રાજકોટમાં સમૂહ લગ્નના આયોજકો ફરાર થતાં પોલીસે લગ્નનું બીડું ઝડપ્યું, કોંગ્રેસ નેતાએ જમણવારની જવાબદારી ઉપાડી
Rajkot Group Marriage: રાજકોટમાં એક વિચિત્ર ઘટના બની છે. આજે રાજકોટમાં સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી વર-વધૂ પક્ષના જાનૈયાઓ આયોજના સ્થળે પહોંચ્યા તો ત્યાં દૃશ્યો જોઈને નવાઈ પામ્યા હતા. આયોજકો ફરારા થઈ જતાં જાનૈયાઓ રસ્તે રઝળી પડ્યા હતા. જેને લઈને વર-વધૂ પક્ષના જાનૈયાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આખરે રાજકોટ પોલીસે 28 યુગલોના લગ્ન બીડું ઝડપ્યું હતું, જ્યારે કોંગ્રેસ નેતાએ જમણવારની જવાબદારી ઉપાડી લેતાં વર અને કન્યા પક્ષમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે.
આ પણ વાંચો: 28 જાન માંડવે આવી અને આયોજકો ફરાર: રાજકોટમાં સમૂહ લગ્નમાં ભારે વિવાદ, કન્યાઓ રડી પડી
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં ઋષિવંશી ગ્રૂપ દ્વારા સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનું આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્નમાં 28 કપલે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. સમૂહ લગ્નમાં ભાગ લેવા માટે 40 હજાર રૂપિયા ઉઘારવ્યા હતા. સમૂહ લગ્ન 22 ફેબ્રુઆરીએ એટલે કે આજે હોવાથી વર-વધૂ પક્ષના જાનૈયાઓ આયોજન સ્થળે પહોંચ્યા હતા. આયોજન સ્થળે પહોંચ્યા તો જાનૈયાઓને ખબર પડી કે અહીં કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી. આયોજકો આવ્યા જ ન હોવાથી લગ્ન અટકી પડ્યા હતા.
લગ્નની ખુશીના પ્રસંગમાં ગનગીમ દૃશ્યો સર્જાયા હતા. જાનૈયાઓ વીલા મોંઢે એકબીજા સામે જોઈ રહ્યા હતા. કન્યાની આંખોમાં આંસુ છલકાતા હતા. હરખ અને ઉત્સાહ પર પાણી ફરી વળ્યું હતું. હવે સૌથી મોટો પ્રશ્ન સર્જાયો છે કે વર-કન્યા ફેરા તો ફરી લેશે પરંતુ જમણવાર અને કરિયાવરની વ્યવસ્થા કોણ અને કેવી રીતે કરશે.
ચંદ્રેશ છત્રોલા, દિપક હિરાણી, દિલીપ ગોહેલ દ્વારા માધાપર ચોકડી અને બેડી ચોકડી પાસે આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઘટની જાણ થતાં હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત રાજકોટ પોલીસે લગ્ન કરાવવાનું બીડું ઝડપ્યું છે. લગ્નની વિધિ શરુ કરવામાં આવી છે. જ્યારે રાજકોટના વિપક્ષના નેતાએ જમણવારની જવાબદારી સ્વીકારી છે.