રાજ્યનાં સૌથી વધુ 44.4 ડિગ્રી તાપમાન સાથે ફરી રાજકોટ શહેર બન્યું અગનભઠ્ઠી
ચાલુ સપ્તાહમાં હજુ 1-2 સેલ્સીયસ તાપમાન વધવાની આગાહી અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરેન્દ્રનગર, ભુજ, અમરેલી, ડીસામાં પણ 40 ડિગ્રીથી વધુ કાળઝાળ ગરમી, આજથી વૈશાખી વાયરાં ફૂંકાશે
રાજકોટ, : ગુજરાતમાં માર્ચ મહિનાથી જ ચાલુ થયેલો કાળઝાળ ગરમીનો દોર હવે ઉનાળાના મધ્યાહને લોકોને અકળાવી રહ્યો છે. ચાલુ સપ્તાહમાં હજુ 1-2 સેલ્સીયસ તાપમાન વધવાની હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે રવિવારે રાજ્યનાં સૌથી વધુ 44.4 ડિગ્રી તાપમાન સાથે ફરી રાજકોટ શહેર અગનભઠ્ઠી બન્યું હતું. જો કે, આજે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરેન્દ્રનગર, ભુજ, અમરેલી, ડીસામાં પણ 40 ડિગ્રીથી વધુ કાળઝાળ ગરમી વરસી હતી. હવે આજે ચૈત્ર મહિનો પૂરો થયો છે અને આવતીકાલે સોમવારથી વૈશાખી વાયરાં ફૂંકાશે.
રાજકોટ શહેરમાં અનેક વખત રાજ્યનું સૌથી વધુ તાપમાન નોંધાઈ ચુક્યું છે, જે ઘટમાળમાં આજે વધુ એક વખતનો ઉમેરો થયો હતો. હવામાન ખાતાનાં આંકડા પ્રમાણે, આજે રાજ્યમાં સૌથી વધુ તાપમાન કચ્છના કંડલા એરપોર્ટ ખાતે 45.6 ડિગ્રી નોંધાયું હતું, પણ શહેરોની વાત કરીએ તો રાજકોટમાં સૌથી વધુ 44.4 સેલ્સીયસ મહત્તમ તાપમાન વચ્ચે આકાશમાંથી જાણે અગનવર્ષા થઈ હતી. આજે રવિવારે રાજકોટ શહેરના રાજમાર્ગો સુમસાન બન્યા હતા. સાંજે છ-સાત વાગ્યા સુધી શરીર દઝાડી દેતા ગરમ પવન સાથેની લૂ વરસતી રહી હતી. બાદમાં પણ મધરાત સુધી નગરજનોએ અસહ્ય બફારો અનુભવ્યો હતો.
રાજ્યના અન્ય શહેરો જોઈએ તો સુરેન્દ્રનગરમાં 44.3 ડિગ્રી, ભુજમાં 43.8 ડિગ્રી, અમરેલીમાં 43.5 ડિગ્રી, ડીસામાં 42.3 ડિગ્રી, અમદાવાદમાં 41.8 ડિગ્રી, ગાંધીનગરમાં 40.8 ડિગ્રી, વડોદરામાં 40.2 ડિગ્રી મહત્તમ તાપમાનથી લોકો અકળાઈ ઉઠયા હતા. આ સાથે રાજ્યના મોટાભાગના શહેરોમાં હજુ મધરાત્રે 24 થી 26 ડિગ્રી વચ્ચે લઘુત્તમ તાપમાન રહેતું હોવાથી વહેલી પરોઢિયે 3 થી 6 વાગ્યા સુધી ઠંડકનો અનુભવ થાય છે. જો કે, બાદમાં 7 વાગ્યે સુર્યોદય થવા સાથે જ આકાશમાંથી આકરો તાપ વરસવાનું ચાલુ થઈ જાય છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી આજે તા. 28મી એપ્રિલથી શરૂ થતાં સપ્તાહ દરમિયાન પણ 1-2 ડિગ્રી તાપમાનમાં વધઘટ થવા સાથે હીટવેવનો માહોલ યથાવત રહેશે. આ સપ્તાહમાં મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 42થી 45 ડિગ્રી વચ્ચે રહેશે. સૌરાષ્ટ્ર-કચ્છનાં રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, ભુજ સહિતના શહેરોમાં હીટવેવની સ્થિતિ વધી શકે છે. આ સપ્તાહમાં પવન પશ્ચિમી દિશામાંથી 10 થી 15 કિમીની ઝડપે ફૂંકાશે. સવારે ભેજનું પ્રમાણ વધુ રહેવા સાથે ઝાકળવર્ષા થવાની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.