પોણો સો વર્ષ પછી રાજકોટ કોર્ટનું સ્થળાંતર થશે : શનિવારે નવી કોર્ટનું લોકાર્પણ
આઝાદી મળી ત્યારથી 1956 સુધી રાજકોટમાં હાઈકોર્ટ ચાલતી : સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટીસના હસ્તે લોકાર્પણ કરાશેઃ પ્રધાનો, અન્ય ન્યાયમૂર્તિઓ આવશે,: 3600વકીલો માટે નવા બારરૂમ પણ બનશે : સિવિલ હોસ્પિટલ ચોકથી અદાલતો ઘંટેશ્વરની નજીક રીંગરોડ-૨ ઉપર ખસેડાશે
રાજકોટ, : આઝાદી પછી ગુજરાત રાજ્યની સ્થાપના સુધી સૌરાષ્ટ્ર રાજ્યના પાટનગર એવા રાજકોટમાં સ્વતંત્રતા મળ્યાના સમયથી ધમધમતી પહેલા હાઈકોર્ટ અને બાદમાં જિલ્લા અદાલતનું હવે પોણો સો વર્ષ પછી સ્થળાંતર થશે. રાજકોટના રીંગરોડ-2 ઉપર જામનગર રોડ પર ઘંટેશ્વર પાસે નવા અદ્યતન કોર્પોરેટ કોર્ટ બિલ્ડીંગનું આગામી શનિવાર તા. 6 જાન્યુઆરીએ સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટીના હસ્તે લોકાર્પણ થશે તેમ આજે વકીલ અને કોર્ટ વર્તુળોએ જણાવ્યું છે.
ચાર-પાંચ પેઢીથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના અસીલો,વકીલો જેનાથી ટેવાઈ ગયા છે તે સિવિલ હોસ્પિટલ ચોક પાસે હાલ ચાલતી વિવિધ અદાલતો હવે ઘંટેશ્વર પાસે ધમધમશે. રાજકોટની હાલની કોર્ટનો ગૌરવવંતો ઈતિહાસ રહ્યો છે અને આ જ કોર્ટમાં પ્રેક્ટીસ કરનાર અનેક વકીલો ન્યાયમૂર્તિઓ અને અનેક પીઢ રાજકારણીઓ બન્યા છે.
નવા કોર્ટ બિલ્ડીંગમાં અદાલતો માટે તમામ સુવિધાઓ પૂર્ણ થઈ ગઈ છે પરંતુ, હજુ બાર રૂમ માટે પૂરતી વ્યવસ્થા નથી. વકીલોએ જણાવ્યું કે આ માટે અલગ બિલ્ડીંગ બનાવવા કાર્યવાહી થઈ રહી છે. રાજકોટમાં હાલ 3600 વકીલો પ્રેક્ટીસ કરે છે. તેમના માટે પર્યાપ્ત સુવિધા આપવા વારંવાર રજૂઆતો થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર શનિવારે લોકાર્પણ બાદ હજારો કેસોની ફાઈલો સહિત સ્થળાંતરની પ્રક્રિયા શરૂ થશે અને કમુહુર્તા ઉતર્યે તા. 15 પછી નવી જગ્યાએ કોર્ટ ધમધમતી થવાની શક્યતા છે.