જિલ્લામાં 3,326 કુપોષિત બાળકોને રોજ 80 મિલિ દૂધ આપતી રાજકોટ ડેરી
રાજકોટ ડેરી દ્વારા દૈનિક 3.40 લાખ લિટર દૂધનું વેચાણ : ત્રણ માસમાં 10.75 લાખનું 17,200 લિટર દૂધ કુપોષિત બાળકોને તાલુકા બાળ વિકાસ અધિકારી મારફત વિતરણ કરાશે
રાજકોટ,: રાજકોટ જિલ્લામાં આજની તારીખે પણ સત્તાવાર રીતે 3326 બાળકો કુપોષિત છે, અને બીજી તરફ રાજકોટ ડેરી (જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ) રોજનું 3.40 લાખ લિટર દૂધનું વેચાણ કરે છે ત્યારે વેચાણની સાથે બાળકોને કુપોષણથી બહાર લાવવા રોજ બાળક દીઠ 80 એમ.એલ. લેખે દૂધનું નિઃશૂલ્ક વિતરણ શરૂ કરાયું છે.
કુપોષિત બાળકોને પોષણની જરૂર હોય છે જે દૂધમાં મળી રહે છે, જો કે આ જથ્થો નિયત માત્રામાં આપવો જોઈએ, વધુ આપવાથી અપચો પણ થઈ શકે તેથી દૈનિક 80 એમ.એલ.લેખે અઠવાડિયામાં પાંચ દિવસ દરેક બાળકને દૂધ આપવાનું શરૂ કરાયું છે અને તેનાથી એક માસમાં કેટલાક બાળકોનું વજન એકાદ કિલોગ્રામ જેટલું વધ્યાનું ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયાએ જણાવ્યું હતું.
આ દૂધ તમામ બાળકોને ત્રણ માસ સુધી જિલ્લાના દરેક તાલુકા બાળ વિકાસ અધિકારી મારફત વિતરણ કરાઈ રહ્યું છે અને બાળકોને તે મળે છે કે નહીં તેની ખાત્રી કરવા કોટડાસંગાણી, રાજકોટ, ગોંડલ, જસદણ, વિંછીયા તાલુકાની આંગણવાડીમાં ચેકીંગ પણ કરવામાં આવ્યું હતું. રાજકોટ ડેરી આ રીતે ત્રણ માસમાં 17,200 લિટર દૂધ આપશે જેનો ખર્ચ કિંમત રૂ।. 10.75 લાખ રાજકોટ ડેરી ભોગવશે.
બીજી તરફ ઉનાળાના પગલે રાજકોટ ડેરીને પશુપાલકો તરફથી દૂધની આવક જે શિયાળામાં 5 લાખ લિટરથી વધુ હોય છે તે ઘટીને 4.50 લાખ થઈ છે જે કારણે ડેરી અગાઉ 1 લાખ લિટર દૂધ અમૂલ ફેડરેશનને પાવડર બનાવવા મોકલી આપતી તે હાલ બંધ કરાયું છે. શહેરમાં છાશની માંગ 33 ટકા વધી છે અને હાલ 1 લાખ લિટર દૂધનો ઉપયોગ ડેરી દહીં-છાશ માટે કરે છે.