રાજકોટ ભાજપના વોટ્સએપ ગ્રૂપમાં અશ્લીલ તસવીરોથી હોબાળો, મેયર સહિતના મહિલા નેતાઓ એક્ઝિટ
Rajkot BJP WhatsApp Group : ભાજપ રાજકોટના વોર્ડ નં.4ના બૂથ નં.56ના વોટ્સએપ ગ્રૂપમાં ભાજપના કાર્યકર્તા દ્વારા અશ્લિલ ફોટા શેર કરવામાં આવતાં હોબાળો મચી જવા પામ્યો છે. આ ગ્રૂપમાં મહિલા મેયર સહિત અન્ય મહિલાઓ પણ હોવાથી ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા અને ટપોટપ ગ્રૂપ લેફ્ટ કરી દીધું હતું. આ ઘટનાને લઇને રાજકોટ શહેર ભાજપ પ્રમુખે સમગ્ર મામલે તપાસ અને કાર્યવાહીની બાંહેધરી આપી છે.
ભાજપના કાર્યકર્તાએ શેર કર્યા અશ્લિલ ફોટા
ભાજપના નાનામાં નાના કાર્યકર્તાથી માંડીને મોટા-મોટા નેતાઓ તમામ લોકો સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરે છે. જેને લીધે પક્ષને ફાયદો પણ થાય છે, પરંતુ કેટલીક એક ભૂલ ભારે પડી જતી હોય છે. આવી ઘટના રાજકોટ શહેરમાં સર્જાઇ છે. જેમાં ભાજપ રાજકોટના વોર્ડ નં.4ના બૂથ નં.56ના વોટ્સએપ ગ્રૂપમાં મનીષ પરસાણા નામના ભાજપના કાર્યકર્તાએ એક પછી એક 6 જેટલા અશ્લિલ ફોટા શેર કર્યા હતા. જેના લીધે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. કારણ કે આ ગ્રૂપમાં 200 થી વધુ કાર્યકર્તાઓ જોડાયેલા છે. જેમાં મહિલા મેયર સહિત અન્ય મહિલાઓ પણ સામેલ છે.
આ પણ વાંચો: આભા કાર્ડ ના હોય તો કઢાવી લો, અકસ્માત વખતે તાત્કાલિક સારવાર ચાલુ થઈ જશે!
મેયર સહિત મહિલા કાર્યકર્તાઓ ટપોટપ લેફ્ટ કર્યું ગ્રૂપ
મનીષ પરસાણા દ્વારા ગ્રૂપમાં અશ્લિલ ફોટા શેર કરવામાં આવતાં વોટ્સએપ ગ્રૂપમાં સન્નાટો છવાઇ ગયો હતો. આ ગ્રૂપમાં એડ મહિલાઓ ક્ષોભનીય સ્થિતિમાં મુકાઇ હતી અને મહિલા મેયર નયનાબેન પેઢડિયા સહિત અને મહિલા કાર્યકર્તાઓએ ટપોટપ ગ્રૂપ લેફ્ટ કરી દીધું છે. આ સમગ્ર મામલો શહેર ભાજપ પ્રમુખ સુધી પહોંચી આ મામલે તપાસ કરવાની જવાદારી વોર્ડના આગેવાનોને સોંપવામાં આવી હતી અને યોગ્ય કાર્યવાહીની બાંહેધરી પણ આપવામાં આવી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં 28 લાખ વિદ્યાર્થીના ડિજિટલ રેકોર્ડ માટે APAAR -ID બનશે, જાણો શું થશે ફાયદો
ખેતમજૂરોના બાળકોએ રમત-રમતમાં શેર કર્યા: મનીષ પરસાણા
ભાજપ કાર્યકર્તા મનીષ પરસાણાને આ અંગે પૂછવામાં આવતાં તેમણે લૂલો બચાવ કર્યો હતો, જે કોઇપણને ગળે ઉતરે એવો ન હતો. તેમણે કહ્યું હતું કે હું વાડીએ ગયો હતો ત્યારે મારો મોબાઇલ ખેત મજૂરોના છોકરાઓ પાસે હતો અને બાળકોએ રમત-રમતમાં ગ્રૂપમાં ફોટા શેર કરી દીધા છે.