Get The App

રાજકોટ અકસ્માત કેસ: સિટી બસના કોન્ટ્રાક્ટની શરતો- ડ્રાઈવરોનો ઓવરટાઈમ પણ જવાબદાર?

Updated: Apr 17th, 2025

GS TEAM


Google News
Google News
રાજકોટ અકસ્માત કેસ: સિટી બસના કોન્ટ્રાક્ટની શરતો- ડ્રાઈવરોનો ઓવરટાઈમ પણ જવાબદાર? 1 - image


Rajkot City Bus Accident : રાજકોટના ઈન્દિરા સર્કલ પાસે બેફામ ગતિએ બસ દોડાવી રહેલા સિટી બસ ચાલકે ગઈકાલે બુધવારે (16 એપ્રિલ, 2025) અનેક વાહનો અને 6 લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 4 લોકોના મોત નીપજ્યા છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દોડતું થયું હતું. ગંભીર અકસ્માતમાં સિટી બસના કોન્ટ્રાક્ટની શરતો અને ડ્રાઈવરોનો ઓવરટાઈમ પણ જવાબદાર ગણી શકાય. મળતી માહિતી મુજબ, ઈલેક્ટ્રીક સિટી બસના કોન્ટ્રાક્ટની શરતો પ્રમાણે વાર્ષિક 70 હજાર કિલોમીટર પુરા કરવાનો ટાર્ગેટ હોવાથી સવાલ થાય છે કે, શું ડ્રાઈવર એટલા માટે વધુ સ્પીડમાં બસ દોડાવે છે? તેમજ ઓવરટાઈમના લીધે અકસ્માતની ઘટનાઓ સર્જાતી હોવાનું સામે આવ્યું છે. 

વાર્ષિક 70 હજાર કિલોમીટર બસ દોડાવવાનો લક્ષ્યાંક

ઈલેક્ટ્રીક સિટી બસ સરકારે કોર્પોરેશનની ફાળવી છે, ત્યારે કિલોમીટર દીઠ 36 રૂપિયા ગ્રાન્ટ સરકાર અને 17 રૂપિયા કોર્પોરેશન ભોગવે છે. જેમાં એક બસે દરરોજ 194 કિલોમીટર દોડાવવી ફરજિયાત છે. આમાં વાર્ષિક ધોરણે ઈલેક્ટ્રિક બસને 70 હજાર કિલોમીટરનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. જો આ લક્ષ્યાંક પૂર્ણ ન થાય તો એજન્સી દ્વારા પેનલ્ટી ફટકારવામાં આવે છે. જ્યારે બસ ડ્રાઈવર ટ્રાફિક અને નોકરીના સમયમાં બસ ચલાવીને જ્યારે ઓવરટાઈમ કરે છે તો તેની માનસિક અસર પહોંચે છે. જેનાથી અકસ્માત જેવી દુર્ઘટના સર્જાઈ શકે છે. 

ડ્રાઈવરે ફિટનેસ ટેસ્ટ- લાયસન્સ વેલીડીટી ચેક કરવાનો નિર્ણય લેવાયો

રાજકોટની આ અકસ્માતની ઘટનામાં સિટી બસ ડ્રાઈવરના લાયસન્સની વેલીડીટી પૂર્ણ થઈ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે હવેથી દર ત્રણ મહિને ડ્રાઈવરે ફિટનેસ ટેસ્ટ અને દર સપ્તાહે લાયસન્સ વેલીડીટી ચેક કરવાનો નિર્ણય લેવાયો છે. જેનો રિપોર્ટ મહાનગરપાલિકાને મોકલવામાં આવશે. જ્યારે આગામી સમયમાં સીએનજી બસ અને ઈલેક્ટ્રિક બસની સ્પિડ ઘટાડવામાં આવશે. 

પાર્કિગની દિવાલ પાસેથી દારુની મળી બોટલ 

રાજકોટના ઇન્દિરા સર્કલ પર બેદરકારીથી ડ્રાઇવિંગ કરી ઇલેક્ટ્રિક સિટી બસના ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા હતા. આ ગંભીર અકસ્માતમાં ચાર લોકોના મોત નીપજ્યા હતા. અકસ્માતના સીસીટીવી સામે આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં RTOની તપાસમાં પાર્કિગની દિવાલ પાસેથી દારુની બોટલ મળી આવી હતી. જ્યારે 19 મહિના પહેલા જ બસ ખરીદાઈ હતી અને બસમાં કોઈ ખામી ન હોવાને લઈને FSLમાં સામે આવ્યું હતું. 

આ પણ વાંચો: રાજકોટમાં સિટી બસ મોત બની વાહનચાલકો પર ફરી વળતાં 4ના મોત, મૃતકોના પરિજનોને 15 લાખની સહાય

શું હતી સમગ્ર ઘટના?

રાજકોટમાં સિટી બસ ચાલકે બેફામ ગતિએ બસ દોડાવી ગંભીર અકસ્માત સર્જ્યો હતો. આ ઘટનામાં રાજકોટ મ.ન.પા.ના ઓડિટ કલાર્ક રાજુભાઈ ગીડા (ઉં.વ. 35), ચિન્મય ઉર્ફે લાલો ભટ્ટ (ઉં.વ. 25), કિરણબેન કક્કડ (ઉં.વ. 56) અને સંગીતાબહેન ચૌધરી (ઉં.વ. 40)ના મોત નીપજ્યા હતા. જ્યારે વિશાલ મકવાણા (ઉં.વ. 28), સુરેશભાઈ રાવલ (ઉં.વ. 42), સાનિયાબહેન રાજગોર (ઉં.વ. 17), વિરાજબા ખાચર (ઉં.વ. 7) અને હસમુખભાઇ આડેસરા ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રૂ.15 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ.2 લાખની સહાય આપવાની રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

Tags :