાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર રૂપ બતાવ્યું છે, ત્યારે બંને જિલ્લાનો અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો છે. બીજી તરફ, ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાથી લોકોનું જીવન અસ્તવ્યસ્ત થયું છે. આ સાથે શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં માથા સમા પાણી ભરાતા લોકોને શેલ્ટર હોમ ખાતે મોકલવામાં આવ્યાં છે. 


Google NewsGoogle News